સુરતના નાગાલેન્ડ બોગસ હથિયાર કાંડમાં એક બાદ એક નવો ખુલાસો થઈ રહ્યો છે. સૌથી મહત્વનો ખુલાસો એ છે કે હથિયાર લાઇસન્સ અપાવવા માટે ખાસ નાગાલેન્ડના ડીમાપુરને હેડક્વાર્ટર બનાવવામાં આવ્યું હતું. અહીંની કેટલીક સોસાયટીના સરનામા પર ભાડા કરાર બનાવીને હથિયાર લાઇસન્સ અપાવવામાં આવતા હતા. દસ લાખ રૂપિયા મેળવ્યા બાદ લાઇસન્સ આપવામાં આવતા હતા અને ખતરનાક હથિયારો આ બોગસ લાઇસન્સ પર આપી દેવામાં આવતા હતા. આવા ખતરનાક 51 જેટલા હથિયારો આ બોગસ લાઇસન્સ પર આપી દેવામાં આવ્યા છે. ટોળકીના સભ્યો પહેલા બોગસ લાયસન્સ બનાવી દેતા પછી હથિયાર પણ પોતે વેચતા
સુરત શહેરના કતારગામ વિસ્તારમાં આવેલા ગજાનંદ ગનહાઉસના માલિકની પણ મહત્વની ભૂમિકા આ સમગ્ર કાંડમાં હતી. માલિક અતુલ પટેલ અને આસિફ સાથે મળીને આખા ગુજરાતમાં આ નેટવર્ક ચલાવી રહ્યો હતો. જે લોકોને લાઇસન્સ જોઈએ તેમે સામે શરત મૂકતો હતો કે લાઇસન્સની વ્યવસ્થા તે કરી આપશે પરંતુ હથિયાર તેના ગનહાઉસમાંથી જ લેવું પડશે. તે ન માત્ર નાગાલેન્ડના હથિયાર લાઇસન્સ અપાવવાનું પરંતુ પોતાના ગનહાઉસમાં મોંઘા અને ઈમ્પોર્ટેડ હથિયાર પણ તે લોકોને વેચતો હતો. જેની કિંમત બે લાખથી લઈને છ લાખ રૂપિયા સુધી છે. એક બાજુ લાઇસન્સ અપાવવાના નામે અઢી લાખ રૂપિયા કમિશન મેળવનાર હતો જ્યારે બીજી બાજુ પોતાના જ ગનહાઉસમાંથી જે તે વ્યક્તિને હથિયાર લેવાનું હોય તેમ કહી આગળની પ્રક્રિયા કરાવતો હતો. બીજી બાજુ પોલીસ તપાસમાં જાણવા મળ્યું છે કે જેટલા પણ લોકોએ નાગાલેન્ડથી બોગસ ગન લાઇસન્સ મેળવ્યા છે તેમાં મોટાભાગના સરનામા નાગાલેન્ડના ડીમાપુરના છે. આસિફે અત્યાર સુધીમાં 51 લોકોને બોગસ લાયસન્સ પર હથિયાર અપાવ્યા
ગુજરાતના હથિયારોના સોદાગર એવા આસિફ અને તેને આ રેકેટમાં મદદ કરનાર લોકો સહિત નાગાલેન્ડના બોગસ લાઇસન્સ મેળવનાર લોકોની ધરપકડ કરવામાં આવી છે. સુરત ક્રાઈમ બ્રાંચે કતારગામ વિસ્તારમાં ગનહાઉસ ધરાવનાર અતુલ પટેલની પણ ધરપકડ કરી છે, જે સીધો આસિફના સંપર્કમાં હતો. આસિફથી સંપર્ક થયા બાદ ગુજરાતમાં જે કોઈને પણ લાઇસન્સની જરૂરિયાત હોય તેવા 51 લોકોને અત્યાર સુધીમાં અતુલ પટેલે આસિફના માધ્યમથી બોગસ ગન લાઇસન્સ અપાવ્યા છે. પરંતુ માત્ર લાઇસન્સ નહીં, હથિયારની ખરીદી પણ તે પોતાના ગનહાઉસમાંથી કરાવતો હતો. પોલીસના તપાસમાં અત્યાર સુધીમાં જાણવા મળ્યું છે કે તેની પાસે જે કોઈએ પણ હથિયાર ખરીદ્યા છે, તે ખૂબ જ સારી ક્વોલિટીના અને ખૂબ જ મોંઘા છે. નામાંકિત કંપનીઓને પણ હથિયાર પૂરા પડાયા
