પાકિસ્તાનની સ્વાત ઘાટી રણનીતિક દ્રષ્ટિએ બંને દેશ માટે મહત્વની છે. PoK પૂરું થાય પછી તરત પાકિસ્તાનની સ્વાત ઘાટી આવી જાય. એટલે પાકિસ્તાન સ્વાત ઘાટીથી ફાયટર પ્લેન ઉડાડે તો થોડી મિનિટોમાં કાશ્મીરમાં ઘૂસી શકે. આ સ્વાત ઘાટીમાં વર્ષોથી એક એરપોર્ટ બંધ પડ્યું છે. પાકિસ્તાન હવે આ એરપોર્ટને નવેસરથી રિનોવેશન કરીને એરબેઝ બનાવી રહ્યું છે. આનાથી ભારત એલર્ટ થઈ ગયું છે. હમણાં ગૃહમંત્રી અમિત શાહ ત્રણ દિવસ કાશ્મીર ગયા હતા. તેમણે ત્યાંથી પાકિસ્તાનને ખુલ્લી ચેતવણી આપી કે, કાશ્મીરમાં આતંકવાદીઓ ઘૂસણખોરી કરશે તો ખેર નથી. આ ધમકી સાંભળીને પાકિસ્તાની વડાપ્રધાન શાહબાઝ શરીફ અને પાકિસ્તાની સેનાના પ્રમુખ અસીમ મુનિરની ઉંઘ ઊડી ગઈ છે. નમસ્કાર, પાકિસ્તાન આખી દુનિયા પાસેથી ઉધાર પૈસા લઈને જીવી રહ્યું છે. પોતાની પાસે દેશ ચલાવવા પૂરતું ફંડ નથી. ગરીબી, મોંઘવારી સામે લડે છે. બલૂચિસ્તાન અને ખૈબર પખ્તુનખ્વાહ પ્રાંતના લોકો પાકિસ્તાનનો વિરોધ કરે છે. તેમ છતાં પાકિસ્તાનની પૂંછડી વાંકી ને વાંકી જ રહે છે. તે સીમા પારથી આતંકીઓને કાશ્મીર મોકલ્યા જ કરે છે. હમણાં કઠુઆમાં 5 આતંકીઓને ઠાર મારવામાં 11 દિવસ ઓપરેશન ચાલ્યું. જ્યાં આતંકીઓ ઘૂસ્યા ત્યાં જ અમિત શાહ ગયા હતા અને આતંક પર અંતીમ પ્રહારની રણનીતિ બનાવી હતી. પહેલા જાણી લો સ્વાત ઘાટી છે શું?
મેપમાં જોઈએ તો કાશ્મીર પછી PoKનો ભાગ આવે અને PoK પૂરું થાય પછી તરત પાકિસ્તાનની સ્વાત ઘાટી આવે. પાકિસ્તાની પ્રજા માટે આ હરવા-ફરવાનું પ્રિય સ્થળ છે. સ્વાત ઘાટીમાં અલગ અલગ શહેરો પણ છે. આ ઘાટી ખૈબર પખ્તુનખ્વાહ પ્રાંતમાં આવે છે અને અહીંના લોકો પર્શિયન વધારે બોલે છે. સ્વાત એ અલગ રાજ્ય જ છે. એક સમયે સ્વાત ઘાટી તાલિબાનોનો ગઢ હતો, જ્યાં ટીવી જોવા પર પ્રતિબંધ હતો, જાહેરમાં ફાંસી સામાન્ય વાત હતી અને છોકરીઓને શાળાએ જવાથી અટકાવવામાં આવતી હતી. હવે સ્વાત ઘાટી ફરી જીવંત થઈ છે. અહીં મોટા પ્રમાણમાં પાકિસ્તાનના ટુરિસ્ટો ફરવા જાય છે. બરફથી ઢંકાયેલા પર્વતો અને લીલાછમ વૃક્ષોના કારણે તેને પાકિસ્તાનનું સ્વિત્ઝર્લેન્ડ કહે છે. આ ઘાટી રાજધાની ઇસ્લામાબાદથી 250 કિલોમીટરના અંતરે છે. 2007થી 2010 સુધી આ ઘાટીમાં તાલિબાને આતંક મચાવ્યો હતો. સ્વાત ઘાટીમાં જ મલાલા યુસુફઝઈને માથામાં ગોળી મારી હતી
