ચાલુ વર્ષે જાન્યુઆરી મહિનામાં પાટડી પોલીસ મથકે પાટડી નગરપાલિકાના ચીફ ઓફિસર, સેનેટરી ઇન્સ્પેક્ટર અને એક કોન્ટ્રાક્ટર વિરુદ્ધ બે સફાઈ કામદારોના મોત મામલે BNS, પ્રિવેન્શન ઓફ મેન્યુઅલ સ્કેવેન્જીગ તેમજ એટ્રોસિટી એક્ટ અંતર્ગત ફરિયાદ નોંધાઈ હતી. જેની સામે આગોતરા જામીન મેળવવા ચીફ ઓફિસર અને સેનેટરી ઇન્સ્પેક્ટરે સુરેન્દ્રનગરની કોર્ટમાં આગોતરા જામીન અરજી મૂકી હતી. જેને નકારી દેવાતા બંનેએ તેની સામે ગુજરાત હાઇકોર્ટમાં અપીલ દાખલ કરી હતી. જો કે, હાઇકોર્ટે બંનેની અપીલ નકારી નાખી હતી અને સુરેન્દ્રનગરની કોર્ટના ચુકાદાને યોગ્ય ઠેરવ્યો હતો. હાઇકોર્ટે બાબા સાહેબ આંબેડકરના વાંક્યો ટાંક્યા
ઉલ્લેખનીય છે કે, હાઇકોર્ટે પોતાના ચુકાદામાં શરૂઆતમાં અને અંતમાં બાબાસાહેબ આંબેડકરના વાક્યો ટાંક્યા હતા. જેમાં પ્રથમ વાક્ય જુલાઈ ,1942માં ઓલ ઈન્ડિયા ડિપ્રેસ ક્લાસની નાગપુર કોન્ફરન્સનું હતું. જે મુજબ “આ અમારી લડાઈ ધન અથવા સત્તા માટે નથી. આ સ્વતંત્રતાની લડાઈ છે. આ માનવ વ્યક્તિત્વના પુનઃપ્રાપ્તિની લડાઈ છે.” જ્યારે બીજું વાક્ય “બધા માનવીઓ એક જ ધરતીથી બનેલા છે, અને તેમને સારા વર્તનની માગ કરવાની હક છે.” હતું. જવાબદાર અધિકારીઓ સામે પણ પોલીસ ફરિયાદ નોંધવા નિર્દેશ
પાટડી નગરપાલિકા અંતર્ગત ગટર સફાઈ માટે કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો હતો. જેમાં કોન્ટ્રાક્ટર દ્વારા ત્રણ મજૂરોને કોઈપણ સાધનો આપ્યા વગર સેપ્ટિક ટેન્કમાં સફાઈ કરવા માટે ઉતારવામાં આવ્યા હતા. જેમાં બે મજૂરોના મૃત્યુ થયા હતા. મૃત્યુ પામેલા મજૂરો પૈકી એક સગીરવયનો હતો. ઉલ્લેખનીય છે કે ગુજરાત હાઇકોર્ટમાં થયેલી એક જાહેરહિતની અરજીમાં હાઇકોર્ટે આવા સંજોગોમાં જવાબદાર અધિકારીઓ સામે પણ પોલીસ ફરિયાદ નોંધવા નિર્દેશ આપ્યા હતા. જેથી નગરપાલિકાના અધિકારીઓ સામે પણ ફરિયાદ નોંધવામાં આવી હતી. મૃતકોના પરિવારજનોને 30 લાખ રૂપિયા વળતર ચૂકવવામાં આવ્યું
અરજદાર તરફથી રજૂઆત કરવામાં આવી હતી કે, મજૂરોને સેફટીના સાધનો પૂરા પાડવાની જવાબદારી કોન્ટ્રાક્ટરની છે. અધિકારીઓની અમર્યાદિત જવાબદારી હોઈ શકે નહીં. મૃતકોના પરિવારજનોને 30 લાખ રૂપિયા વળતર ચૂકવવામાં આવ્યું છે. અરજદારોની કસ્ટોડિયલ પૂછપરછની કોઈ જરૂર નથી. જો કે કોર્ટે નોંધ્યું હતું કે, ઘટના બનતા અરજદારોએ પોતાનો ફોન બંધ કરી દીધો હતો. તેમની સામે આ પ્રથમદર્શી કેસ છે. ગટર સફાઇની કામગીરીથી તેઓ વાકેફ હતા. મૃતકોમાં એક સગીરવયનો યુવક પણ સામેલ હતો. મુખ્ય એમ્પ્લોયર તેમની જવાબદારીમાંથી છટકી શકે નહીં. વળતર આપવા માત્રથી જવાબદારી ઘટી જતી નથી.