ગીર સોમનાથ પોલીસે મોટા ડેસર અને સિલોજ ગામમાં હથિયારધારી શખ્સોનો વાયરલ વીડિયો મામલે મોટી કાર્યવાહી કરી છે. પોલીસે દેલવાડા અને લામધાર ગામેથી કુલ 7 શખ્સોની ધરપકડ કરી છે. એલસીબી ઈન્ચાર્જ પી.આઈ. એ.બી. જાડેજા અને પી.એસ.આઈ. એ.સી. સિંધવની ટીમે લામધાર ગામના પાટિયા પાસેથી 6 શખ્સોને ઝડપ્યા છે. આરોપીઓ પાસેથી ટોયોટા ઇનોવા કાર (GJ-18-AC-9252) જપ્ત કરવામાં આવી છે. બીજી તરફ, ઉના પોલીસની સર્વેલન્સ ટીમે દેલવાડા ગામેથી એક શખ્સને બોલેરો ગાડી GJ-15-VV-0738 સાથે પકડ્યો છે. પકડાયેલા આરોપીઓમાં રામુસિંગ ટાંક, સમસેરસિંગ બાવરી, વિરસિંગ બાવરી, સોનુસિંગ બાવરી, વિશાલ સોલંકી અને કાનાભાઈ મેળોદાનો સમાવેશ થાય છે. આ તમામ વેરાવળના રહેવાસી છે. દેલવાડાથી ધરમપાલસિંગ રાઠોડને પકડવામાં આવ્યો છે. પોલીસે આરોપીઓ પાસેથી લોખંડના પાઇપ, એલ્યુમીનીયમનો પાઇપ, સ્ટીલની પટ્ટી અને ધારિયું સહિત કુલ રૂ.3 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. આરોપીઓએ કબૂલ્યું કે તેઓ ભૂંડ પકડવાના બહાને વિસ્તારમાં ફરતા હતા. પોલીસને મળેલી ફરિયાદો મુજબ, આ શખ્સો રાત્રિ દરમિયાન કારની નંબર પ્લેટ પર માટી લગાવીને હથિયાર સાથે ફરતા હતા. તેઓ લોકોમાં ડર અને ભયનું વાતાવરણ ઊભું કરી રહ્યા હતા. સ્થાનિક આગેવાનોની રજૂઆતને ધ્યાનમાં લઈને પોલીસે આ કાર્યવાહી કરી છે. પોલીસે વિસ્તારમાં રાત્રિ પેટ્રોલિંગ વધુ અસરકારક બનાવ્યું છે.