ગુજરાતની જીવાદોરી સમાન નર્મદા નદીનાં પાણી ખારાં બની ચૂક્યાં છે. ભરતીના સમયે દરિયાનાં પાણી છેક નાંદ ગામ સુધી પહોંચી જાય છે. નદીનાં પાણીમાં વધી રહેલી ખારાશ હવે દરિયાઈ પક્ષીઓને શહેર તરફ આકર્ષી રહી છે. પક્ષીવિદ્ નિતિન ભટ્ટે જણાવ્યું હતું કે સીગલ ખાસ કરીને દરિયાઈ વિસ્તારોમાં જોવા મળતું પક્ષી છે અને જળચર જીવો તેનો મુખ્ય ખોરાક છે. 5 વર્ષથી નર્મદા નદીના કિનારે સીગલની હાજરી જોવા મળે છે. નર્મદા મૈયા બ્રિજનું નિર્માણ થયા બાદ સવારે સીગલ પક્ષીઓનો જમાવડો જોવા મળે છે. નદી અને દરિયાનું ભેગું થયેલું ભાંભરું પાણી તેમને માફક આવી ગયું હોય તેમ લાગી રહ્યું છે. તસવીર સૌજન્ય : હરેશ બ્રહ્મભટ્ટ સીગલની વિશેષતાઓ દરિયાકાંઠો, ખડકો, નદીના મુખપ્રદેશ અને બંદરો તેના સામાન્ય રહેણાક વિસ્તારો છે. આ પક્ષીઓ ખડકાળ ટેકરા, રેતીના ટેકરા અથવા કિનારાની નજીકના ઘાસવાળા વિસ્તારોમાં માળો બનાવે છે. ખાસ કરીને સ્થળાંતર અથવા સંવર્ધન ઋતુ દરમિયાન તળાવો અને નદીઓમાં પણ જોવા મળે છે. શહેરી વિસ્તારોમાં તેઓ છત ઉપર પણ માળો બાંધતાં હોય છે.