આ પ્રદેશમાં શરિયા કાયદો લાદવા માંગતા તાલિબાને છોકરીઓના શિક્ષણ સામે ઝુંબેશ શરૂ કરી. શિક્ષણ વિભાગ કહે છે કે આ સમયગાળા દરમિયાન સ્વાત અને આસપાસના જિલ્લાઓમાં લગભગ 640 શાળાઓને રોકેટ લોન્ચરથી તાલિબાનોએ ઉડાવી દીધી હતી. સ્વાત ઘાટી એ નોબેલ પુરસ્કાર સન્માનિત મલાલા યુસુફઝાઈનું વતન છે. મલાલાએ 2012માં છોકરીઓના શિક્ષણની તરફેણમાં ઝુંબેશ ચલાવી ને તાલિબાનોએ તેને માથામાં ગોળી મારી દીધી હતી, છતાં તે બચી ગઈ હતી. તે સમયે 15 વર્ષની યુસુફઝાઈ પર થયેલા હુમલાથી પાકિસ્તાનમાં અને આંતરરાષ્ટ્રીય સ્તરે આક્રોશ ફેલાયો હતો. આ ઘટના પછી પાકિસ્તાને તાલિબાન વિરૂદ્ધ મોટાપાયે ઓપરેશન ચલાવ્યું અને સ્વાત ઘાટીને 2018 સુધીમાં તાલિબાનોના ચુંગાલમાંથી છોડાવી હતી. એ પછી ફરી પાકિસ્તાનના ટુરિસ્ટો સ્વાત ઘાટીમાં જવા લાગ્યા.
તાલિબાન સમયગાળા દરમિયાન આ પ્રદેશ છોડી ગયેલા વેપારીઓ સ્વાતમાં પાછા ફર્યા છે અને તેનું મિંગોરા શહેર ફરી એકવાર વેપારનું કેન્દ્ર બની ગયું. સ્વાત ઘાટી વિસ્તારમાં 400થી વધારે હોટેલ છે. જે 2018 પછી ધમધમતી થઈ છે. પાકિસ્તાને પ્રવાસનને વેગ આપવા માટે તુર્કી, ચીન, મલેશિયા, યુએઈ અને યુકે સહિત પાંચ દેશો માટે વિઝા-ઓન-અરાઇવલ નીતિની જાહેરાત કરી હતી. સ્વાત ઘાટીમાં છે, સાઈદુ શરીફ એરપોર્ટ
સ્વાત ઘાટીમાં પાકિસ્તાને વર્ષો પહેલાં એરપોર્ટ બનાવ્યું હતું. તેનું નામ રાખ્યું- સાઈદુ શરીફ એરપોર્ટ. આ એરપોર્ટ બનાવવાનો હેતુ એટલો જ હતો કે, સ્વાત ઘાટી પાકિસ્તાનના મોટા શહેરો સાથે જોડાયેલી રહે. આ એરપોર્ટ 1978માં બન્યું. આ પાકિસ્તાનનો સમૃદ્ધ વિસ્તાર હતો. પાકિસ્તાનથી ઘણા ટુરિસ્ટ અહીં ફરવા આવતા હતા. પણ તાલિબાનોના આતંક અને સુરક્ષાને ધ્યાને કારણે 2007થી આ સાઈદુ શરીફ એરપોર્ટ બંધ કરી દેવામાં આવ્યું. 2019માં આ એરપોર્ટને ફરીથી શરૂ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો. મોટાપાયે કામ ચાલ્યું અને કોમર્શિયલ સર્વિસ શરૂ કરવાની તૈયારી થઈ પણ PoK નજીક હોવાથી ફરી સુરક્ષાના સવાલો ઊભા થયા. પાકિસ્તાની સરકારે નિર્ણય લીધો કે સ્વાત ઘાટીના એરપોર્ટને આ રીતે શરૂ કરવું યોગ્ય નથી. અંતે પાક. સરકારે નિર્ણય લીધો કે આ એરપોર્ટને એરબેઝમાં કન્વર્ટ કરવું. જેથી PoKની સુરક્ષા સરળ બની જાય. અત્યારે આ એરપોર્ટને એરબેઝ બનાવવાનું કામ ચાલુ છે. પાકિસ્તાનને ભય છે કે, ભારત ગમે ત્યારે PoK લઈ લશે
