વડાપ્રધાનના ‘સહી પોષણ દેશ રોશન’ અભિયાન અંતર્ગત ખેડા જિલ્લામાં 8થી 22 એપ્રિલ દરમિયાન પોષણ પખવાડિયાની ઉજવણી થઈ રહી છે. આ વર્ષે જીવનના પ્રથમ 1000 દિવસો પર વિશેષ ધ્યાન આપવામાં આવી રહ્યું છે. જિલ્લાના તમામ આંગણવાડી કેન્દ્રોમાં ગામના પદાધિકારીઓ અને લાભાર્થીઓની હાજરીમાં પોષણ શપથ સાથે કાર્યક્રમનો પ્રારંભ થયો. મંગળ દિવસની ઉજવણી અંતર્ગત સ્વસ્થ બાળ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું. બાળકોનું ગ્રોથ મોનિટરિંગ કરવામાં આવ્યું. મમતા દિવસની ઉજવણી દરમિયાન લાભાર્થીઓની આરોગ્ય તપાસણી કરવામાં આવી. આઈ.એફ.એ. ટેબ્લેટનું વિતરણ કરવામાં આવ્યું. પોષણ કોર્નર અને મહિલા મીટિંગનું આયોજન થયું છે. ગરમીની મોસમને ધ્યાનમાં રાખીને હીટ સ્ટ્રોક અને લૂથી બચવા માટે આંગણવાડી કેન્દ્રોમાં ORS પેકેટનું વિતરણ કરવામાં આવ્યું છે. પીવાના પાણીની વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે. કાર્યક્રમ અંતર્ગત પોષણ ટ્રેકરના લાભાર્થી મોડ્યુલનો પ્રચાર-પ્રસાર અને C-MAM મોડ્યુલ દ્વારા કુપોષણનું વ્યવસ્થાપન કરવામાં આવી રહ્યું છે. આ માહિતી પ્રોગ્રામ ઓફિસર, આઇ.સી.ડી.એસ, મહિલા અને બાળ વિકાસ વિભાગની અખબારી યાદીમાં આપવામાં આવી છે.