જરોદનો 22 વર્ષિય યુવાન ચીઠ્ઠી લખી ઘરેથી નીકળી ગયો હતો. માતા-પિતાને શોધખોળ ન કરવા કહ્યું હતું. જો કે હાલોલ વડોદરા ટોલ રોડ પર ખંડેવાળા નજીકથી પસાર થતી નર્મદા મુખ્ય કેનાલમાં યુવક ડૂબી જતાં હાલોલ ફાયરબ્રિગેડના પાંચ તાલીમાર્થીઓએ આ જ યુવક ડૂબ્યો હોવાનું જાણી રેસ્ક્યુ હાથ ધર્યું હતું. જો કે ફાયરની બોટનું એન્જીન છૂટું પડી જતાં બોટ પાણીમાં ડૂબી હતી. ફાયરના અનુભવી જવાનોએ પાંચેયનું રેસ્ક્યુ કરવું પડ્યું હતું. હાલોલ ફાયરબ્રિગેડને કેનાલમાં જરોદનો યુવાન પડ્યાની પોલીસે જાણ કરતાં ફાયરના જવાનો યોગેશ પટેલ, રાકેશ પરમાર, જયેશ કોટવાલ અને વડોદરાથી તાલીમ માટે આવેલ 5 યુવાનો સહિતની ટીમે કેનાલમાં પડેલા જરોદના અંજલ જયરામ ગજાની ઉ.22નું રેસ્ક્યુ કરવા કેનાલમાં બોટ ઉતારી હતી. કેનાલમાં સર્ચ કરી રહેલા ફાયરના જવાનોની બોટનું એન્જીન બે વખત ખોટકાતા બોટનું બેલેન્સ બગડ્યું હતું. જવાનોએ ત્રીજી વખત બોટ ચાલુ કરી હતી, જો કે બોટનો પુલ નીચેથી ટર્ન લેતી વખતે બોટનું એન્જીન ખોટકાઇને છૂટું પડી પાણીમાં ગરકાવ થઇ ગયું હતું. બોટનું બેલેન્સ બગડતા જવાનો સાથે પાણીમાં ડૂબી ગઇ હતી. તાલીમાર્થીઓને તરતા આવડતું હોય તેઓ લાઈફ જેકેટ અને રીંગના સહારે કિનારા પર આવી ગયા હતા. જયારે ફાયરના કુશળ જવાનો યોગેશ પટેલ રાકેશ પરમાર અને જયેશ કોટવાલે બોટ અને એન્જીન બહાર કાઢતા મોટી દુર્ઘટના ટળી હતી. આ બોટ ક્ષતિગ્રસ્ત હતી જેના સમારકામ માટે નગરપાલિકાની સામાન્ય સભામાં રજુઆત થઇ હોવાનું જાણવા મળ્યું છે. જવાનોએ કેનાલમાં દોરડા-બિલાડી વડે યુવાનની શોધખોળ કરી હતી પરંતુ સાંજ સુધી સગડ મળ્યા નથી. ફાયર વિભાગની બોટ 6 મહિનાથી ક્ષતિગ્રસ્ત
કેનાલમાં ડૂબેલી ફાયરની બોટ છ મહિનાથી ક્ષતિગ્રસ્ત છે. વારંવાર એન્જીન ખોટકાતું હોઇ ફાયર અધિકારી સહિત પાલિકાને રિપોર્ટ કર્યો હતો. બોટ કેનાલમાં ડૂબવાની ઘટનાની જવાનોએ હાલોલ ફાયર ઓફિસર, પાલિકાના જવાબદાર સત્તાધીશોને જાણ કરવા છતાં ઘટના સ્થળે કોઈજ આવ્યુ ન હતું. પિતાની ફરિયાદના આધારે કેનાલમાં યુવકની શોધ
જરોદ પોલીસે પિતાની ફરિયાદના આધારે રહસ્યમય ગુમ અંજલ જયરામદાસ ગજાણીની શોધખોળ શરૂ કરી છે. પોલીસે પરિવારજનોએ વ્યક્ત કરેલી આશંકાને આધારે ખંડીવાળા ખાતે આવેલી નર્મદા નદીની મેજર કેનાલમાં પણ યુવકની શોધખોળ શરૂ કરાવી હતી. યુવકે ચિઠ્ઠીમાં લખ્યું, મારા મરવાનું કારણ શોધતા નહીં
અંજલે પરિવારને સંબોધન કરતાં લખેલી ચિઠ્ઠીમાં લખ્યું હતું કે, હેલો માય ડિયર ફેમેલી, મેં તમારો લાડલો છોકરો અંજલ. આજે તમને બધાને મુકીને દૂર જઈ રહ્યો છું. મારા માટે તમે જેટલુ કર્યુ એના માટે તમારો ખૂબ ખૂબ આભાર. પ્લીઝ મને માફ કરી દેજો. માનુ છું કે મે માફીના લાયક નથી. પણ થઈ શકે તો કરી દેજો. મે મારા વ્યક્તિગત પ્રોબ્લેમથી આ કામ કરવા જઈ રહ્યો છું. મારા ગયા પછી મારા ફ્રેન્ડ, મારી ફેમલી કે મારા કોઈપણ પોતાના વ્યકિતને હેરાન ના કરતા. પ્લીઝ મારુ મરવાનુ કારણ મે કહી શકતો નથી. અને તમે પણ કારણ શોધવાની કોશીશ ના કરતા તમે બધા પ્લીઝ. મે મારી મરજીથી મરવા જાવ છું. કોઈના દબાણમા આવીને મે આ કામ નથી કરતો. મારા ગયા પછી કોઇને હેરાન કરશો નહીં. પ્લીઝ સોરી એન્ડ ગુડ બાય માય ઓલ ફ્રેન્ડસ. મારી મમ્મીનું ધ્યાન રાખજો. પ્લીઝ મારા ભાઈ રહુલ, મમ્મી પાપાને સાચવી લેજે. ભાઇ પ્લીઝ સોરી થઈ શકે તો માફ કરી દેજો. પ્લીઝ મારો ફોન એન્ડ બાઈક મુકીને જાવ છું એ વેચી દેજો. ચિઠ્ઠી મળતા પિતા જયરામદાસ ગજાણીએ જરોદ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંઘાવતા આ ચિઠ્ઠીમાં બતાવેલી ખંડીવાડા કેનાલ ખાતે અંજલની શોધખોળ કરાઇ રહી છે.