મુખ્ય મલ્હોત્રા સન્સ ડિફેન્સ (હિમાચલ પ્રદેશ), વેબલે (ઉત્તર પ્રદેશ), શેખ આર્મ્સ (હિમાચલ પ્રદેશ), ગ્રેટા (ન્યુ દિલ્હી), સ્મિથ એન્ડ વેસન, વેરી વિન જેવી કંપનીઓ સામેલ છે. જેમાંથી અનેક વિદેશની પણ કંપનીઓ છે. આ કંપનીના હથિયાર સુરતના ગજાનંદ ગનહાઉસમાંથી તે આવા લોકોને વેચતો હતો, જે ખોટી રીતે નાગાલેન્ડમાંથી હથિયાર માટે લાઇસન્સ મેળવતા હતા. અને આ લાઇસન્સ અપાવવામાં ગજાનંદ ગનહાઉસના માલિક અતુલ પટેલ મદદ કરતો હતો. અત્યાર સુધીમાં 51 જેટલા લોકોને લાઇસન્સ સાથે હથિયાર પણ અપાયા હોવાની માહિતી સુરત ક્રાઈમ બ્રાન્ચને મળી છે. બોગસ લાઇસન્સ અને ઘાતક હથિયાર:
વેબલે સ્કોટ રિવોલ્વર: ઘાતક રિવોલ્વરની ખાસિયત એ છે કે તેમાંથી 1 મિનિટમાં 20 થી 30 રાઉન્ડ ફાયરિંગ થઈ શકે છે. જો કે એક વખતમાં રિવોલ્વરમાં માત્ર 6 ગોળીઓ જ લોડ કરી શકાય છે. તેની ફાયરિંગ રેન્જ 50 મીટર સુધીની છે. વર્ષ 1887 થી વર્ષ 1924 દરમિયાન 1 લાખ 25 હજારથી વધુ વેબલે-455 રિવોલ્વર વેચાઈ હતી.
ગ્રેટા થંડર કોમ્બેટ પ્રોઃ એ સાઈડ ઓપનિંગ રિવોલ્વર છે જેમાં 7 રાઉન્ડની ક્ષમતા છે. તેની અદભૂત દેખાવ અને કોમ્પેક્ટ સાઇઝ તેને ભારતીય માર્કેટમાં એક ઉત્તમ પસંદગી બનાવે છે. આ રિવોલ્વર ડબલ એક્શન સાથે આવે છે અને વધુ સુરક્ષા માટે તેમાં સેફ્ટી લોક પણ આપવામાં આવ્યો છે. 12 બોર પમ્પ એક્શન ગન: ખાસ કરીને સુરક્ષા હથિયાર તરીકે ઉપયોગ માટે વિકસાવવામાં આવી છે. આ એક સિંગલ બેરલ બ્રિચ લોડિંગ હથિયાર છે, જે 12 બોર ડબલ બેરલ ગન કરતા ઉત્તમ છે. તેમાં ટ્યુબ્યુલર મેગેઝિન આપવામાં આવ્યું છે, જેમાં 12 બોરના 4 કારતૂસ મુકાઈ શકે છે અને જે બેરલના સમાનાંતર અને નીચેના ભાગમાં ફિટ કરાયેલી હોય છે. MSD ગાર્ડિયન 1911: એ સિંગલ-એક્શન, રિકોઇલ ઓપરેટેડ, સેમી-ઓટોમેટિક પિસ્તોલ છે, જે અત્યંત શક્તિશાળી અને સચોટ હોય છે. 45 ACP કારતૂસ માટે ચેમ્બર્ડ છે. દરેક હથિયાર મલ્હોત્રા સન્સ ડિફેન્સના ઈજનેરીના શ્રેષ્ઠતાપ્રતિ અડગ પ્રતિબદ્ધતા સાથે અત્યંત ચોકસાઈથી તૈયાર કરવામાં આવે છે. આ પિસ્તોલમાં હાઈ-સ્ટ્રેન્થ 4140 ક્રોમોલી સ્ટીલમાંથી બનાવેલ ફુલ-સાઈઝ ફ્રેમ છે, 5 ઈંચની મેચ-ગ્રેડ રાઇફલ્ડ બેરલ છે જેને મિરર ફિનિશ આપવામાં આવી છે, જે અસાધારણ સચોટતા આપે છે. સાથે જ ઍબ્રેશન અને રક્ષણ માટે સેરાકોટ ફિનિશ આપવામાં આવ્યું છે. ડ્યુઅલ ગ્રિપ અને મેન્યુઅલ સેફ્ટી, રિયર સ્લાન્ટ સેરેટેડ સ્લાઇડ, એડજસ્ટેબલ સાઈટ્સ તથા અનેક આધુનિક સુવિધાઓ આપવામાં આવી છે. “32 કેલિબર 7.65 MM” પિસ્તોલ: ફક્ત 850 ગ્રામ વજન ધરાવતી આ સેમી-ઓટોમેટિક પિસ્તોલ એક જ વખતે 18 ગોળીઓ ભરવામાં ક્ષમતા ધરાવે છે અને તેને સતત ફાયર કરી શકાય છે. એકવાર લોડ કરવામાં આવે પછી તેનું વજન 950 ગ્રામ થાય છે. 