સુરતમાં કાપોદ્રાની અનુભ ડાયમંડમાં પીવાના પાણીના ફિલ્ટરમાં 10 ગ્રામ વજનનું સેલ્ફોસનું પાઉચ ભેળવી સામૂહિક રીતે રત્નકલાકારોની હત્યાનો પ્રયાસ કરવાની હિચકારી ઘટનામાં પોલીસે મેનેજરની ફરિયાદને આધારે અંદરના જાણભેદુ વિરૂદ્ધ હત્યાના પ્રયાસનો ગુનો નોંધ્યો હતો. પોણા નવથી સાડા નવ વાગ્યાના પોણા કલાક દરમિયાન 60 વ્યક્તિ ફિલ્ટર પાસે પાણી લેવા ગયા હતા. તેમાંથી જ કોઇનું આ કૃત્ય હોવાની શંકા સાથે ફિલ્ટર તરફ જતાં અને આવતાં કર્મચારીઓનાં અંદરની તરફ લગાવવામાં આવેલાં કેમેરામાં રેકોર્ડ થયેલાં હાવભાવને આધારે જાણભેદુને અલગ તારવવાનો પ્રયાસ હાથ ધર્યો હતો. આ સાથે સેલ્ફોસની દવાના પેકેટના બેચ નંબર આધારે પણ લેનાર સુધી પહોંચવાનો પ્રયાસ પોલીસ દ્વારા કરવામાં આવી રહ્યો છે. કાવતરામાં એક કરતાં વધુ વ્યક્તિઓની સામેલગીરીની શંકા પોલીસે વ્યક્ત કરી હતી. આ તપાસ માટે પોલીસે ચાર ટીમ બનાવી છે. હજુ પણ 7 વ્યક્તિ સારવાર હેઠળ
કાપોદ્રા વિસ્તારમાં કાપોદ્રા ચાર રસ્તા પાસે હરિનંદન સોસાયટીમાં આવેલાં મિલેનિયમ કોમ્પલેક્ષમાં ચોથા માળે આવેલી જીવરાજભાઈ શામજીભાઈ ગાબાણીની અનભ જેમ્સમાં બુધવારે (9 એપ્રિલ, 2025) સવારે આઠ વાગ્યે રાબેતા મુજબ 120થી વધુ કર્મચારીઓ નોકરીએ આવ્યા હતા. સવા નવ વાગ્યે નિકુંજ નામના યુવકે મેનેજર હરેશ પરશુભાઈ લશ્કરીને પાસે આવ્યો હતો અને ફિલ્ટરમાંથી દુર્ગંધ આવતી હોવાની ફરિયાદ કરી હતી. સુપર વાયઝર કાંતીભાઈ પાસે આ ફિલ્ટર ચેક કરાવતાં અંદર અનાજમાં કીડા ન પડે તે માટે મૂકવામાં આવતું અને અત્યંત ઝેરી ગણાતું સેલ્ફોસનું 10 ગ્રામનું પાઉચ તરી રહ્યું હતું. જાનહાની થઈ શકે તે માટે નાંખવાન ઇરાદાપૂર્વક ઉપરનું પ્લાસ્ટિક ફાડી નાંખ્યું હતું. જેને કારણે અંદર કાગળમાં પેક ઝેરી વસ્તુ પાણીમાં ભળી ઝેરી અસર કરી રહી હોવાનું જાણીને કારખાનામાં અફરાતફરી મચી ગઈ હતી. 118 વ્યક્તિને કિરણ અને ડાયમંડ હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. જેમાંથી અત્યાર સુધીમાં 111 વ્યક્તિઓને રજા આપી દેવાઈ છે. બે PIની આગેવાનીમાં ચાર ટીમ બનાવાઈઃ DCP
આ મામલે ડી.સી.પી. અલોકકુમારે જણાવ્યું હતું કે, જેણે પણ પાણીમાં સેલ્ફોસનું પાઉચ નાંખ્યું હતું તેનો ઇરાદો ઘણો જ ખતારનાક હતો. સામૂહિત હત્યાનો ઈરાદો ધરાવતી આ વ્યક્તિઓને શોધવા બે પોલીસ ઈન્સપેક્ટરની આગેવાનીમાં ચાર ટીમ બનાવવામાં આવી છે. તે ઉપરાંત ક્રાઈમ બ્રાન્ચ પણ મદદમાં જોડાઈ છે. ફિલ્ટર બહાર લોબીમાં હતું. અહીં સીસીટીવી કેમેરો નહિ હોવાને કારણે પાઉચ નાંખનાર વ્યક્તિ ભલે સીધી રીતે દેખાયો નથી, પરંતુ આવું કૃત્ય કરતાં પહેલાં કે પછી ગુનેગારોમાં જે ભય કે સાવચેતી રાખવાની સહજ વૃત્તિ હોય છે, તેનો જ અભ્યાસ હાથ ધરવામાં આવ્યો છે. સાડા આઠ વાગ્યા પહેલાં જેણે પણ પાણી પીધું હતું તેમણે દુર્ગંધની ફરિયાદ કરી ન હતી. સાડા નવ વાગ્યે નિકુંજે દુર્ગંધની જાણ કરતાં આ પોણા કલાકમાં જે 60 વ્યક્તિ પાણી ભરવા ગઈ હતી, તેઓને શંકાના દાયરામાં રાખ્યા છે. પાંચ જેટલાની પૂછપરછ પણ કરવામાં આવી રહી છે. ત્રણ રત્નકલાકાર ICUમાં દાખલ
ફિલ્ટરનું પાણી પીધા બાદ 118 રત્નકલાકારની સ્થિત બગડતા 104ને કિરણ હોસ્પિટલ અને ડાયમંડ હોસ્પિટલમાં 14 દર્દીને ખસેડ્યા હતા. જેમાંથી ગુરૂવારે બંને હોસ્પિટલમાંથી કુલ 111 જેટલા રત્નકલાકરોને ડિસ્ચાર્જ કરી દેવામાં આવ્યા છે. હાલ 7 રત્નકલાકાર બંને હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. કિરણ હોસ્પિટલના ICUમાં રવિ પ્રજાપતિ, જયદીપ બારૈયા તથા કનુ વાલા સારવાર હેઠળ છે, જ્યારે પ્રકાશ ટાંક, મહેશ પ્રજાપતિ અને વેલજી જાદવ જનરલ વોર્ડમાં દાખલ છે. ડાયમંડ હોસ્પિટલમાં અનભ ડાયમંડના મેનેજર હરેશ લશ્કરીને સારવાર હેઠળ રાખવામાં આવ્યા છે. તેમના રિપોર્ટ આવ્યા બાદ તબીબોને શંકા જતા હરેશને હાલ દેખરેખ હેઠળ રાખ્યો છે. કોટનનું કાગળ ભિનું થયુ હોત તો વધુ અસર થાય!
