અમદાવાદના ખોખરા વિસ્તારમાં આવેલા પરિષ્કાર-1 એપાર્ટમેન્ટમાં સી બ્લોકમાં 5માં માળ પર આગ લાગવાની ઘટના બની છે. ફાયર બ્રિગેડની ટીમને જાણ કરવામાં આવતા 7 ફાયર બ્રિગેડની ગાડીઓ અને પોલીસ હાલમાં ઘટના સ્થળે પહોંચી હતી. આગ લાગતા ફ્લેટના તમામ રહીશો નીચે દોડી આવ્યા હતા મોટી સંખ્યામાં ભીડ એકત્રિત થઈ હતી. આગમાં ફસાયેલા 18 જેટલા લોકોને ફાયર બ્રિગેડ દ્વારા રેસ્ક્યુ કરીને નીચે લઈને આવવામાં આવ્યા હતા. ત્યાર બાદ ફાયર બ્રિગેડે પાણીનો મારો ચલાવી આગને કાબૂમાં લીધી હતી. આગ લાગ્યા બાદ ચોથા માળ પરની એક મહિલાએ ગજબની હિંમત દાખવી હતી. પહેલા તેમણે ફાયર રેસ્ક્યૂ બાલ્કનીમાંથી નાની દીકરીને ઉંચકીને ઉતારી, પછી નાની દીકરીને ઉતારી હતી. ત્યાર બાદ પોતે પણ લટકી ગઈ અને ગબડતા માંડ માંડ બચી હતી. મહિલા ચોથા માળ પરથી પોતાની દીકરીઓને ત્રીજા માળની રેસ્ક્યૂ બાલ્કનીમાં પકડવા માટે ઉભેલા ત્રણ લોકોને એક બાદ એક આપી હતી. જો કે આ દરમિયાન દીકરીઓને બચાવી રહેલી મહિલાની બાજુમાં જ એક મહિલા સતત ફોન પર વાત કરતી જોવા મળી હતી. જ્યારે મહિલા ઉતરી રહી હતી ત્યારે પણ તે ફોનમાં જ વાત કરી રહી હતી. તેણીએ હાથ લંબાવીને મદદ કરવાની પણ દરકાર લીધી નહોતી. ફાયરના સાધનો એક્સપાયર થઈ ગયા હોવાનું સામે આવ્યું
સી બ્લોકમાં લાગેલી ફાયર સિસ્ટમ એક્સપાયરી ડેટ વાળી હોવાનું સામે આવ્યું છે. ફાયર એક્સ્ટીંગ્વિશર સહિતના સાધનો પણ એકસ્પાયર થઈ ગયેલા હતા. ઇલેક્ટ્રિક ડકમાં આગ લાગીને ધૂમાડો ફેલાયો
આ અંગે ફાયરબ્રિગેડ પાસેથી મળતી માહિતી મુજબ ખોખરા વિસ્તારમાં આવેલા પરીષ્કર-1 ફ્લેટમાં બપોરના સમયે સી બ્લોકમાં પાંચમાં માળે ઇલેક્ટ્રીક ડકમાં આગ લાગવાની ઘટના બની હતી. આગ લાગવાના કારણે ધુમાડો ફેલાઈ ગયો હતો. જેના કારણે લોકોમાં ભારે ભય ફેલાયો હતો. ફાયરબ્રિગેડની ટીમને જાણ કરવામાં આવતાં મણીનગર ફાયર સ્ટેશનની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી. મણીનગર ફાયર સ્ટેશનથી ત્રણ ગજરાજ અને હાઇડ્રોલિક પ્લેટફોર્મ (સીડી) પણ મંગાવી લેવામાં આવી હતી. ફાયર બ્રિગેડની ટીમ ઘટનાસ્થળે પહોંચી ત્યારે કોઈ ઘરમાં નહીં પરંતુ ઇલેક્ટ્રીક ડકમાં આગ લાગી હતી જેના કારણે ધુમાડો વધારે ફેલાઈ ગયો હતો. મહિલાએ બાળકને નીચે ઉતાર્યું, નીચેના માળની વ્યક્તિએ ઉપર જઈ જીવ બચાવ્યો
સી બ્લોક બિલ્ડિંગમાં ધુમાડો વધારે ફેલાઈ ગયો હોવાના કારણે લોકો જીવ બચાવવા માટે નાસ ભાગ કરી રહ્યા હતા. જેમાં એક મહિલાએ પોતાના બાળકનો જીવ બચાવવા માટે તેના બાળકને નીચે ઉતારી દીધું હતું અને નીચેના માળ ઉપરથી કોઈ વ્યક્તિ તેને લઈ લે તેવી મદદ માંગી રહ્યા હતા. આ દરમિયાનમાં નીચેના માળ ઉપરથી એક વ્યક્તિએ ઉપર ચડી અને બાળકને બચાવી દીધો હતો. જો મહિલાના પગ ના પકડ્યા હોત તો જીવ ગુમાવત
એક મહિલાએ પોતાનો જીવ બચાવવા માટે ઉપરના માળેથી નીચે ઉતારવાનો પ્રયત્ન કર્યો હતો. નીચેના માળ ઉપર રહેલા વ્યક્તિએ તેમના પગ પકડી લીધા હતા અને ઉપરથી બે વ્યક્તિઓએ તેમને પકડી રાખ્યા હતા. ત્યારબાદ હાથ છોડી દીધો હતો જેના કારણે મહિલા સીધી નીચે આવી ગઈ હતી. જો કે બે લોકોએ તેના પગ પકડી લીધા હોવાના કારણે તેઓએ બચી ગયા હતા. સોસાયટીની ફાયર સિસ્ટમના કનેક્શનમાં ફાયર સાધનો લગાવી આગ કાબૂમાં લીધી: ફાયર ઓફિસર
અમદાવાદ ફાયર બ્રિગેડના ડિવિઝનલ ફાયર ઓફિસર રમેશપુરી ગોસ્વામીએ દિવ્યભાસ્કર સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે ઘટનાસ્થળે પહોંચ્યા ત્યારે ઈલેક્ટ્રીક ડકમાં આગ હોવાનું જાણવા મળ્યું હતું. કોઈ ઘરમાં આગ લાગી નહોતી પણ ધુમાડો ખૂબ જ ફેલાઈ ગયો હતો. જેના કારણે લોકોને અમે નીચે ઉતારવાનું શરૂ કર્યું હતું. ધુમાડાની વચ્ચેથી લોકોને નીચે ઉતારી લેવામાં આવ્યા હતા. સોસાયટીમાં લાગેલી ફાયર સિસ્ટમમાં ઇન લેટમાં અમારા ફાયર સાધનનો ઉપયોગ કરી દરેક માળ ઉપર લગાવેલા સાધનની મદદથી આગ ઠારવામાં આવી હતી. સોસાયટીમાં જે ફાયર સિસ્ટમ હતી તે કાર્યરત હતી. જોકે જે સાધનો છે તેમાના કેટલાક સાધનો એક્સપાયર થઈ ગયેલા હતા. તે અંગેની ચકાસણી કરવા માટે સોસાયટીના ચેરમેનને બોલાવવામાં આવ્યા છે અને ફાયર એનઓસી રિન્યુ હતી કે નહીં તે અંગેની અમે ચકાસણી કરીશું.