નકલી ડોક્યુમેન્ટના આધારે હથિયારનો પરવાનો લેવાના ATSએ ઝડપી પાડેલા મોટા કૌભાંડનો રેલો વડોદરા પહોંચ્યો છે. એટીએસની તપાસમાં વડોદરા ગ્રામ્ય અને શહેરના 4 લોકોએ નાગાલેન્ડ-મણીપુરના રહિશ હોવાના નકલી ડોક્યુમેન્ટના આધારે હથિયાર મેળવ્યાનો પર્દાફાશ થયો છે. હરિયાણાના શૌકતઅલી પાસેથી કરજણ ભાજપના અગ્રણી અને કોર્પોરેટર ગોકુલ ભરવાડ, સાવલી તાલુકાના મંજુસરના ભાજપ અગ્રણી વિજયસિંહ વાઘેલા, શહેરના ગોત્રી વિસ્તારનો માથાભારે મુન્નો ભરવાડ અને બાપોદના માટીનો વ્યવસાય કરતા ભરત ભરવાડે હથિયાર ખરીદ્યું હતું. મુન્નો ભરવાડ હાલ જેલમાં છે. જોકે આ ત્રણે એટીએસમાં હથિયારો જમા કરાવી નિવેદનો નોંધાવ્યા છે. હરિયાણાનો કૌભાંડનો સૂત્રધાર અને ગન ડીલર શૌકતઅલી ઝડપાયા બાદ નવા ખુલાસા થઈ રહ્યા છે અને ગેરકાયદેસર હથિયાર મેળવનારા સામે ફરિયાદો નોંધી ધરપકડ શરૂ કરાઇ છે. જેમાં વડોદરા શહેર જિલ્લાના પણ ત્રણની ગમે ત્યારે ધરપકડ થાય એવી શકયતા છે એમ સૂત્રોએ જણાવ્યું છે. નક્સલ પ્રભાવિત નાગાલેન્ડ-મણીપુરમાં નકલી દસ્તાવેજથી ત્યાંના રહીશ હોવાનું જણાવી ગુજરાતના મોટા માથાઓ અને કેટલાક ગુનેગારો ઓલ ઈન્ડિયા હથિયાર પરવાનો ધરાવતા હતા. આ બંને રાજ્યોમાં નકસલી પ્રવૃતિના કારણે હથિયાર પરવાનો આસાનીથી મળી જતો હતો. એનો ફાયદો ઉઠાવી હરિયાણાનો ગન ડીલર શૌકતઅલી 5થી 10 લાખ રૂપિયા લઈ નકલી દસ્તાવેજોના આધારે ગુજરાતના લોકોને પરવાનો અપાવતો હતો. પોતાના ગન હાઉસમાંથી ઊંચી કિંમતે આ લોકોને હથિયારો વેચતો હતો. ATS દ્વારા આ મસમોટા કૌભાંડને ઝડપી પાડવામાં આવ્યું હતું. જેમાં અત્યારસુધી 16 આરોપીઓ પાસેથી 15 હથિયાર અને 489 રાઉન્ડ કબ્જે કરવામાં આવ્યા છે. જોકે કૌભાંડ એટીએસ દ્વારા ઝડપી લેવામાં આવતા ત્રણ જણા સામે ચાલીને તા.3જી એપ્રિલે એટીએસમાં પહોંચ્યા હતા અને હથિયારો જમા કરાવી દીધા હતા. અને નિવેદન નોંધાવ્યા હતા. જેમાં ક્યારે ખરીદ્યું, કેટલામાં ખરીદ્યું અને કોની પાસેથી ખરીદ્યું એની વિગતો જણાવી છે. ATSના અધિકારી-જવાનો કાળા કાચની નંબર પ્લેટ વિનાની ગાડીમાં મંજૂસર પહોંચતાં લોકોને જાણ થઇ શુક્રવારે એટીએસના અધિકારીઓ અને જવાનો મંજુસર ગામમાં તપાસ માટે પહોંચ્યા હતા. કાળા કાચ ધરાવતી નંબર પ્લેટ વગરની ગાડીઓનો કાફલો જોઈ ગ્રામજનો ગભરાયા હતા. દરમ્યાન વિજય વાઘેલાની નકલી ડોક્યુમેન્ટના આધારે હથિયાર ખરીદવાના કૌભાંડમાં સંડોવણી હોવાની વાત બહાર આવતાં ગામમાં ચકચાર મચી ગઇ હતી. રાજકીય અગ્રણીઓ, ડાયરાના કલાકારો નીચે પણ રેલો આવશે નકલી ડોક્યુમેન્ટના આધારે ગેરકાયદે ઓલ ઈન્ડિયા