કોંગ્રેસે રેસના અને લગ્નના ઘોડા અલગ તારવી લીધા છે. આવા 12થી વધુ નેતાની યાદી તૈયાર થઇ ગઇ છે. જેમને સાઇડલાઇન કરવાથી માંડીને પક્ષમાંથી કાઢી મુકવાની તૈયારી છે. 8-9 એપ્રિલે ગુજરાતમાં કોંગ્રેસનું અધિવેશન યોજાઇ ગયું. અધિવેશન દરમિયાન મંચ પરથી નેતાઓએ આપેલા ભાષણો, ઠરાવ, જિલ્લા પ્રમુખોને અપાનારી સત્તા આ બધા વિશે તો તમે વાંચ્યું કે સાંભળ્યું જ હશે પણ દિવ્ય ભાસ્કરના આજના આ ખાસ અહેવાલમાં વાંચો કે અધિવેશનમાં પડદા પાછળ શું-શું થયું હતું. સૌથી પહેલાં વાત રાહુલ ગાંધીની આગામી ગુજરાત મુલાકાતની. અધિવેશન દરમિયાન ગુજરાતમાં પક્ષને વધુ મજબૂત કરવા પર ભાર મુકાયો. ખુદ રાહુલ ગાંધી જિલ્લા પ્રમુખની નિમણૂક માટે 15મી એપ્રિલે ગુજરાત આવવાના છે. દિલ્હીના 3 નેતાઓ અને ગુજરાતના 1 નેતા તેમની સાથે હાજર રહેશે અને જિલ્લા પ્રમુખ માટેની સેન્સ લેશે.ઉમેદવાર પક્ષ માટે કઇ રીતે કામ કરે છે, કેટલા સમયથી પક્ષમાં છે, ચૂંટણીમાં કેવી કામગીરી કરી છે, શું કોઇ પક્ષ વિરોધી પ્રવૃત્તિ કરી છે? વગેરે જેવી બાબતો ધ્યાને લેવાશે. સૂત્રોના દાવા મુજબ રાહુલ ગાંધી અરવલ્લીના મોડાસા પણ જવાના છે. 12થી વધુ નેતાનું લીસ્ટ તૈયાર
સૂત્રોએ દિવ્ય ભાસ્કરને જણાવ્યું હતું કે કોંગ્રેસે ગુજરાતના એક ડઝન જેટલા નેતાનું લીસ્ટ તૈયાર કરી લીધું છે. જેમની સામે ગમે ત્યારે સાઇડલાઇન કરવાથી માંડીને સસ્પેન્શન સુધીના પગલાં લેશે. આ નેતાઓ વિરૂદ્ધ પુરાવા સાથેની ફરિયાદો મળી છે. આંતરિક ચૂંટણીના કારણે નારાજગી
હવે વાત અમદાવાદમાં યોજાયેલા અધિવેશન દરમિયાન શું-શું થયું હતું તેની કરીએ તો આ અધિવેશનમાં સમગ્ર દેશમાંથી આવેલા યુવા કોંગ્રેસ અને NSUIના નેતાઓને આશા હતી કે સંગઠનમાં થતી આંતરિક ચૂંટણી પર CWC પ્રતિબંધ લગાવીને સિલેક્શન પ્રક્રિયાની જાહેરાત કરશે પણ તેવું ન થયું. જેના કારણે આ સંગઠનના નેતાઓમાં નારાજગી જોવા મળી રહી છે. નારાજગી વચ્ચે આજે ચૂંટણી જાહેર થશે
નેતાઓની આ નારાજગી વચ્ચે ગુજરાત સહિત કુલ 4 રાજ્યોમાં યુવા કોંગ્રેસની ચૂંટણી આજે જાહેર થઇ જશે. સૂત્રોએ દિવ્ય ભાસ્કરને જણાવ્યું કે યુવા કોંગ્રેસની સત્તાવાર વેબસાઇટ પર આજે ગુજરાત, મહારાષ્ટ્ર, રાજસ્થાન અને મધ્યપ્રદેશ એમ કુલ 4 રાજ્યોની ચૂંટણી જાહેર થશે. નેતાઓએ રાહુલ ગાંધીને રજૂઆત કરી હતી
