સુરતના ઉધના રેલવે સ્ટેશન પરથી ટ્રેનોમાં વધુ ભારવાળા અને અનુકૂળ ન ગણાતા સામાન લઈને મુસાફરી કરતાં મુસાફરો વિરુદ્ધ રેલવે દ્વારા ફરીથી કડક કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. ખાસ કરીને સ્લીપર તથા જનરલ કોચમાં મુસાફરી કરતી વખતે મોટા ડ્રમ, બાલ્ટી અને કારબા જેવા સામાન સાથે મુસાફરો જતા હોય છે, જેના કારણે અન્ય મુસાફરોને ઘણી અડચણ પડે છે. માત્ર સીટની જગ્યાઓ જ નહીં, પરંતુ ટ્રેનના દરવાજા સુધી આ સામાનથી અવરજવર પણ અટકાય છે. ‘રેલ મદદ’ પોર્ટલ પર આવી ફરિયાદો સતત મળતી હોઈ, ત્યારબાદ રેલવેના વિભાગે શનિવારે ઉધના સ્ટેશન પર ખાસ અભિયાન ચલાવ્યું અને જે અનુસંધાને એક ડઝનથી વધુ ડ્રમ જપ્ત કરવામાં આવ્યા હતા. આ પહેલાં પણ સોમવાર અને મંગળવારે આવી જ કાર્યવાહી કરવામાં આવી હતી જેમાં લગભગ એક ડઝન જેટલા ડ્રમ કબજે કરવામાં આવ્યા હતા. રેલવેના નિયમો મુજબ, ટ્રેનોમાં નક્કી કરેલી મર્યાદા કરતા વધુ સામાન, ખાસ કરીને મોટા કદના ડ્રમ, કારબા વગેરે લઈ જવું નિયમોનાં ઉલ્લંઘન સમાન છે. તેથી હવે રેલવે તંત્રે ખાસ દેખરેખ માટે ટીમો તૈનાત કરી છે અને તપાસ અભિયાન હાથ ધરવામાં આવી રહ્યા છે.