સોહા અલી ખાને તાજેતરમાં એક ઇન્ટરવ્યૂમાં તેના માતા-પિતાના જીવન સાથે જોડાયેલી કેટલીક રસપ્રદ વાતો શેર કરી. તેણે જણાવ્યું કે- તેમના પિતા મન્સૂર અલી ખાન પટૌડી, જેમને લોકો પ્રેમથી ‘ ટાઇગર ‘ કહેતા હતા , તેઓ ક્રિકેટ પૈસા કમાવવા માટે નહીં પણ શોખ માટે રમતા હતા. સોહાએ કહ્યું- આપણે ઘણીવાર એવા લોકોથી જ પ્રેરિત થઈએ છીએ જે આપણી આસપાસ જ રહેલા હોય છે. મારા માટે, તે વ્યક્તિ મારા પિતા હતા. મારો જન્મ થયો ત્યાં સુધીમાં તે નિવૃત્ત થઈ ગયા હતા. તે ફક્ત શોખ અને મજા માટે ક્રિકેટ રમતા હતા. તે સમયે કોઈ IPL નહોતું, કોઈ જાહેરાત નહોતી, કંઈ નહોતું. તે દિવસોમાં ક્રિકેટમાં પૈસા નહોતા. વધુમાં સોહાએ જણાવ્યું કે- તેમની માતા શર્મિલા ટાગોર એ સમયે કમાતાં હતાં. પપ્પા હંમેશા કહેતા કે જે તમને ખુશ કરે તે કરો. મેં જોયું કે લગ્ન પછી પણ મારી માતા પોતાના દિલની વાત સાંભળતી હતી. તેમના લગ્ન 24 વર્ષની ઉંમરે થયા. તે સમયે, એક એક્ટ્રેસ માટે લગ્નનો અર્થ તેની કરિયરનો અંત હતો, પરંતુ મમ્મીએ લગ્ન પછી પણ કામ કરવાનું ચાલુ રાખ્યું અને તે સમયે કેટલીક સૌથી મોટી હિટ ફિલ્મો પણ આપી. શર્મિલા ટાગોર અને મન્સૂર અલી ખાન પટૌડીના લગ્ન 1968માં થયા હતા. આ લગ્ન તે સમયે ખૂબ ચર્ચામાં હતા કારણ કે તે આંતર ધાર્મિક લગ્ન હતા. સોહાએ ટ્વિંકલ ખન્નાના શો ‘ ટ્વીક ઈન્ડિયા ‘ માં કહ્યું- લગ્ન પહેલા મમ્મી-પપ્પાને ધમકીઓ મળી રહી હતી. કોઈએ તો એમ પણ કહ્યું કે, બોલવાની જરૂર નથી , હવે ગોળીઓ બોલશે. સોહાએ એમ પણ કહ્યું- મારા દાદા-દાદીએ લગ્ન માટે ફોર્ટ વિલિયમ બુક કરાવ્યો હતો , પરંતુ જાનમાં આર્મી કનેક્શન ધરાવતા લોકો વધુ હોવાથી, છેલ્લી ઘડીએ પ્લાનમાં બદલાવ કરવો પડ્યો. પછી અમને એક એમ્બેસેડર મિત્રનો મોટો બંગલો મળ્યો અને લગ્ન ત્યાં થયા. શર્મિલા ટાગોર અને પટૌડી સાહેબે 43 વર્ષ સાથે વિતાવ્યા હતા. પટૌડી સાહેબનું 2011 માં નિધન થયું હતું.