શુક્રવારે જમ્મુ અને કાશ્મીરના શ્રીનગરમાં પીપલ્સ ડેમોક્રેટિક પાર્ટી (PDP)ના કાર્યકરોએ નવા વકફ કાયદાનો વિરોધ કર્યો. પોલીસે પાર્ટી ઓફિસની બહાર બેરિકેડ લગાવીને પ્રદર્શનકારીઓને રોક્યા હતા. આ વિરોધ પ્રદર્શનનું નેતૃત્વ PDPના મહાસચિવ ખુર્શીદ આલમે કર્યું હતું. પીડીપીના કાર્યકરો નવા વક્ફ કાયદાના વિરોધમાં શહેરના કેન્દ્ર તરફ કૂચ કરવા માંગતા હતા, પરંતુ પોલીસે તેમને મંજૂરી આપી નહીં. આ તરફ, ઓલ ઈન્ડિયા મુસ્લિમ પર્સનલ લો બોર્ડે (AIMPLB) શુક્રવારથી દેશભરમાં ‘વક્ફ બચાવો અભિયાન’ શરૂ કર્યુ છે. બોર્ડના મતે, આ અભિયાન સંપૂર્ણપણે શાંતિપૂર્ણ અને લોકશાહી રીતે યોજાશે. તેનો પહેલો તબક્કો 11 એપ્રિલથી શરૂ થશે અને 7 જુલાઈ સુધી એટલે કે 87 દિવસ સુધી ચાલુ રહેશે. આમાં વકફ કાયદાના વિરોધમાં 1 કરોડ સહીઓ કરાવવામાં આવશે. જે પીએમ મોદીને મોકલવામાં આવશે. આ પછી આગામી તબક્કાની રણનીતિ નક્કી કરવામાં આવશે. મોદી સરકાર પર સાંપ્રદાયિક એજન્ડા ચલાવવાનો આરોપ AIMPLBના જનરલ સેક્રેટરી મૌલાના ફઝલુર રહીમ મુજદ્દીએ એક વીડિયો સંદેશ જાહેર કર્યો છે. વીડિયોમાં, મુજદ્દીએ સરકાર પર સાંપ્રદાયિક એજન્ડા ચલાવવાનો અને ધર્મનિરપેક્ષતાને નબળી પાડવાનો આરોપ લગાવ્યો હતો. તેમણે વીડિયોમાં કહ્યું- આ અભિયાન વકફ મિલકતોના રક્ષણ અને બિલને રદ કરવાની માંગ માટે ચલાવવામાં આવી રહ્યું છે. AIMPLB માને છે કે આ બિલ વકફ મિલકતોની પ્રકૃતિ અને સ્વાયત્તતાને નુકસાન પહોંચાડશે, જેને તેઓ ઇસ્લામિક મૂલ્યો, શરિયત, ધાર્મિક સ્વતંત્રતા અને ભારતીય બંધારણની વિરુદ્ધ માને છે. બોર્ડના જણાવ્યા મુજબ, બિલ સંપૂર્ણપણે રદ ન થાય ત્યાં સુધી આંદોલન ચાલુ રહેશે. બોર્ડ તેને બંધારણીય અધિકારો સાથે જોડે છે, તેથી તેને ‘વક્ફ બચાવો, બંધારણ બચાવો’ અભિયાન નામ આપવામાં આવ્યું છે. AIMPLB એ કહ્યું- શાહ બાનો મામલા જેવું જન આંદોલન સર્જાશે AIMPLBએ તેને શાહ બાનો કેસ (1985) ની જેમ એક વિશાળ જન આંદોલન બનાવવાની હાકલ કરી છે, જે શહેરોથી ગામડાઓ સુધી ફેલાશે. AIMPLB ની મહિલા વિંગ મહિલાઓને જાગૃત કરવા માટે વિવિધ સ્થળોએ કાર્યક્રમોનું આયોજન કરશે. બોર્ડે સમુદાયને સંયમ જાળવવા અને ભાવનાત્મક પ્રતિક્રિયાઓ ટાળવા અપીલ કરી છે. વક્ફ બચાવો અભિયાન હેઠળ યોજાનાર કાર્યક્રમો અભિયાનની મુખ્ય પ્રવૃત્તિઓ વક્ફ કાયદા સામે AIMPLBના વાંધા કાયદાના સમર્થનમાં ઓલ ઈન્ડિયા મહિલા મુસ્લિમ પર્સનલ લો બોર્ડ
