જાણીતા ફિલ્મ પ્રોડ્યુસર અને ડિરેક્ટર રામ ગોપાલ વર્મા અવારનવાર કોઈને કોઈ વાતને લઈને વિવાદોમાં રહે છે. ફરી એકવાર તેઓ પોતાના નિવેદનને કારણે ચર્ચામાં આવ્યા છે. એટલું જ નહીં, આંધ્રપ્રદેશમાં તેમની વિરુદ્ધ ફરિયાદ પણ દાખલ કરવામાં આવી છે. ડિરેક્ટર પર હિન્દુ વિરોધી ટિપ્પણી કરવાનો આરોપ છે, જેનાથી હિન્દુ સમુદાયની ધાર્મિક લાગણીઓને ઠેસ પહોંચી છે. રાષ્ટ્રીય પ્રજા કોંગ્રેસના પ્રમુખ અને હાઈકોર્ટના વકીલ મેડા શ્રીનિવાસે તેમની સામે ફરિયાદ નોંધાવી છે. આંધ્રપ્રદેશના થ્રી-ટાઉન પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી આ ફરિયાદમાં, મેડા શ્રીનિવાસે પુરાવા તરીકે રામ ગોપાલ વર્મા દ્વારા કરવામાં આવેલી વાંધાજનક ટિપ્પણીઓની નકલ પણ જોડી છે. રામ ગોપાલ વર્માએ છેલ્લા કેટલાક દિવસોમાં ઘણી પોસ્ટ પર કૉમેન્ટ કરી છે, જે હિન્દુ વિરોધી છે. મેડા શ્રીનિવાસનો આરોપ છે કે રામ ગોપાલ વર્માએ પૂજનીય રામાયણ અને મહાભારત તેમજ દેવી-દેવતાઓ પર વાંધાજનક કૉમેન્ટ કરી છે. તેમણે આંધ્રપ્રદેશ અને તેલંગાણા વચ્ચે પ્રાદેશિક વિવાદ ઉશ્કેરવાનો પ્રયાસ કર્યો અને ભારતીય સૈનિકોના આત્મસન્માનને ઠેસ પહોંચાડે તેવા નિવેદનો પણ આપ્યા છે. થ્રી-ટાઉન પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં મેડા શ્રીનિવાસે જણાવ્યું હતું કે- તેમની સામે IPCની કલમ 153A, 153B, 504, 506, 150-B અને IT એક્ટ, 2000 હેઠળ કાર્યવાહી થવી જોઈએ. પોલીસે શું જવાબ આપ્યો?
પોલીસે ફરિયાદ મળી હોવાની વાત સ્વીકારી છે અને કહ્યું છે કે- તેઓ ફરિયાદમાં ઉલ્લેખ કરવામાં આવેલ કન્ટેન્ટની સમીક્ષા કરશે. પોલીસ સ્ટેશનના એક વરિષ્ઠ અધિકારીના જણાવ્યા અનુસાર, પ્રાથમિક તપાસ ચાલી રહી છે અને તેના પરિણામોના આધારે જરૂરી કાનૂની કાર્યવાહીનો નિર્ણય લેવામાં આવશે. જોકે, આ મામલે રામ ગોપાલ વર્મા તરફથી હજુ સુધી કોઈ પ્રતિક્રિયા આવી નથી. રામ ગોપાલ વર્મા તેમની ફિલ્મો કરતાં તેમના નિવેદનો અને ફરિયાદોને કારણે વધુ ચર્ચામાં રહે છે. થોડા સમય પહેલા, તેમણે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ વિરુદ્ધ વાંધાજનક કૉમેન્ટ કરી હતી, જેના કારણે તેમની સામે અનેક ફરિયાદો નોંધાઈ હતી. આ પહેલા 11 નવેમ્બર, 2024ના રોજ, તેમની સામે આંધ્ર પ્રદેશના મુખ્યમંત્રી ચંદ્રબાબુ નાયડુના ગૌરવનું અપમાન કરવા બદલ ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. એવો આરોપ મૂકવામાં આવ્યો હતો કે ફિલ્મ મેકર્સે આંધ્ર પ્રદેશના મુખ્યમંત્રી ચંદ્રબાબુ નાયડુ, તેમના પુત્ર નારા લોકેશ, પુત્રવધૂ બ્રહ્માણી અને અન્ય ટીડીપી નેતાઓની છબી ખરાબ કરવા માટે સોશિયલ મીડિયાનો દુરુપયોગ કર્યો હતો. ટૂંક સમયમાં હોરર કોમેડી ફિલ્મ બનાવશે રામ ગોપાલ વર્મા
તાજેતરમાં રામ ગોપાલ વર્માએ મનોજ બાજપેયી સાથે એક કોમેડી હોરર ફિલ્મ બનાવવાની જાહેરાત કરી છે. તે મનોજ બાજપેયી સાથે ‘સત્યા’ અને ‘શૂલ’ જેવી ફિલ્મો બનાવી ચૂક્યો છે.