ગુજરાતમાં બોર્ડની પરીક્ષા પૂર્ણ થઈ ગયા બાદ ધોરણ 10 અને 12ના રિઝલ્ટની રાહ જોવાઈ રહી છે. પરંતુ, અખિલેશ યાદવ અને કેજરીવાલે વર્ષ 2023ના સમાચારના એક કટિંગ સાથે ગુજરાતના નબળા શિક્ષણને લઈ સવાલ ઉઠાવતા રાજનીતિ ગરમાઈ છે. ગુજરાતમાં 157 શાળામાં ધોરણ 10નો એકપણ વિદ્યાર્થી પાસ ન થ હોવાની વિગત સાથે અખિલેશ યાદવે ટ્વિટ કર્યા બાદ કેજરીવાલે પણ તેને રિટ્વિટ કરી સવાલો ઉઠાવ્યા છે. ત્યારે ગુજરાતના શિક્ષણ રાજ્યમંત્રી પ્રફૂલ પાનસેરિયાએ બંને નેતાઓને જવાબ આપતા કહ્યું હતું કે, ગુજરાતમાં હજી બોર્ડની પરીક્ષાના પરિણામ જ નથી આવ્યા. ત્યારે આ બંને નેતાઓ ભ્રામક વાતો ફેલાવી ગંદી રાજનીતિ કરી રહ્યા છે. તેઓ જ્યારે શાસનમાં હતા ત્યારે તેમના રાજ્યમાં શિક્ષણની શું સ્થિતિ હતી તેનું ચિંતન કરવું જોઈએ. વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે રાજકીય રોટલા શેકવાનો પ્રયાસ
આ બાબતે રાજ્યના શિક્ષણમંત્રી પ્રફુલ પાનસેરિયાએ આકરી પ્રતિક્રિયા આપતાં જણાવ્યું કે, વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે રાજકીય રોટલા શેકવાની કોશિશ અત્યંત નિંદનીય છે. ગુજરાત અને દેશની જનતા જાગૃત છે અને આવી ખોટી વાતોને સ્વીકારી લેતી નથી, માટે જ આવા નકલી નેતાઓને જાગૃત મતદારો દ્વારા સમગ્ર દેશમાં જાકારો મળ્યો છે. રાજ્યમાં શિક્ષણક્ષેત્રે સીસ્ટેમેટિક સુધારાઓ લાવ્યા
મંત્રી પ્રફુલ પાનસેરિયાએ જણાવ્યું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીનાં નેતૃત્વ હેઠળ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દૃઢ નેતૃત્વમાં રાજ્યમાં શિક્ષણક્ષેત્રે સીસ્ટેમેટિક સુધારાઓ લાવ્યા છે, જેનાથી વિદ્યાર્થીઓને ગુણવત્તાસભર શિક્ષણ, ટેકનોલોજી આધારિત શીખવાની સુવિધાઓ અને પાયાનું માળખાગત મજબુતીકરણ મળ્યું છે. બાળકોના ભાવિ સાથે રમત રમવી ઘાતક છે
તેમણે સ્પષ્ટ રીતે ઉમેર્યું કે, શિક્ષણ એ રાજકારણથી ઉપર છે. ગુજરાતના વિદ્યાર્થી મેરિટ અને મહેનતથી આગળ વધી રહ્યા છે. દેશમાં પોતાના રાજકીય એજન્ડાને આગળ ધપાવા માટે કેટલાક “પહેરાધારી ઈમાનદાર” એન્ટી સોશિયલ અને રાષ્ટ્ર વિરોધી નેતાઓ નકલી પરિણામો સોશિયલ મીડિયા પર શેર કરીને બાળકોના ભવિષ્ય સાથે ખિલવાડ કરી રહ્યા છે. બાળકોના ભાવિ સાથે ખોટી માહિતી દ્વારા રમત રમવી ઘાતક છે. વાસ્તવિક બોર્ડ પરિણામો યોગ્ય સમયે જાહેર કરવામાં આવશે
ગુજરાત સરકારના શિક્ષણમંત્રીએ સ્પષ્ટપણે જણાવ્યું કે, શિક્ષણ બોર્ડ પોતાનું કાર્ય સંપૂર્ણ પારદર્શકતા અને જવાબદારી સાથે કરે છે. વાસ્તવિક બોર્ડ પરિણામો યોગ્ય સમયે બોર્ડની અધિકૃત વેબસાઇટ અને અધિકારીક માધ્યમો દ્વારા જાહેર કરવામાં આવશે. અમે દરેક વિદ્યાર્થી, પેરેન્ટ અને શિક્ષક સમાજને વિનંતી કરીએ છીએ કે ખોટા સમાચારથી સતર્ક રહે અને માત્ર અધિકૃત સૂત્રો પર જ વિશ્વાસ રાખે. 157 શાળાનું 0 ટકા પરિણામની હકીકત શું છે?
ગુજરાતમાં 157 શાળાઓમાં ધોરણ 10નું 0 ટકા પરિણામ આવ્યું હોવાના દાવા સાથે અખિલેશ યાદવે ટ્વિટ કર્યું છે તે અંગે તપાસ કરતા આ રિઝલ્ટ 2025નું નહીં પણ 2023ના વર્ષનું છે. 2025નું રિઝલ્ટ તો હજી આવ્યું જ નથી. અખિલેશ યાદવે જે ન્યૂઝનું કટિંગ શેર કર્યું છે તે સમાચાર પણ વર્ષ 2023ના જ છે. પરંતુ, ટ્વિટમાં 2023નો ઉલ્લેખ કર્યા વગર જ ટ્વિટ કરી દેતા હાલ રાજનીતિ ગરમાઈ છે. SP અને AAP બાદ શિક્ષણ મુદ્દે કોંગ્રેસનો પ્રહાર
સમાજવાદી પાર્ટી અને આમ આદમી પાર્ટીએ ગુજરાતની શિક્ષણ વ્યવસ્થાને લઈ સવાલ ઉઠાવ્યા બાદ કોંગ્રેસે પણ ગુજરાતમાં શિક્ષણ વ્યવસ્થાને લઈ સરકારને ઘેરવાનો પ્રયાસ કર્યો છે. ગુજરાત કોંગ્રેસ પ્રવક્તા મનીષ દોશીએ કહ્યું હતું કે, સરકારના ગુણોત્સવમાં જ ચોંકાવનારો રિપોર્ટ સામે આવ્યો છે. જેમાં તેમણે જણાવ્યું હતું કે, ગુજરાતની શાળાઓમાં 40,000 શિક્ષકોની ઘટ છે. 38,000 ક્લાસરૂમની સોર્ટેજ છે. જ્યારે 14,562 શાળામાં મલ્ટી સ્ટાન્ડર્ડ સાથે એક વર્ગખંડ ચલાવે છે. 1600થી વધારે સ્કૂલોમાં માત્ર એક ટીચર જ છે. શિક્ષણ વિભાગ ભાજપના ભ્રષ્ટાચારનું એપી સેન્ટર છે. શિક્ષક વગરની શાળા અને શાળા વગરનું ગામ એ ગુજરાત ભાજપનું મોડલ છે.