અધિવેશન પહેલાં અને અધિવેશન દરમિયાન ગુજરાતના કેટલાક સિનીયર નેતાઓ રાહુલ ગાંધીને રૂબરૂમાં મળ્યા હતા અને તેમને લેખિત ફરિયાદ કરી હતી. સિનીયર નેતાઓની એક જ માંગ હતી કે યુવા કોંગ્રેસમાં થનારી આંતરિક ચૂંટણી રદ કરો. આંતરિક ચૂંટણીના કારણે દરેક શહેરમાં અંદરો અંદર જૂથવાદ સર્જાય છે. જૂથવાદના કારણે અગાઉ પણ ઘણા સિનીયર નેતાઓએ રાજીનામા આપેલા છે. જેથી આ જૂથવાદને ટાળવા ભાજપની જેમ પસંદગી પ્રક્રિયા કરવી જોઇએ. પૈસાના અભાવે યોગ્ય વ્યક્તિ રહી જશે
સિનીયર નેતાઓએ રાહુલ ગાંધીને એવું પણ કહ્યું હતું કે યુવા કોંગ્રેસની ચૂંટણી લડતા ઉમેદવારોએ સભ્ય બનાવવાના હોય છે. ઉમેદવારે એક સભ્ય દીઠ 50 રૂપિયા ભરવાના હોય છે. આમ 4 રાજ્યોમાં ચૂંટણી થશે તો તેનાથી બહુ મોટું ફંડ એકઠું થશે અને તેમાં પૈસાના અભાવે યોગ્ય વ્યક્તિ રહી પણ જાય એટલે તે પણ બંધ થવું જોઇએ. હાલના સમયે કોંગ્રેસની યુવા પાંખોમાં થતી આંતરિક ચૂંટણીઓમાં પ્રદેશ કક્ષાના નેતાઓના જૂથ સાથે સંકળાયેલા લોકો તેમજ આર્થિક રીતે મજબૂત ઉમેદવારો પૈસાના જોરે ચૂંટણીઓ જીતી હોદ્દા મેળવી લે છે. જૂથવાદના કારણે નેતાઓ પક્ષ છોડે છે
કોંગ્રેસના કાર્યકર તરીકે જોડાવાની શરૂઆત મુખ્યત્વે વિદ્યાર્થીકાળમાં NSUIથી કે યુવા કોંગ્રેસથી થતી હોય છે. ચૂંટણીઓથી થતો આંતરિક જૂથવાદ અને ગ્રુપઇઝમ સિસ્ટમથી અનેક યુવાનો હવે કોંગ્રેસમાં જોડાવાના બદલે અન્ય પક્ષમાં જોડાવાનું પસંદ કરે છે. આ આતંરિક ચૂંટણીઓ કોંગ્રેસના કાર્યકરો બનાવવાના બીજનો વિકાસ જ રોકે છે. જેનાથી આખા સંગઠન પર નકારાત્મક અસર પહોંચે છે. ચૂંટણીના લીધે થતા આંતરિક વિખવાદના કારણે અનેક નેતાઓ કંટાળી પક્ષ છોડી ભાજપમાં ચાલ્યા ગયા છે. યુવા કોંગ્રેસ અને NSUIના પ્રદેશના અને જિલ્લાના હોદ્દાઓ પરથી રાજીનામું આપી ભાજપમાં જોડાયા હોય તેવા 500થી વધુ શક્તિશાળીયુવા નેતાઓ છે. જે છેલ્લા 10 વર્ષમાં માત્ર ગુજરાતમાંથી ગયા છે. નેતાઓ એકબીજાને ગણકારતા નથી
