સુરત મહાનગરપાલિકાના ઇતિહાસમાં પ્રથમવાર એવો બનાવ સામે આવ્યો છે, જ્યારે માત્ર 24 કલાકના ગાળામાં ડેપ્યુટી કમિશનરનો રાજીનામો મંજુર કરી લેવામાં આવ્યો છે. આ ઘટના મહાવીર જયંતીની રજાના દિવસે બનેલી અરજીને બીજા જ દિવસે મંજુરી આપવામાં આવતા શહેરના તંત્રમાં અને પાલિકાના રાજકીય વર્તુળોમાં ચર્ચાનો વિષય બની છે. સ્વૈચ્છિક નિવૃત્તિ લેવાની ઈચ્છા વ્યક્ત કરી હતી
સુરત મહાનગર પાલિકામાં હેલ્થ એન્ડ હોસ્પિટલ વિભાગમાં ડેપ્યુટી કમિશનર તરીકે ફરજ બજાવતા ડૉ. આશિષકુમાર કનૈયાલાલ નાયક દ્વારા તા. 10 એપ્રિલના રોજ પોતાનું રાજીનામું આપ્યું હતું. તેઓએ પોતાની અરજીમાં જણાવ્યું હતું કે, તેઓએ પાલિકામાં 27 વર્ષ અને 10 મહિના સુધી ફરજ બજાવી છે. હાલમાં તેઓ પરિવારજનોની અંગત જવાબદારીઓ તથા સામાજિક પરિસ્થિતિઓને ધ્યાનમાં રાખીને વધુ ફરજ બજાવી શકતા નથી. તેથી તેઓએ સ્વૈચ્છિક નિવૃત્તિ લેવાની ઈચ્છા વ્યક્ત કરી હતી. માત્ર એક જ દિવસમાં સમગ્ર પ્રક્રિયા પૂર્ણ કરી દેવામાં આવી
વિશેષ વાત એ છે કે, તારીખ 10 એપ્રિલના રોજ મહાવીર જયંતીની રજા હોવા છતાં પાલિકા તંત્રે તેમની અરજી સ્વીકારી હતી અને તારીખ 11 એપ્રિલના રોજ મળી આવેલી સ્થાયી સમિતિની બેઠકમાં તેમની સ્વૈચ્છિક નિવૃત્તિની દરખાસ્ત મંજુર કરવામાં આવી હતી. સ્થાયી સમિતિના ચેરમેન રાજન પટેલે દરખાસ્તને મંજૂરી આપતા પાલિકા તંત્રમાં ચકચાર મચી ગઈ છે. કેમ કે સામાન્ય રીતે આવા રાજીનામાની પ્રક્રિયા માટે કાયમી સમિતિમાં ચકાસણી, નિયમન, તેમજ તપાસના નિયમો લાગુ પડે છે અને સમગ્ર પ્રક્રિયા લાંબી ચાલતી હોય છે. પણ અહીંયા માત્ર એક જ દિવસમાં સમગ્ર પ્રક્રિયા પૂર્ણ કરી દેવામાં આવી હતી. અગાઉ આપેલો કારણદર્શક નોટિસનો કેસ પૂર્ણ
સૂત્રો પાસેથી મળેલી વિગતો મુજબ, આશિષ નાયકને જૂન 2023માં કોઈ મુદ્દે કારણદર્શક નોટીસ ફટકારવામાં આવી હતી. જોકે તેમણે આપેલા જવાબ અને સંબંધિત તપાસ બાદ કમિશનરે આ મામલો પૂર્ણ કરી દીધો હતો અને હાલ તેમની સામે કોઈ ખાતાકીય તપાસ ચાલી રહી નથી. તેથી સ્થાનિક નીતિનિયમો અને શરતો મુજબ તેમનું રાજીનામું તાત્કાલિક અસરથી મંજુર કરવામાં આવ્યું હતું.