ઓલ ઈન્ડિયા મુસ્લિમ મહિલા પર્સનલ લો બોર્ડ જેવા કેટલાક મુસ્લિમ સંગઠનોએ આ બિલને ટેકો આપ્યો છે. તેના પ્રમુખ, શાઇસ્તા અંબર કહે છે કે તે ગરીબ મુસ્લિમો, ખાસ કરીને મહિલાઓના હિતમાં છે, અને વકફ મિલકતો પરના ગેરકાયદેસર કબજાને દૂર કરશે. જોકે, AIMPLB અને અન્ય સંગઠનો તેને મુસ્લિમ સમુદાય વિરુદ્ધ માને છે. સુપ્રીમ કોર્ટમાં 17 અરજીઓ કરવામાં આવી નવા વકફ કાયદાની બંધારણીયતાને પડકારતી 17 અરજીઓ સુપ્રીમ કોર્ટમાં કરવામાં આવી છે. આમાંથી 10 અરજીઓ સુનાવણી માટે લિસ્ટ કરવામાં આવી છે. CJI સંજીવ ખન્નાની આગેવાની હેઠળની 3 સભ્યોની બેન્ચ 16 એપ્રિલે આ મામલાની સુનાવણી કરશે. અરજદારોમાં રાજકીય પક્ષો, નેતાઓ, સાંસદો, ખાનગી વ્યક્તિઓ અને સંગઠનો (NGO)નો સમાવેશ થાય છે. રાજસ્થાનના મુસ્લિમ સંગઠનો કાયદાની વિરુદ્ધ છે રાજસ્થાનના મુસ્લિમ સંગઠનો વક્ફ કાયદાની વિરુદ્ધ છે. રાજ્યના 28 વિવિધ મુસ્લિમ જૂથોનું પ્રતિનિધિત્વ કરતી સંસ્થા, રાજસ્થાન મુસ્લિમ ફોરમે તેની ભાગીદારીની જાહેરાત કરી. જમિયત-ઉલેમા-એ-હિન્દ રાજસ્થાન રાજ્યના ઉપ-પ્રમુખ હાફિઝ મંજૂરે જણાવ્યું હતું કે ફોરમ ખોટી માહિતી દૂર કરવા અને કાયદા સામે સમર્થન એકત્રિત કરવાના ઉદ્દેશ્ય સાથે તમામ ધર્મોના ધાર્મિક નેતાઓ, નાગરિક સમાજ સંગઠનો અને રાજકીય પક્ષો સુધી પહોંચવાની યોજના ધરાવે છે. અજમેર દરગાહ ખાતે અંજુમન કમિટીના સેક્રેટરી સરવર ચિશ્તીએ આ કાયદાને મુસ્લિમ વકફ મિલકતોને કાયદાની આડમાં હડપ કરવાનો પ્રયાસ ગણાવ્યો. ચિશ્તીએ કહ્યું – વકફ મિલકતો રાજકીય મિલકતો નથી, તે પવિત્ર ટ્રસ્ટ છે, જે આપણા પૂર્વજો દ્વારા 700-800 વર્ષ પહેલાં આપવામાં આવાલ દાન છે. આ સુધારો રાજ્ય પ્રાયોજિત જમીન હડપથી ઓછો નથી. તેમણે મોદી સરકાર, ભાજપ અને જમણેરી જૂથો પર દેશભરના મુસ્લિમોને હાંસિયામાં ધકેલી દેવાનો વ્યાપક એજન્ડા અપનાવવાનો આરોપ લગાવ્યો. 