ભારતમાં લાંબા સમયથી પાકિસ્તાની કલાકારો પર પ્રતિબંધ લાગેલો છે. તેવામાં પાકિસ્તાની એક્ટર ફવાદ ખાનની નવી ફિલ્મ ‘અબીર ગુલાલ’નું ટીઝર રિલીઝ થતાં જ વિવાદ ઉભો થયો છે. જોકે, હવે એક પછી એક બોલિવૂડ સ્ટાર્સ ફવાદની વાપસીનું સમર્થન કરતા જોવા મળી રહ્યાં છે. આ ક્રમમાં, સુષ્મિતા સેને પણ ફિલ્મને ટેકો આપ્યો છે. સુષ્મિતા સેને તાજેતરમાં એક કાર્યક્રમમાં હાજરી આપી હતી. આ દરમિયાન, જ્યારે તેણીને ફિલ્મ ‘અબીર ગુલાલ’ના વિવાદ વિશે પૂછવામાં આવ્યું, ત્યારે તેણીએ કહ્યું, મને એટલું બધું તો ખબર નથી, પરંતુ હું ફક્ત એટલું જાણું છું કે, પ્રતિભા અને સર્જનાત્મકતામાં કોઈ સીમાઓ હોતી નથી અને હોવી પણ ન જોઈએ. સુષ્મિતા સેને વધુમાં કહ્યું કે, એક સ્પોર્ટ્સ અને એક આપણું સર્જનાત્મક ક્ષેત્ર છે, જ્યાં સર્જનાત્મકતા સ્વતંત્રતા સાથે જન્મે છે. આવી સ્થિતિમાં આ માટે કોઈ સરહદ ન હોવી જોઈએ. આ ઉપરાંત સની દેઓલ અને અમીષા પટેલે પણ ફવાદ ખાનને ટેકો આપ્યો છે. સની દેઓલે કહ્યું હતું કે, ‘તે રાજકારણમાં જોડાવા માંગતો નથી, કારણ કે ત્યાંથી જ વસ્તુઓમાં ગડબડ થવા લાગે છે. અમે એક્ટર છીએ, અમે દુનિયાના દરેક ખૂણાના લોકો માટે કામ કરીએ છીએ. કોઈ જુએ કે ન જુએ, અમે બધા માટે છીએ. તેણે વધુમાં કહ્યું કે, આજની દુનિયા વૈશ્વિક બની ગઈ છે. આપણે વધુ દેશો ઉમેરવા જોઈએ. આ સાચો રસ્તો છે.’ જ્યારે, અમીષા પટેલે કહ્યું હતું કે, ‘અમે દરેક એક્ટર અને સંગીતકારનું સ્વાગત કરીએ છીએ. આ આપણી સંસ્કૃતિ છે. અમે કલાને કલા તરીકે જોઈએ છીએ અને તેમાં કોઈ ભેદભાવ ન હોવો જોઈએ. આઠ વર્ષ પછી ફવાદ ખાનનું બોલિવુડમાં કમબેક પાકિસ્તાની અભિનેતા ફવાદ ખાન આઠ વર્ષ પછી બોલિવુડમાં વાપસી કરી રહ્યો છે. એક્ટર છેલ્લે 2016માં ઐશ્વર્યા રાય, અનુષ્કા શર્મા, રણબીર કપૂર અભિનીત ફિલ્મ ‘એ દિલ હૈ મુશ્કીલ’માં જોવા મળ્યો હતો. તેની આગામી ફિલ્મ ‘અબીર ગુલાલ’નું ટીઝર આજે (1 એપ્રિલ) રિલીઝ થયું, જેનાથી ચાહકોમાં ઉત્સાહનો માહોલ સર્જાયો છે. જોકે, ફિલ્મ રિલીઝ થવાના સમાચાર આવતાની સાથે જ મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (MNS)એ તેનો વિરોધ શરૂ કરી દીધો છે અને મહારાષ્ટ્રમાં ફિલ્મ રિલીઝ ન કરવાની ધમકી આપી છે.