ઊંઝા શહેરના ભાટવાડા વિસ્તારમાં બિરાજમાન શ્રી જહુ માતાજી મંદિરે જીવદયા પ્રતિક સમો બાવીસમો પાટોત્સવનો પ્રારંભ થયો છે. આ નિમિત્તે આજે શહેરના રાજમાર્ગો પર ભવ્ય શોભાયાત્રા નીકળી હતી. શ્રી સુન્ધા ચામુંડા માતાજી તથા શ્રી જહુ માતાજી મંદિરના 22મા પાટોત્સવ અંતર્ગત ગઈકાલે સ્મૃતિભેટ વિતરણ સમારોહ યોજાયો હતો. આ પ્રસંગે શ્વાન સેવા સદન રોટલા ઘરમાં સેવા આપતી 665 સેવાભાવી બહેનોને માતાજીના આશીર્વાદ સાથે સ્મૃતિભેટ આપવામાં આવી હતી. આજે મંદિર સંકુલથી નીકળેલી શોભાયાત્રા ગાંધીચોક, સ્ટેશન રોડ, શ્રી બાળોજ માતાજી મંદિર અને જીમખાના ચોકડી સહિતના વિસ્તારોમાં ફરીને નિજ મંદિરે પરત ફરશે. સવારે 8:15 કલાકે માતાજીની ઉપાસના સાથે યજ્ઞનો પ્રારંભ થયો છે. રાત્રિ દરમિયાન રાસ-ગરબા સહિત વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાશે. સાંજે 9:15 કલાકે ઝૂલણા અને રાત્રે 12:15 કલાકે પારણાં કાર્યક્રમ યોજાશે.