શહેરમાં ઘરફોડ ચોરીની ઘટનાઓ વધી રહી છે, ત્યારે શહેરના સૌથી પોશ વિસ્તારમાં ગણતા સિંધુભવન રોડ પર આવેલા એક કોમ્પલેક્ષમાંથી 25.73 લાખ રૂપિયાની ચોરી થતા ચકચારમચી ગઇ છે. ઇન્ફ્રાટ્કચરની ઓફિસમાં તસ્કરોએ મોડીરાતે ચોરીની ઘટનાને અંજામ આપીને નાસી ગયા છે. વહેલી સવારે પ્યુન ઓફિસ ખોલવા માટે આવ્યો ત્યારે તેણે દરવાજો ખુલ્લો જોતા પોતાના બોસને ફોન કરી દીધો હતો. બોડકદેવ પોલીસે ચોરીનો ભેદ ઉકેલવા માટે તજવીજ શરૂ કરી છે. ફરિયાદી ભાગીદારીમાં ધંધો કરે છે
સેટેલાઇટ વિસ્તારમાં આવેલા રામદેવનગર પોપ્યુલર ડોમેનમાં રહેતા રવિભાઇ વર્માએ બોડકદેવ પોલીસ સ્ટેશનમાં 25.73 લાખ રૂપિયાની ચોરીની ફરિયાદ કરી છે. રવીભાઇ વર્મા સંયુક્ત પરિવારમાં રહે છે અને સિંધુભવન રોડ પર આવેલા સ્ટેલર કોમ્પલેક્ષના ત્રીજા માળે હરીઓમ ઇન્ફ્રાટકચર નામથી ધંધો કરે છે. રવીભાઇ સાથે તેમના મોટાભાઇ મહેશભાઇ તથા રજની સાથે ભાગીદારીમાં ધંધો કરે છે. સવારે નવ વાગ્યાથી રાતના આઠ વાગ્યા સુધી રવીભાઇ ઓફિસમાં બેઠા હોય છે. બે દિવસ પહેલા રવીભાઇ સાંજે સાત વાગ્યાની આસપાસ ઓફિસથી નીકળી ગયા હતા. ઓફિસમાં પ્યુન તરીકે સંજુનાથ ઉર્ફે સંજય રાવળ નોકરી કરે છે. સંજુનાથ રોજ સવારે મહેશભાઇના ઘરેથી ચાવી લાવીને ઓફિસ ખોલે છે. ઓફિસમાં તપાસ કરતા તિજોરી તૂટેલી હતી
ઓફિસમાં કેશીયર તરીકે સંતોષ રજાણી, પ્યુન તરીકે જીગર રબારી નોકરી કરે છે જે રાતે ઓફિસ બંધ કરવાનું કામ કરે છે. ગઇકાલે સવારે રવિભાઇ ઘરે હાજર હતા, ત્યારે મહેશભાઇનો ફોન આવ્યો હતો અને કહ્યુ હતું કે, સંજુનાથ ચાવી લઇને ઓફિસ પહોચ્યો ત્યારે દરવાજો ખુલ્લો હતો. જેથી તું ઝડપથી ઓફિસ પહોચી જા. મહેશભાઇ અને રવીભાઇ બન્ને ઓફિશ પહોચી ગયા હતાં, જ્યા સંજુનાથ હાજર હતો. બન્ને ભાઇઓએ ઓફિસમાં ગયા હતા, જ્યા તમામ દરવાજા ખુલ્લા હતા. ઓફિસ જઇને તપાસ કરીતો કેશરૂમમાં રાખેલી તિજોરી તૂટેલી હતી. તિજોરીમાં 25.73 લાખ રૂપિયા મુક્યા હતા, જે ગાયબ હતા. રવીભાઇએ તરતજ પોલીસ કંટ્રોલરુમમાં ફોન કરી દીધો હતો. ચોરીનો ભેદ ઉકેલવા FSL અને ડોગ સ્ક્વોર્ડની મદદ લેવાઈ
ઘટનાની ગંભીરતા લઇને બોડકદેવ પોલીસની ટીમ તરતજ ઘટનાસ્થળે પહોંચી ગઇ હતી. બોડકદેવ પોલીસે આ મામલે અજાણ્યા શખ્સો વિરૂદ્ધ 25.73 લાખની ચોરીનો ગુનો નોંધીને તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. ઘટનાની જાણ થતા ઉચ્ચ પોલીસ અધિકારીઓ પણ દોડી આવ્યા હતા. મોડીરાતે તસ્કરોએ ઓફિસનો દરવાજો તોડીને પ્રવેશ્યા હતા અને બાદમાં કેશિયર રુમમાં જઇને તીજોરી તોડી હતી અને બાદમાં રોકડ લઇને ફરાર થઇ ગયા હતા. પોલીસે ચોરીનો ભેદ ઉકેલવા માટે એફએસએલ તેમજ ડોગ સ્કવોડની મદદ લીધી છે. સીસીટીવીની પણ તપાસ શરૂ
બોડકદેવ પોલીસ તેમજ ઝોન 7ની લોકલ ક્રાઇમ બ્રાંચની ટીમે 25.73 લાખની ચોરીનો ભેદ ઉકેલવા માટે ચક્રોગતિમાન કર્યા છે. પોલીસે સ્ટેલર કોમ્પલેક્ષમાં લગાવેલા સીસીટીવી કેમેરાના ફુટેજ ચેક કરવાની તજવીજ પણ શરૂ કરી છે. આ સાથે જાહેર રોડ પર લગાવેલા સીસીટીવી કેમેરાના ફુટેજ પણ તપાસવાનું શરૂ કરી દીધુ છે. શહેરના પોષ વિસ્તારમાં ચોરીની ઘટના બનાત અનેક સવાલો ઉભા થયા છે. પોલીસ તેમજ ક્રાઇમ બ્રાંચ સહિતની ટીમે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.