હદ તો ત્યારે થાય છે કે આટલી મહેનત કર્યા બાદ પ્રદેશ પ્રમુખ બનનારી વ્યક્તિ પોતાની પાંખના જિલ્લા કે શહેર પ્રમુખને કોઇ જવાબદારી સોંપવા સૂચના આપે તો તેને ગણકારતા નથી. કારણ કે આ જિલ્લા કે શહેર પ્રમુખ સામેના જૂથનો હોય છે. ભૂતકાળમા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખને આ બન્ને યુવા સંગઠનોના પ્રદેશ પ્રમુખ દાદ નહોતા આપતા કારણે એક બીજા જૂથ સામ સામે હતા. આવા જૂથવાદના કારણે સંગઠનો વચ્ચે સંકલનો તૂટે છે અને અંતે કોંગ્રેસના મુખ્ય સંગઠનને માર પડે છે. સૌથી નવાઇની વાત તો એ છે કે યુવા કોંગ્રેસમાં આંતરિક ચૂંટણી થવી જોઇએ તેવી ફોર્મ્યૂલા ખુદ રાહુલ ગાંધી જ લાવ્યા હતા. હવે આ જ આંતરિક ચૂંટણી બંધ કરાવવા માટે સિનીયર નેતાઓએ રજૂઆત કરી છે. આંતરિક ચૂંટણીનો ધ્યેય આ હતો
આ આંતરિક ચૂંટણી યોજવાનો મુખ્ય ધ્યેય એવો હતો કે સક્ષમ અને મજબૂત યુવાનો રાજકારણમાં પોતાની તાકાતથી જોડાઇ શકે અને પોતાની તાકાતના આધારે ચૂંટણી દ્વારા સંગઠનમાં પ્રવેશ મેળવી શકે. હાલમાં ગુજરાતમાં સંગઠન બાબતે કોંગ્રેસની સ્થિતિ નહીંવત જેવી છે. કોંગ્રેસના પાયાના પથ્થર ગણાતા આ બંને યુવા સંગઠનોમાં પહેલા જેવો ઉત્સાહ કે સક્રિયતા જોવા મળતી નથી. આ રીતે થાય છે આંતરિક ચૂંટણી
કોંગ્રેસ સંગઠનમાં અલગ અલગ રાજ્યોમાં યુવા કોંગ્રેસ અને NSUIના વિધાનસભાથી માંડી શહેર, જિલ્લા અને પ્રદેશના હોદ્દેદારો માટે આંતરિક ચૂંટણીઓ યોજાય છે. ઉમેદવારો ચૂંટણી પ્રક્રિયાના નિયમો અનુસરી ઉમેદવારી નોંધાવીને સભ્ય નોંધણી કરાવતા હોય છે. આ સભ્ય નોંધણી છેલ્લા 5 વર્ષથી ઓનલાઇન એપ્લિકેશન દ્વારા કરાય છે. સભ્ય નોંધણી થયા બાદ 1 સભ્ય વિધાનસભા અધ્યક્ષ, જિલ્લા પ્રમુખ, જિલ્લા મહામંત્રી, પ્રદેશ પ્રમુખ અને પ્રદેશ મહામંત્રી એમ 5 મત આપી શકે છે. જ્યારે ઉમેદવારે એક સભ્ય દીઠ 50 રૂપિયાની રકમ ભરવાની હોય છે. સમય મર્યાદા પૂરી થયા બાદ સૌથી વધુ સભ્ય નોંધણી કરાવનાર વ્યક્તિ સભ્ય સંખ્યાના આધારે અને મેળવેલા મતોના મૂલ્ય પ્રમાણે અલગ અલગ હોદ્દાઓ પર ચૂંટાય છે. ગુજરાતમાં છેલ્લે 2021માં યુવા કોંગ્રેસની ચૂંટણી યોજાઇ હતી. જેમાં પ્રદેશ કક્ષાએથી 3 જૂથોએ પોતાના ઉમેદવારોને મેદાને ઉતાર્યા હતા. 2021માં થયેલા અંદાજિત ખર્ચની રકમ આ પ્રમાણે છે.