સેલ્ફોસની 10 ગ્રામની પડીકી ઘાતક હોઇ તેને ડબલ પેક કરવામાં આવે છે. પહેલાં કોટનના કાગળમાં તેને પેક કર્યા બાદ ઉપરથી એરટાઇટ પ્લાસ્કિટનાં પાઉચમાં પેક કરાય છે. પ્લાસ્ટિકનું પાઉચ તો ઉપરથી કાપી નાંખવામાં આવ્યું હતું, પરંતુ કોટનનું કાગળ ફાડયા વિના પાણીમાં નાખવામાં આવ્યું હતું. આ કોટન પૂરેપૂરું ભીનું થયા બાદ તેમાનું કેમિકલ પાણીમાં ઓગળે છે. સદભાગ્યે તેને કોટનને કારણે તેને પાણીમાં મિક્ષ થતાં વાર લાગતાં વધુ ઘાતક અસર થઇ ન હતી. કોટનનું કાગળની એક ખૂણો જ થોડો પાણીમાં પલળ્યો હતો, જેથી વધુ અસર થઈ ન હતી. સેલ્ફોસના 9000 પાઉચ કાપોદ્રા-વરાછાની દુકાનોમાં ડિસ્ટ્રીબ્યુટ થયા
પોલીસે બીજી એક દિશા સેલફોસના પાઉચ આવ્યા તેનાં બેચ ટ્રેકની તપાસ કરી રહી છે. ફિલ્ટરમાંથી જે સેલ્ફોસનું પાઉચ મળ્યું હતું તે બેચના 24 હજાર પાઉચનો જથ્થો 21મી માર્ચે સુરત આવ્યો હતો. જેમાંથી 9000 પાઉચ કાપોદ્રા-વરાછા વિસ્તારની દુકાનોમાં ડિસ્ટ્રીબ્યુટ થયા હતા. આ જથ્થો કઇ કઇ દુકાનોમાં ગયો હતો અને આ પૈકીની કોઇ દુકાનમાં આ કારખાના સાથે સંકળાયેલી વ્યક્તિઓ કે તેમનાં પરિચીતે ખરીધો હતો, હતો તેની પણ તપાસ હાથ ધરી છે. કારખાના સાથે સંકળાયેલા લોકોની પૂછપરછ
પોલીસે અત્યાર સુધી કારખાનેદાર સહિત કારખાના સાથે સંકળાયેલી 60થી વધુ વ્યક્તિઓના નિવેદન લીધા હતા. જેમાં પોલીસે અલગ અલગ સવાલ કર્યા હતા. જેમકે કોઇને કાઢી મૂકવાની ધમકી આપવામાં આવી હોય. કોઇને મેનેજર કે સુપર વાઈઝર સાથે કોઇ વાતે ઝઘડો થયો હોય કે કામને લઇ કોઇને ઠપકો મળ્યો હોય. નજીકનાં દિવસોમાં કોઇ વ્યક્તિને કોઇ વાંધો પડયો હતો કે કેમ તેવા સવાલો કેન્દ્રમાં રહ્યા હતા. શંકાસ્પદ ગતિવિધીઓ પર પોલીસની ખાસ નજર
અનભ જેમ્સ નામના હીરાના કારખાનામાં મથાળા વિભાગમાં એક મહિના પહેલા એક સાથે કામ કરતા 18થી 20 વર્ષના કાઠિયાવાડી યુવકનો હિન્દી ભાષી યુવક સાથે માથામાં ટપલી મારવા બાબતે રમત-રમતમાં ઝઘડો થયો હતો. જે ઝઘડો મારામારી સુધી પહોંચી ગયો હતો. આ ઘટનાની કારખાનામાં મેનેજરને જાણ થતાં બંનેને બોલાવી સમજાવ્યા હતા અને હવેથી ઝઘડો નહિ કરવા કહ્યું હતું. જો ઝઘડો કરશો તો કાઢી મૂકવામાં આવશે તેમ જણાવ્યું હતું. હાલમાં પોલીસ આ બાબતને અત્યંત ગંભીરતાથી લઈ અને સીસીટીવીમાં શંકાસ્પદ ગતિવિધી જણાય તેની યાદી બનાવી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.