પાકિસ્તાની સરકારને ભય છે કે ભારત ગમે ત્યારે PoKનો કબજો લઈ લેશે. એટલે જ પાકિસ્તાની સેના PoK પાસે સ્વાત ઘાટીમાં આવેલા એરપોર્ટને એરબેઝમાં કન્વર્ટ કરવા લાગ્યું છે. હાલમાં જ સેટેલાઈટ તસવીરોમાં સામે આવ્યું છે કે, પાકિસ્તાની સેના આ એરપોર્ટ પર ફાયટર પ્લેનો રાખવા માટે મજબૂત શેલ્ટર બનાવી રહી છે અને રન-વેનો વિસ્તાર પણ કરી રહી છે. અહીંથી જ પાકિસ્તાન ફાયટર જેટ અને ટ્રાન્સપોર્ટ વિમાનનું સંચાલન સરળતાથી કરી શકશે. આ એરપોર્ટ એરબેઝ તરીકે એપગ્રેડ થશે પછી પાકિસ્તાની વાયુસેનાને LOC સુધી પહોંચવામાં આસાની રહેશે. આ ભારત માટે ચિંતાનો વિષય છે. આ એરબેઝથી પાકિસ્તાની વાયુ સેના ભારતીય સરહદે ઝડપથી ફાયટર પ્લેન મોકલી શકશે. આ એરપોર્ટ પરના એરફિલ્ડને 1 એક કિલોમીટર સુધી વધારવામાં આવશે. જેથી પાકિસ્તાન વધારે ને વધારે પોતાના ફાયટર પ્લેનને તહેનાત રાખી શકે. વર્તમાન સમયમાં પાકિસ્તાન પાસે F-16, JF-17 અને J10-C ફાયટર પ્લેન છે. ભારત પણ PoK આસપાસ સ્ટ્રેટેજી ગોઠવી રહ્યું છે
જ્યારથી ભારતે PoK પાછું લેવાની વાત કરી છે ત્યારથી પાકિસ્તાન પૂરી કોશિશ કરી રહ્યું છે કે તે પોતાની તાકતને વધારી શકે. આ વિસ્તારમાં પાકિસ્તાને હજારો સૈનિકોની તહેનાતી કરી રાખી છે. પાકિસ્તાનની સરહદ પર કોઈપણ હરકત તણાવ વધારવાનું જ કામ કરે છે. કારણ કે તેનો એજન્ડા કોઈપણ રીતે ભારતને નુકસાન પહોંચાડવાનો જ છે. ભારત પણ જડબાંતોડ જવાબ આપવા માટે તૈયાર છે. આધુનિક, ઘાતક હથિયારો સાથે ભારતીય સેના કાશ્મીરમાં તહેનાત છે. ભારતે પોતાની S-400 મિસાઈલ ડિફેન્સ સિસ્ટમને પણ કાશ્મીર આસપાસ ક્યાંક તહેનાત કરી છે. અબ્દુલ્લા સરકાર પછી પહેલીવાર અમિત શાહ કાશ્મીર પહોંચ્યા
કાશ્મીરમાં ઓમર અબ્દુલ્લાની સરકાર બન્યા પછી અમિત શાહ પહેલીવાર કાશ્મીર ગયા હતા. અમિત શાહ કઠુઆના હીરાનગર સેક્ટરમાં ઈન્ટરનેશનલ બોર્ડર પર પહોંચ્યા. પાકિસ્તાની આતંકીઓ આ જ વિસ્તારમાંથી ઘૂસણખોરી કરે છે. અમિત શાહે પાકિસ્તાનને સીધો સંદેશો આપી દીધો છે કે હવે સરહદેથી ઘૂસણખોરી નહીં ચલાવી લેવાય. એક વર્ષથી નવા મોડ્યુલ સાથે આતંકવાદીઓ માથું