તાજેતરમાં પીઢ એક્ટર અને નેતા રાજ બબ્બર અને દિવંગત એક્ટ્રેસ સ્મિતા પાટિલનો દીકરો એક્ટર પ્રતિક બબ્બર તેના બીજા લગ્નને લઈને ચર્ચામાં હતો. એક્ટ્રેસ પ્રિયા બેનર્જી સાથે લગ્ન દરમિયાન તેના પિતા રાજ બબ્બર અને પરિવારના કેટલાક સભ્યો જોવા મળ્યા ન હતા. આ ચર્ચા એટલા માટે પણ થઈ, કારણ કે પ્રતિકના પિતાનો પરિવાર લગ્નમાં હાજર રહ્યો ન હતો. પણ હવે એવું લાગે છે કે, પ્રતિક અને તેના ભાઈ-બહેનો વચ્ચેના સંબંધોમાં સુધારો થયો છે. પ્રતિકની બહેન અને એક્ટ્રેસ જૂહી બબ્બરે તાજેતરમાં ઇન્સ્ટાગ્રામ પર એક ફોટો શેર કર્યો, જેમાં તે સાવકા ભાઈ પ્રતિક બબ્બર અને ભાઈ આર્ય બબ્બર સાથે જોવા મળી હતી. ફોટા સાથે જૂહીએ લખ્યું, ‘રાજ બબ્બરજીના ત્રણ બાળકો… જૂહી, આર્ય, પ્રતિક… એક એવું સત્ય, જેને કોઈ બદલી શકતું નથી.’ આ પોસ્ટ પ્રતિક અને તેના પરિવાર વચ્ચેના સંબંધોમાં સુધારો દર્શાવે છે. આ પહેલા સાવકા ભાઈ આર્યએ પણ સિબલિંગ ડે (10 એપ્રિલ) ના રોજ પ્રતિક સાથે એક ફોટો શેર કર્યો હતો. આ પોસ્ટ પ્રતિકના લગ્નના ઘણા મહિનાઓ પછી આવી છે. તમને જણાવી દઈએ કે, લગ્ન સમયે રાજ, જૂહી અને આર્ય બબ્બર ક્યાંય જોવા મળ્યાં ન હતાં. આ પછી, પ્રતિકે પોતાની અટક ‘બબ્બર’ છોડી દીધી હતી અને પોતાને ‘પ્રતિક સ્મિતા પાટિલ’ તરીકે ઓળખાવાનું શરૂ કર્યું છે. આ બાબતે આર્યએ કહ્યું હતું કે, ‘સ્મિતા મમ્મી અમારી પણ માતા છે. તે કયું નામ રાખવા માંગે છે, તે તેનો વ્યક્તિગત નિર્ણય છે. કાલે હું મારું નામ ‘આર્ય બબ્બર’થી બદલીને ‘આર્ય’ અથવા ‘રાજેશ’ કરીશ, તો શું હું પણ બબ્બર નહીં રહું? તમે તમારું નામ બદલી શકો છો, પણ ઓળખ બદલી શકતા નથી. મારા પિતા મારી જિંદગીમાં ક્યારેય હતા જ નહીંઃ પ્રતિક અગાઉ ટાઇમ્સ ઓફ ઇન્ડિયાને આપેલા ઇન્ટરવ્યૂમાં રાજ બબ્બરને લગ્નમાં નિમંત્રણ ન આપવા બાબતે પ્રતિક બબ્બરે જવાબ આપ્યો હતો કે, તેને આવી અફવાઓથી કોઈ ફરક પડતો નથી, કારણકે તેના અને રાજ બબ્બર વચ્ચે કોઈ સંબંધ નથી. વધુમાં કહ્યું કે, મારા પિતા મારી જિંદગીમાં ક્યારેય હતા જ નહીં. જ્યારે 30 વર્ષ સુધી કોઈએ નથી પૂછ્યું, તો આજે આ પ્રશ્નો કેમ ઊઠી રહ્યાં છે? એક્ટરે પિતા રાજ બબ્બર સાથેના સંબંધ અંગે વધુમાં જણાવ્યું કે, તે પિતા સાથે તમામ સંબંધ પૂરાં કરી ચૂક્યો છે. તે માત્ર પોતાની માતા સ્મિતા પાટિલના નામથી જ ઓળખાવા માંગે છે. પ્રતિકે પોતાના નામમાંથી પિતાનું નામ પણ હટાવી દીધું છે. પ્રતિક બબ્બરે પોતાનું નામ બદલીને ‘પ્રતિક સ્મિતા પાટિલ’ રાખી લીધું છે.