સુરતના મોટા વરાછા વિસ્તારમાં રહેતા કથીરીયા પરિવારના યુવાનની ગત 4 એપ્રિલના રોજ પત્નીની નજર સામે કેનેડામાં ચપ્પુના ઘા ઝીંકી કરપીણ હત્યા કરાઈ હતી. કેનેડાના ઓન્ટોરીયામાં પત્ની સાથે સ્થાયી થયેલા યુવાન ઉપર પડોશી આધેડે હુમલો કર્યો હતો. દંપતી ઘરના વાડામાં વોશીંગ મશીનમાં કપડાં ધોઈ રહ્યું હતું. દરમિયાન યુવાન ઉપર હુમલો કરી પડોશીએ પત્ની ઉપર પણ હુમલો કરવાની કોશિશ કરી હતી. પત્નીને બચાવવા કરેલા પ્રતિકારમાં યુવાન ઉપર બીજી વખત હુમલો થયો હતો. ચપ્પુના ઉપરાઉપરી બે ઘા ઝીંકાતા તે સ્થળ ઉપર જ લોહીલુહાણ થઈ ઢળી પડ્યો હતો અને મોત નીપજ્યું હતું. છેલ્લા આઠ દિવસથી ધર્મેશના માતા-પિતાને દીકરાની હત્યાની જાણ કરવામાં આવી ન હતી. ત્યારે આજે ધર્મેશનો મૃતદેહ કેનેડાથી પ્લેન મારફતે અમદાવાદ આવ્યો હતો અને ત્યાંથી સુરત લાવવામાં આવ્યો છે. યુવક કેનેડાના પીઆર લઈ ઓન્ટેરીયા સિટીમાં સ્થાયી થયો
મળતી માહિતી પ્રમાણે, મૂળ ભાવનગર જિલ્લાના પાલીતાણા ખાતે આવેલા નોંધણવદર ગામના વતની અને સુરતમાં મોટા વરાછા વિસ્તારમાં આવેલા ઓમકાર રેસીડેન્સીમાં રહેતા વલ્લભભાઈ કથીરીયાનો પુત્ર ધર્મેશ પાંચ વર્ષ અગાઉ અભ્યાસ અર્થે સુરતથી કેનેડા ગયો હતો. અભ્યાસ પૂર્ણ કરી કેનેડાના જ પીઆર લઈ તે ઓન્ટેરીયા સિટીમાં સ્થાયી થયો હતો. ધર્મેશે કેનેડામાં પોતાનો નાનો ડિપાર્ટમેન્ટલ સ્ટોર્સ શરૂ કર્યો હતો. યુવકે દોઢ વર્ષ અગાઉ સુરત આવી રવિના નામની યુવતી સાથે લગ્ન કર્યા હતા. પાડોશીએ ચપ્પુથી હુમલો કરી હત્યા નિપજાવી હતી
લગ્ન બાદ પત્ની સાથે કેનેડા પહોંચેલું નવદંપતી હળીમળીને પોતાનો સ્ટોર્સ ચલાવી રહ્યું હતું. દરમિયાન શુક્રવારે સવારે તેમના જીવનમાં અણધાર્યો વળાંક આવી ગયો હતો. ધર્મેશ અને તેની પત્ની રવીના સવારે ઘરના વાડામાં પડોશી સાથેના સંયુક્ત વોશીંગ મશીનમાં કપડા ધોઈ રહ્યાં હતા. દરમિયાન અચાનક પડોશી આધેડ તેમની તરફ ચપ્પુ લઈ ઘસી આવ્યો હતો. દંપતી કંઈ સમજે તે પહેલા પડોશીએ ધર્મેશ ઉપર એકાએક ચપ્પુથી જીવલેણ હુમલો કરી દીધો હતો. પતિને લોહીથી લથપથ જોઈ પત્ની આઘાતમાં સરી પડી
