રાજ્ય સરકારના ખેડૂતલક્ષી નિર્ણયથી ખુશ થયેલા પાટડી સહિત સાત ગામના ખેડૂતો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને જિલ્લા કલેક્ટરને અનોખી ભેટ આપવા જઈ રહ્યા છે. સરકારે તાજેતરમાં ગ્રામ્ય અને નગરપાલિકા વિસ્તારની ખેતીની જમીનોને જૂની શરત ગણવાનો નિર્ણય કર્યો છે. આ નિર્ણયથી પાટડી, જરવલા, બામણવા, સુરજપુરા, ખારાઘોડા, નારણપુરા અને હિંમતપુરા ગામના 2500 જેટલા ખેડૂતોને લાભ થશે. ખેડૂત હિત રક્ષક સમિતિના વિક્રમ રબારી અને પ્રશાંત પારીકના જણાવ્યા મુજબ, દરેક ગામમાંથી 10 ખેડૂતો મળી કુલ 70 ખેડૂતો અને 5 મુખ્ય આગેવાનો મુખ્યમંત્રીને મળશે. આ ગામોમાં ગણોતધારાની કલમ 192 અને 193ની પડતી નોંધથી ખેડૂતો વર્ષોથી મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા હતા. આ સમસ્યાના નિવારણ માટે ખેડૂત હિતરક્ષક સમિતિની રચના કરવામાં આવી હતી. ખેડૂતો મુખ્યમંત્રી અને કલેક્ટરને દેશી કાંકરેજ ગાય અને પ્રતીકરૂપે હળ ભેટ આપશે. સાથે જ તાલુકા અને જિલ્લા સ્તરના અધિકારીઓને કાચના બોક્સમાં હળ અને શાલ આપી સન્માનિત કરશે. આ માટે સીએમ કાર્યાલયમાંથી મુલાકાતનો સમય માંગવામાં આવ્યો છે.