28 મુસ્લિમ સંગઠનોના સંગઠન, ધ ફોરમે રાજસ્થાનમાં એવા સમુદાયના લોકોનો સામાજિક બહિષ્કાર કરવાની પણ જાહેરાત કરી હતી જેમણે જાહેરમાં કાયદાનું સમર્થન કર્યું છે. જમ્મુ-કાશ્મીર વિધાનસભામાં વક્ફ એક્ટની નકલ ફાડી નાખવામાં આવી હતી 9 એપ્રિલના રોજ, સતત ત્રીજા દિવસે, જમ્મુ અને કાશ્મીર વિધાનસભામાં નવા વકફ કાયદાને લઈને હોબાળો થયો. નેશનલ કોન્ફરન્સ (NC) ના ધારાસભ્યોએ બિલ પર ચર્ચાની માંગણી કરતા ગૃહમાં સૂત્રોચ્ચાર કર્યા. આ દરમિયાન, એનસી અને ભાજપના ધારાસભ્યો વચ્ચે ઝપાઝપી થઈ હતી. 7 એપ્રિલ: નેશનલ કોન્ફરન્સના ધારાસભ્યએ ગૃહમાં વક્ફ એક્ટની નકલ ફાડી. એક એનસી ધારાસભ્યએ પોતાનું જેકેટ ફાડીને ગૃહમાં લહેરાવ્યું. આ પછી સ્પીકરે ગૃહની કાર્યવાહી આખા દિવસ માટે સ્થગિત કરી દીધી. નેશનલ કોન્ફરન્સ સહિત અન્ય પક્ષોએ વક્ફ એક્ટ વિરુદ્ધ ઠરાવ લાવવાની વાત કરી હતી. 8 એપ્રિલ: મંગળવારે, નેશનલ કોન્ફરન્સ (NC) ના ધારાસભ્યોએ બિલ પર ચર્ચાની માંગણી કરતા ગૃહમાં સૂત્રોચ્ચાર કર્યા. આ દરમિયાન, એનસી અને ભાજપના ધારાસભ્યો વચ્ચે ઝપાઝપી થઈ હતી. 9 એપ્રિલ: નેશનલ કોન્ફરન્સે નવા કાયદા પર ચર્ચાની માંગ કરી. ગૃહમાં ભાજપના ધારાસભ્યો સાથે ચર્ચા થઈ. 5 એપ્રિલે, રાષ્ટ્રપતિએ કાયદાને મંજૂરી આપી અને ગેઝેટ નોટિફિકેશન જાહેર કરવામાં આવ્યું 2 એપ્રિલે લોકસભામાં અને 3 એપ્રિલે રાજ્યસભામાં 12 કલાકની ચર્ચા બાદ વકફ સુધારા બિલ (હવે કાયદો) પસાર કરવામાં આવ્યું હતું. આ પછી, રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ 5 એપ્રિલે મોડી રાત્રે બિલને મંજૂરી આપી. સરકારે નવા કાયદા અંગે ગેઝેટ નોટિફિકેશન બહાર પાડ્યું છે. કેન્દ્ર સરકાર કાયદાના અમલીકરણની તારીખ અંગે એક અલગ નોટિફિકેશન જાહેર કરશે. બિલ પર ચર્ચા દરમિયાન, કેન્દ્રીય મંત્રી કિરણ રિજિજુએ કહ્યું હતું કે કાયદાનો હેતુ વકફ મિલકતોમાં ભેદભાવ, દુરુપયોગ અને અતિક્રમણ રોકવાનો છે. રાજ્યસભામાં આ બિલને 128 સભ્યોએ સમર્થન આપ્યું હતું, જ્યારે 95 સભ્યોએ તેનો વિરોધ કર્યો હતો. આ બિલ 2 એપ્રિલના રોજ મધ્યરાત્રિએ લોકસભામાં પસાર થયું હતું. આ દરમિયાન, 288 સાંસદોએ સમર્થનમાં મતદાન કર્યું અને 232 સાંસદોએ વિરોધમાં મતદાન કર્યું હતું.