ઊંચકી રહ્યા છે તેની સામેની સ્ટ્રેટેજી બનાવી. શાહની જમ્મુના સુરક્ષાદળો સાથેની મિટિંગ બે કલાક ચાલી. જમ્મુ પછી અમિત શાહ કાશ્મીર ગયા જ્યાં તેમણે રાજભવનમાં હાઈલેવલ યુનિફાઈડ કમાન્ડ સાથે મહત્વની મિટિંગ કરી. આમ તો યુનફાઈડ કમાન્ડની મિટિંગ થોડાથોડા સમયે થતી રહે છે પણ ગૃહમંત્રી આ બેઠકમાં હાજર રહ્યા હોય એવું બે વર્ષ પછી થયું. અત્યારે જૈશના આતંકીઓ જમ્મુના ઉધમપુર અને કઠુઆમાં કેમ્પ કરી રહ્યા છે એટલે જમ્મુની ઘૂસણખોરી રોકવા પર વધારે ચર્ચા થઈ હતી. આર્મી ચીફ ઉપેન્દ્ર દ્વિવેદી અને ઈન્ટલિજન્સ એજન્સીઓના અધિકારીઓ આ બેઠકમાં હાજર હતા. ખાસ તો આવનારી અમરનાથ યાત્રાની સુરક્ષાને લઈને પણ ચર્ચા થઈ. આ મિટિંગમાં ઓમર અબ્દુલ્લાને હાજર નહોતા રખાયા. અમિત શાહે કાશ્મીરમાં પગ મૂકતાં જ હુર્રિયત વેરવિખેર
જમ્મુ-કાશ્મીરને ભારતમાં ન ભળવા દેવા માગતા કેટલાક પાકિસ્તાન તરફી નેતાઓનું સંગઠન હુર્રિયતના નામે ઓળખાયું. જમ્મુ-કાશ્મીરમાં અમિત શાહ ત્રણ દિવસ રહ્યા ત્યાં જ અલગતાવાદનો અંત થઈ ગયો. હુર્રિયત નેતાઓ હાંસિયામાં ધકેલાઈ ગયા. ત્રણ મોટા અલગતાવાદી નેતા હકીમ અબ્દુલ રશીદ, મોહમ્મદ યુસુફ નક્કાશ અને બશીર અહેમદ અંદ્રાબીએ પોતાને હુર્રિયત કોન્ફરન્સથી અલગ કરી લીધા છે. આ પહેલાં અલગતાવાદી સંગઠનોના 23માંથી 8 નેતાઓએ પોતાને આ સંગઠનથી અલગ કરી લીધા હતા. આ નેતાઓએ ભારત સમર્થક મુખ્યધારાની રાજનીતિમાં જોડાવાની જાહેરાત કરી હતી. હવે કાશ્મીરમાં હુર્રિયત ભૂતકાળ બની ગઈ છે.એક સમયે હુર્રિયત કોન્ફરન્સના સંગઠનો કાશ્મીર પર રાજ કરતા હતા. અરાજકતા ફેલાવતા હતા પણ કલમ 370 હટ્યા પછી આ અલગતાવાદી નેતાઓને જેલમાં જવાનો ડર લાગ્યો એટલે હુર્રિયત સાથે છેડો ફાડવા લાગ્યા. એક સમયે હુર્રિયતમાં 20થી વધારે સંગઠનો હતા. હવે ગણીને સાત-આઠ સંગઠનો માંડ રહ્યા હશે. અમિત શાહે પોતે એક્સ પર પોસ્ટ કરીને લખ્યું છે કે, જમ્મુ-કાશ્મીર ઈસ્લામિક પોલિટિકલ પાર્ટી, જમ્મુ-કાશ્મીર મુસ્લિમ ડેમોક્રેટિક લીગ અને કાશ્મીર ફ્રિડમ ફ્રન્ટ જેવા સંગઠનોએ પોતાને હુર્રિયતથી અલગ કરી લીધા છે. આ કાશ્મીરની અંદર ભારતના સંવિધાનમાં ભરોસાને મજબૂત કરે છે. આવા 11 સંગઠન અલગતાવાદથી દૂર થઈ ગયા છે. હુર્રિયત કોન્ફરન્સ શું છે અને તેના નેતાઓનો ઈરાદો શું હતો?