પરમિટના હથિયાર મેળવનારાઓમાં મોટા માથાઓનો સમાવેશ થાય છે. જેમાં વિહિપ, ભાજપના નેતાઓ-કાર્યકરો ઉપરાંત ડાયરા અને લોક સંગીતના કલાકારોએ પણ લાખો રૂપિયા ખર્ચી હથિયારો મેળવ્યા હોવાનું તપાસમાં બહાર આવ્યું છે. તપાસ આગળ વધ્યા બાદ એક બાદ એક દરેકના પગ નીચે રેલો આવશે એવી પરિસ્થિતિ ઊભી થઈ છે. ગુજરાતમાં 250થી વધુ લોકોએ ગેરકાયદે હથિયારો મેળવ્યાં સૂત્રોએ જણાવ્યું છે કે, શરૂઆતમાં માત્ર સુરેન્દ્રનગર પૂરતું આ કૌભાંડ હોવાનું લાગી રહ્યું હતું. પરંતુ એટીએસને તપાસ સોંપાયા બાદ અત્યાર સુધી 107 લોકોએ નકલી ડોક્યુમેન્ટના આધારે હથિયાર મેળવ્યા હોવાનું બહાર આવ્યું છે. હવે ગન ડીલર શૌકત અને મુખ્ય સૂત્રધાર મનાયા મુકેશ બાંભા ઝડપાઈ ચૂક્યા છે. ત્યારે આગળ વધેલી તપાસમાં આ આંકડો 250 સુધી પહોંચશે એમ સૂત્રોએ ઉમેર્યું છે. પોલીસે ત્રણને બોલાવી હથિયાર જમા લઈ જવાબ લીધો, ગુનો ન નોંધ્યો, એક પહેલેથી જ જેલમાં ATS દ્વારા આ મસમોટા કૌભાંડને ઝડપી પાડવામાં આવ્યું હતું. જેમાં અત્યારસુધી 16 આરોપીઓ પાસેથી 15 હથિયાર અને 489 રાઉન્ડ કબ્જે કરવામાં આવ્યા છે. જોકે કૌભાંડ એટીએસ દ્વારા ઝડપી લેવામાં આવતા ત્રણ જણા સામે ચાલીને તા.3જી એપ્રિલે એટીએસમાં પહોંચ્યા હતા અને હથિયારો જમા કરાવી દીધા હતા. અને નિવેદન નોંધાવ્યા હતા. જેમાં ક્યારે ખરીદ્યું, કેટલામાં ખરીદ્યું અને કોની પાસેથી ખરીદ્યું એની વિગતો જણાવી છે. કરજણ ભાજપ અગ્રણી ગોકુલ ભરવાડ, મંજુસરનો ભાજપ અગ્રણી વિજય વાઘેલા અને બાપોદના ભરત ભરવાડે નિવેદન નોંધાવ્યું હતું.અને તપાસ માટે જ્યારે પણ જરૂર હોય ત્યારે ઉપસ્થિત રહેવાની ખાતરી આપી પરત ફર્યા છે. જ્યારે પોલીસ દ્વારા આ ચારેય સામે હજુ સુધી ગુનો જ ન નોંધ્યો હોવાની માહિતી સાંપડી રહી છે. પરંતુ આ ગંભીર મામલામાં એક પછી એક ફરિયાદો નોંધાયા બાદ ધરપકડો શરૂ કરી દેવામાં આવી છે ત્યારે પોલીસ હાલમાં પુરાવા ભેગા કરી રહી છે અને ત્યારબાદ ગમે ત્યારે કરજણ, સાવલી અને વડોદરાના એક મળી ત્રણની અટકાયત થાય એવી શક્યતા છે. મુુન્નો ભરવાડ, ગોત્રી અગાઉથી જ જેલમાં છે, ગોત્રી વિસ્તારમાં માથાભારે હોવાની છાપ, શૌકત પાસેથી હથિયાર ખરીદ્યું. ભરત ભરવાડ, બાપોદ શહેરના બાપોદ વિસ્તારમાં માટીનો વ્યવસાય કરે છે. ખોટા દસ્તાવેજોને આધારે શૌકત પાસેથી હથિયાર લીધું. વિજય વાઘેલા મંજૂસરમાં ભાજપના અગ્રણી તરિકે કાર્યરત છે. માટી ખનનનો વ્યવસાય પણ વિજય વાઘેલા કરે છે. ગોકુલ ભરવાડ ભાજપનો કોર્પોરેટર,કરજણ શહેર ભાજપનો હોદ્દેદાર, અગાઉ ગેરકાયદે માટી ખનનમાં નામ ઉછળી ચુક્યું છે.