32 બોર રિવોલ્વર: હળવું વજન, હેન્ડલ કરવામાં સરળ હથિયાર, વ્યક્તિગત સુરક્ષા માટે યોગ્ય. કાર્ય: 32 (7.65 મિમી) રિવોલ્વર ઘૂમતા ચેમ્બરમાં લોડ કરવાથી 6 રાઉન્ડ ફાયર કરી શકે છે. એક રાઉન્ડ મિસફાયર થવાથી આગલી ફાયરિંગ પર કોઈ અસર થતી નથી. ગુજરાતભરમાં બોગસ લાઈસન્સ બાદ ઘાતક હથિયાર આમ જ આપી દેવામાં આવતા હતા. દસ લાખ રૂપિયામાં લાઈસન્સ બનાવ્યા બાદ 50 હજારથી છ લાખ રૂપિયા સુધીના હથિયાર ખરીદવામાં આવતા હતા, જે ખૂબ જ ઘાતક હતા. નાગાલેન્ડના ડીમાપુરના એડ્રેસ પર લાઈસન્સ બન્યા
નાગાલેન્ડના ડીમાપુરના એડ્રેસ પર લાઈસન્સ ઈસ્યૂ કરાયા. ત્રણ એવી સોસાયટી સામે આવી છે જ્યાં સૌથી વધારે ભાડા કરાર બનાવીને ગન લાઇસન્સ માટે અરજી કરવામાં આવતી હતી, જેમાં બેંક કોલોનીના અલગ અલગ મકાન, બુરમાં કેમ્પ વેટી કોલોની અને નેપાળી કોલોની સામેલ છે. જ્યાં સુરત ક્રાઈમ બ્રાન્ચની એક ટીમ હાલ તપાસ માટે ગઈ છે. સુરત ક્રાઈમ બ્રાન્ચની તપાસમાં જાણવા મળ્યું છે કે, ગુજરાતના એવા વ્યક્તિઓ કે જે ક્યારેય નાગાલેન્ડ ગયા જ નથી, તેમના નાગાલેન્ડના સરનામા પર હથિયાર લાઇસન્સ બનાવવામાં આવ્યા છે, જેમાં ખાસ કરીને નાગાલેન્ડના આ સરનામા પર બોગસ હથિયાર લાઇસન્સ બનાવવામાં આવ્યા છે. આ તમામ મકાન ઉપર લાઇસન્સ બનાવવા માટે બાર લોકોને હથિયારની એન્ટ્રી પોતાના લાઇસન્સ માટે નાગાલેન્ડ ખાતે મોકલવા હોવાથી તેઓ પોતાના હથિયારો ગજાનંદ ગનહાઉસ લઈ ગયા નહોતા. તેની વિગત અંગે જ્યારે તપાસ કરવામાં આવી ત્યારે આ 12 સરનામા મળી આવ્યા હતા: ટોળકીએ 51 હથિયારો અલગ અલગ શહેરમાં વેચ્યા
દેશભરમાં હથિયાર વેચવાના રેકેટમાં ઝડપાયેલા ચાર આરોપીઓ દિલીપ રોય, કલ્પેશ માંગુકિયા, મેરુ બેલા અને અતુલ પટેલની પોલીસે ધરપકડ કરી છે. આજે તમામને રિમાન્ડ અર્થે કોર્ટમાં રજૂ કર્યા હતા, જ્યાં દલીલો બાદ આરોપી અતુલના દસ અને અન્ય ત્રણના દસ દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા હતા. રિમાન્ડ અરજીમાં પોલીસે દલીલ કરી હતી કે, આરો,પીઓએ ડોક્યુમેન્ટ સુરતથી જુદી જુદી કુરિયર કંપનીઓ મારફત નાગાલેન્ડના ડીમાપુર ખાતેની પોલીસ કમિશનરની કચેરી ખાતે મોકલ્યા હતા. અરજી કરનારા ક્યારેય આ કચેરીમાં ગયા નહોતા તેમ છતાં લાઇસન્સ મળી ગયા હતા. અત્યાર સુધી આવા બોગસ લાઇસન્સના આધારે 51 હથિયારો દેશના જુદા જુદા શહેરોમાં વેચી દેવામાં આવ્યા હતા.