હુર્રિયત શબ્દનો અર્થ થાય છે- આઝાદી. કાશ્મીરમાં રહેતા કેટલાક મુસ્લિમ નેતાઓ ઈચ્છતા હતા કે, કાશ્મીર પાકિસ્તાનમાં ભળી જાય. આ માટે આ હુર્રિયત નેતાઓ ભારત વિરોધી પ્રવૃત્તિ પણ કરતા હતા. આ નેતાઓ કાશ્મીરને ભારતથી અલગ કરવા માગતા હતા એટલે અલગતાવાદી નેતાઓ કહેવાયા. 90ના દાયકામાં જ્યારે અલગતાવાદ ચરમસીમાએ હતો ત્યારે ઓલ પાર્ટી હુર્રિયત કોન્ફરન્સ રાજકીય પાર્ટીમાં સૌથી મોટી પાર્ટી બનીને ઊભરી હતી. 60 જેટલા નાનાં સામાજિક સંગઠનો અને બીજી રાજકીય પાર્ટીઓ હુર્રિયતનો ભાગ બન્યા. 1993માં હુર્રિયતનું ગઠન થયું અને હુર્રિયતના અલગતાવાદી નેતાઓ ભારતના નેતાઓ સાથે અને આંતરરાષ્ટ્રીય સ્તરે મિટિંગો કરતા હતા. એ વખતે મીરવાઈઝ અને ગિલાની આ બંને અલગતાવાદી નેતાઓના મોટા નામ હતા. હુર્રિયતનો દબદબો ત્યાં સુધી હતો કે 2006માં ભારત સરકારે આ હુર્રિયત નેતાઓને પાકિસ્તાન જવાની મંજૂરી આપી હતી. એ વખતે પાક.ના રાષ્ટ્રપતિ પરવેઝ મુશર્રફ હતા જેણે હુર્રિયત નેતાઓ સાથે વાતચીત કરી હતી. આજે સ્થિતિ એવી છે કે, કલમ 370 દૂર થયા પછી હુર્રિયત નેતાઓ છુપાઈ છુપાઈને ફરી રહ્યા છે. તેમને જેલમાં જવાનો ડર છે. ગૃહમંત્રાલયે મીરવાઈઝ ઉમર ફારૂખની અવામી એક્શન કમિટિ અને સિયા નેતા મસરૂર અન્સારીના સંગઠન પર 5 વર્ષનો પ્રતિબંધ મૂકી દીધો છે. ગૃહમંત્રાલયે કડક પગલાં લેતાં બીજા નેતાઓ હવે હુર્રિયત સાથે છેડો ફાડી રહ્યા છે. એક સમયે કાશ્મીરને જાગીર સમજી બેઠેલી હુર્રિયત કોન્ફરન્સ વેરવિખેર થઈ ગઈ છે. હવે કઠુઆમાં ચાલેલા ઓપરેશનની વાત…
ગયા મહિને 23 માર્ચે કઠુઆમાં 5 આતંકીઓ ઘૂસ્યા. આ આતંકીઓને મારવા માટે 11 દિવસ ઓપરેશન ચાલ્યું. આપણા 4 જવાન પણ શહીદ થયા. આ આતંકીઓ PoKમાંથી આવ્યા હતા. જ્યાંથી આ આતંકીઓ ઘૂસ્યા તે જમ્મુના કઠુઆનું હીરાનગર સેક્ટર છે. ગૃહમંત્રી હમણાં જ ત્રણ દિવસ જમ્મુ-કાશ્મીરની મુલાકાતે ગયા હતા ત્યારે તે આ જ કઠુઆ સેક્ટર ગયા હતા અને ત્યાં BSF, SOG, આર્મીના જવાનોને મળ્યા હતા. 23 માર્ચથી 3 એપ્રિલ કેમ ચાલ્યું ઓપરેશન?