ચપ્પુનો ઘા વાગતા ધર્મેશ ઇજાગ્રસ્ત થયો હતો. યુવાન આટલેથી નહીં અટકી રવિના ઉપર પણ હુમલો કરવા આગળ વધ્યો હતો. પત્ની પર થઈ રહેલા હુમલાને જોઈ ધર્મેશ રવિનાને બચાવવા દોડ્યો હતો. હુમલાખોર પડોશીનો પ્રતિકાર કરવા જતા તેને ચપ્પુનો વધુ એક ઘા વાગ્યો હતો. આ સાથે જ તે લોહીલુહાણ થઈ સ્થળ ઉપર પછડાયો હતો. ધર્મેશને લોહીથી લથપથ જોઈ પત્ની પણ આઘાતમાં સરી પડી હતી. દોઢ કલાક બાદ એમ્બ્યુલન્સ સ્થળ ઉપર પહોંચી
ચપ્પુના ઉપરાઉપરી બે ઘા ઝીંકાતા વાડામાં જ ઢળી પડેલા ધર્મેશને મેડિકલ સારવાર માટે તાત્કાલિક હોસ્પિટલ પહોંચાડવા પત્ની રવિનાએ ભારે વલખાં મારવા પડ્યા હતા. એમ્બ્યુલન્સને કોલ કર્યો હતો. કોલ કર્યાના દોઢ કલાક બાદ એમ્બ્યુલન્સ સ્થળ ઉપર પહોંચી હતી. આ પહેલા ધર્મેશનું મૃત્યુ થઈ ચૂક્યું હતું. સ્થળ પરથી જ પાડોશી આધેડની ઘરપકડ કરી લેવાઈ હતી. હાલ પોલીસ પ્રશાસન દ્વારા પાડોશી આધેડ સામે કાર્યવાહી કરવામાં આવી હતી. માતા-પિતા સહિત પરિવારને આઠ દિવસ સુધી જાણ ન કરાઈ
ધર્મેશ કથીરીયા પત્ની સાથે કેનેડામાં જીવન નિર્વાહ કરી રહ્યો હતો, ત્યારે માતા-પિતા પણ પુત્રનું કરિયર સેટ હોવાની ખુશીથી સુરતમાં જીવન ગાળી રહ્યા હતા. જાણે કથીરીયા પરિવાર પર આભ ફાટી પડ્યું તેવા સમાચાર ધર્મેશના ભાઇને કેનેડાથી મળ્યા ત્યાં તો તેના પગ નીચેથી જમીન જ સરકી ગઇ હતી. ધર્મેશની પાડોશમાં રહેતા આધેડે જ હત્યા કરી હોવાની સુરતમાં મોટા વરાછામાં રહેતા તેના ભાઇને જાણ થઇ હતી. જોકે પુત્રની હત્યા થઇ હોવાની સુરતમાં રહેતા માતા-પિતા સહિતના પરિવારને આઠ દિવસ સુધી કોઇ જાણ કરવામાં આવી ન હતી. મૃતદેહ પ્લેનમાં અમદાવાદ બાદ સુરત લવાયો
ભારતીય એમ્બેસી સહિતના પ્રયાસથી ધર્મેશના મૃતદેહને 9 દિવસ બાદ કેનેડાથી ભારત લાવવામાં આવ્યો છે. કેનેડાથી મૃતદેહ પ્લેનમાં અમદાવાદ ખાતે લાવવામાં આવ્યો હતો. પરિવારના સભ્યો એમ્બ્યુલન્સ મારફતે ધર્મેશના મૃતદેહને સુરત લાવ્યા છે. ગતરોજ ધર્મેશની પત્ની પણ કેનેડાથી સુરત પરત આવી ગઈ છે. પોતાની નજર સામે જ પતિની હત્યા થઈ હોવાથી પત્ની પણ આઘાતમાં સરી પડેલી છે. જ્યારે માતા પિતાને પણ દીકરાની હત્યાની જાણ થતા તેઓ પણ આઘાત પામ્યા છે. કઠોળ ખાતે આવેલા સ્માશાનમાં અંતિમ ક્રિયા કરવામાં આવશે.