શનિવારે દિલ્હીમાં આવેલા તોફાનના ધીકારણે સમગ્ર દેશમાં હવાઈ સેવાઓ અસરગ્રસ્ત રહી હતી. તેની સીધી અસર સુરત એરપોર્ટ પરથી દિલ્હી, ગોવા, હૈદ્રાબાદ અને દુબઈ જતી અને આવતી ફ્લાઇટ્સ પર પણ જોવા મળી હતી. તે સિવાય વડોદરા એરપોર્ટ પર પણ દિલ્હીથી આવનાર ચાર ફ્લાઇટ સમય કરતા એક થી બે કલાક લેટ ચાલી રહી છે. દિલ્હીથી આવનાર એર ઇન્ડિયાની ત્રણ ફ્લાઇટ અને ઈન્ડિગો એરલાઇન્સની એક ફ્લાઇટ લેટ આવી હતી. એરપોર્ટ ઓથોરિટી દ્વારા ખરાબ હવામાનના કારણે આવનાર ફ્લાઇટ લેટ પડતા જનાર ફ્લાઇટ પણ નિર્ધારિત સમય કરતા દોઢથી અઢી કલાક લેટ ઉડાન ભર્યું હતું. દિલ્હી ખાતે ખરાબ હવામાનને કારણે અનેક ફ્લાઇટ્સમાં અઢી કલાક સુધીનો વિલંબ નોંધાયો હતો. દિલ્હીથી સુરત આવતી ઇન્ડિગોની એક ફ્લાઇટ 2 કલાક 46 મિનિટ મોડી આવી જ્યારે બીજી ફ્લાઇટ 2 કલાક 26 મિનિટ મોડેથી સુરત પહોંચી. એર ઇન્ડિયા એક્સપ્રેસની ફ્લાઇટ પણ 1 કલાક 12 મિનિટ મોડી આવી. બીજી ઇન્ડિગો ફ્લાઇટ 34 મિનિટ મોડેથી આવી. દિલ્હી જતી ફ્લાઇટ્સમાં પણ સમાન સ્થિતિ જોવા મળી. સુરતથી દિલ્હી જતી ઇન્ડિગોની એક ફ્લાઇટ અંદાજે 3 કલાક મોડી રવાના થવાની શક્યતા હતી. બીજી ઇન્ડિગો ફ્લાઇટ્સ ક્રમશઃ 55 મિનિટ અને 1 કલાક 55 મિનિટ મોડેથી ઉપડી હતી, જ્યારે એર ઇન્ડિયા એક્સપ્રેસની ફ્લાઇટ 1 કલાક 43 મિનિટ મોડી રવાના થઈ હતી. સૂરતથી ગોવા જતી ઇન્ડિગો ફ્લાઇટ 34 મિનિટ મોડેથી ઉડી હતી, જ્યારે દુબઈ જતી એર ઇન્ડિયા એક્સપ્રેસની ફ્લાઇટ 21 મિનિટ મોડેથી રવાના થઈ હતી. હૈદ્રાબાદ અને ગોવાથી સૂરત આવતી ફ્લાઇટ્સ ક્રમશઃ 13 અને 9 મિનિટના વિલંબથી આવી હતી. હવામાનની આ અનિચ્છનીય પરિસ્થિતિના કારણે મુસાફરોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો. એરલાઈન્સ તરફથી મુસાફરોને અનુરોધ કરવામાં આવ્યો છે કે, એરપોર્ટ પર જવા પહેલાં પોતાની ફ્લાઇટની સ્થિતિની માહિતી ચોક્કસ મેળવી લેવી.