23 માર્ચે મિલિટરી ઈન્ટલિજન્સને ઈનપુટ મળ્યા હતા કે કઠુઆના હીરાનગર સેક્ટરથી 30 કિલોમીટર દૂર જાખોલે ગામમાં 5 આતંકવાદીઓ એક મકાનમાં છુપાયા છે. આર્મીએ પોતાની રીતે બધી તૈયારી કરી લીધી. તપાસ કરી તો માલુમ પડ્યું કે, આતંકી સંગઠન જૈશ-એ-મોહમ્મદના પેટા સંગઠન એન્ટિ ફાસિસ્ટ ફ્રન્ટ (PAFF)ના આતંકીઓ છે. ફોર્સ પહોંચી ત્યાં સુધીમાં પાંચેય આતંકીઓ ભાગવામાં સફળ રહ્યા હતા. તે કઈ દિશામાં ગયા તે હ્યુમન ઈન્ટલિજન્સ પાસેથી જાણીને આર્મી અને CRPFના જવાનો, SOGના જવાનો એ દિશામાં ગયા. શોધતાં શોધતાં 28 માર્ચે એક ગામના ઘરમાં છુપાયેલા હોવાની ખબર મળી હતી. ફોર્સે ત્યાં ઘેરાબંધી કરી દીધી. ત્રણ દિવસ ઘર્ષણ ચાલ્યું. તેમાં SOGના 4 જવાનો શહીદ થયા તો બે આતંકી ઠાર મરાયા. બાકીના ત્રણ તો ભાગવામાં ફરી સફળ રહ્યા હતા. પાંચ આતંકીઓએ જવાનોના નાકમાં દમ કરી દીધો હતો. કારણ કે, કઠુઆની જે પહાડીઓમાં આતંકીઓ છુપાઈ છુપાઈને ભાગતા હતા તે પહાડીઓમાં મોટા મોટા ખડક છે અને ખડક પાછળ છુપાઈને ફાયરિંગ કરતા હતા. આર્મીએ ખડકો પર ફાયરિંગ કરવા રોકેટ લોન્ચર છોડ્યા હતા. 23 માર્ચે શરુ થયેલું આ ઓપરેશન અંતે 3 એપ્રિલે પૂરું થયું. ભાગતાં ભાગતાં આ આતંકવાદીઓ પૂંછ સેક્ટરની કૃષ્ણા ઘાટીમાં પહોંચી ગયા હતા. જે હીરાનગર સેક્ટરમાં આતંકીઓ પહોંચ્યા હતા ત્યાંથી PoK 200 કિલોમીટર જ દૂર છે. આતંકીઓ આર્મીનો ડ્રેસ પહેરીને ઘૂસ્યા હતા
આતંકવાદીઓ ઘૂસણખોરી કરવા માટે નવી મોડેસ ઓપરેન્ડી કરતા રહે છે. આ વખતે પાકિસ્તાનથી સરહદ પારથી જે આતંકીઓ આવ્યા હતા તે ભારતીય મિલિટરી જવાનોનો ડ્રેસ પહેરીને આવ્યા હતા એટલે તેમના પર તરત કોઈ શંકા ન કરે. આતંકવાદીઓ પહેલીવાર હીરાનગર સેક્ટરમાં ઘૂસ્યા હતા. એક ઘરમાં ઘૂસીને માતા-પિતા અને એક બાળકીને બંધક બનાવી લીધા હતા. પણ તક જોઈને એ પરિવાર આતંકીઓની ચૂંગાલમાંથી છટકીને ભાગી ગયો હતો. આ જ પરિવારે પોતાના ઘરમાં આતંકીઓ છુપાયા હોવાની માહિતી આર્મીને આપી હતી. મહિલાએ કહ્યું હતું કે, આતંકીઓએ મોટી દાઢી રાખી છે અને આર્મી જેવો યુનિફોર્મ પહેર્યો છે. ત્યારે પહેલીવાર આ ઈનપુટના આધારે ફોર્સ જાખોલે ગામ પહોંચી હતી ત્યાંથી આતંકીઓ ભાગી ગયા હતા. છેલ્લે,
‘સ્વાત’ નામ સુવાસ્તુ પરથી ઉતરી આવ્યું છે. સુવાસ્તુ એ સંસ્કૃત શબ્દ છે જે આર્યોએ ત્યાંની નદીને આપ્યું હતું. જેનો અર્થ થાય છે- ‘સારું નિવાસ સ્થાન’. અહીં જ પાકિસ્તાન એરબેઝ તો બનાવે છે પણ પાકિસ્તાન એ વાત સારી રીતે જાણે છે કે તેમના આ મનસૂબા પૂરા થવાના નથી. સોમવારથી શુક્રવારે રાત્રે 8 વાગ્યે જોતા રહો એડિટર્સ વ્યૂ.
(રિસર્ચઃ યશપાલ બક્ષી)