સુરતના સચિન વિસ્તારમાં યોજાયેલા બિહાર દિવસના વિશિષ્ટ કાર્યક્રમમાં કેન્દ્રીય કેબિનેટ જળશક્તિ મંત્રી અને ગુજરાત ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલએ બિહાર વિધાનસભા ચૂંટણીના સંદર્ભમાં રાજકીય નિવેદન આપ્યાં હતાં. આ કાર્યક્રમમાં કેન્દ્રીય રાજ્ય ગૃહપ્રધાન નિત્યાનંદ રાય પણ હાજર રહ્યા હતા. અહીં પાટીલે જણાવ્યું હતું કે, બિહારમાંથી નક્સલવાદનો ખાતમો થયો છે. જાતિ-પાતિમાં રહીશું તો બિહાર બીમાર જ રહેશે. હું બિહારની છઠપૂજામાં પણ સામેલ થઇશ અને ચૂંટણીના વિજયમાં પણ જોડાઈશ. છઠપૂજા માટે સુરતથી સ્પેશિયલ ટ્રેન દોડાવવામાં આવશે. બિહારમાંથી નક્સલવાદનો ખાતમો થયોઃ સી.આર. પાટીલ
વધુમાં સી.આર. પાટીલ ઉમેર્યું કે, ગુજરાતના વિકાસમાં બિહારના લોકોનું મોટું યોગદાન છે. આજે બિહાર તમારાથી આશા લગાવીને બેઠું છે. બિહારમાંથી નક્સલવાદનો ખાતમો થયો છે. પ્રધાનમંત્રી મોદીએ લાખો-કરોડો રૂપિયા આપી વિકાસનાં કામોની શરૂઆત કરાવી છે. બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારની આગેવાનીમાં બિહારનો વિકાસ થઈ રહ્યો છે. જે બીમાર બિહાર હતું તે હવે રહ્યું નથી. બિહારની અંદર હજી ડેવલપમેન્ટની આવશ્યકતા છે. હજી વધુ કામ કરવાની આવશક્યતા છે. મા ગંગા પર પાણીનો પ્રબંધ હોવો જોઈતો હતો, તે કોંગ્રેસીઓએ થવા ન દીધું. જેના કારણે બિહારના લોકોએ બિહાર છોડી ગુજરાત આવવાની પણ ફરજ પડી છે. પાણીની વ્યવસ્થા કરવામાં આવી હોત તો ત્યાં જમીન ખૂબ જ સારી છે. મા ગંગાનું ત્યાં પાણી છે અને બિહારવાસીઓએ અહીં આવવાની ફરજ ન પડતી. ‘બિહારના લોકોએ વિકસિત ભારતમાં પોતાનો અધિકાર માંગવાનો હક છે’
પીએમ મોદીએ બિહારમાં 12,000 કરોડનો ડેમનો પ્રોજેક્ટ મંજૂર કર્યો છે. જે પ્રોજેક્ટને મારા મંત્રાલય દ્વારા ખૂબ જ ઝડપથી આગળ વધારવામાં આવી રહ્યો છે. વિકસિત ભારતની મૂવમેન્ટ ઝડપભેર વધવાની છે. જે લોકો અહીં આવી ગયા છે, તે લોકોએ અહીંયાં જ રહેવાનું છે. જે લોકો બિહારમાં વસે છે તે લોકોએ પણ વિકસિત ભારતમાં પોતાનો અધિકાર માંગવાનો હક છે. આ નરેન્દ્ર મોદીનો અશ્વમેઘ રથ અને ઘોડો નીકળી પડ્યો છે. આ અશ્વમેઘ યજ્ઞ રથને રોકવાની તાકાત કોંગ્રેસ કે અન્ય લોકોમાં નથી. છઠપૂજા માટે નિત્યાનંદ રાયને ગુજરાત આવવા આમંત્રણ આપ્યું છે. ‘ચૂંટણીમાં ફરી ભૂલ ન થાય તે માટે ભાઈ-બહેનોને ટકોર કરવાની છે’
આગામી બિહારની ચૂંટણીને લઈ મોટું નિવેદન આપતાં તેઓએ કહ્યું હતું કે, બિહારમાં ચૂંટણી પણ છે. અમારા ભાઈ-બહેન બિહારમાં છે તેને પણ ટકોર કરવામાં આવી છે કે, આ વખતે ભૂલ ન થવી જોઈએ. ગુજરાતમાં છપ્પર ફાડીને 156 લાવ્યા, તે પ્રમાણે બિહારમાં પણ 200થી વધુ સીટો લાવવાની છે. ડબલ સેન્ચુરી કરવાની છે. બિહારમાં છઠપૂજાને લઈ સુરતથી સ્પેશિયલ ટ્રેન દોડાવવામાં આવશે. આ માટે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને અશ્વની વૈષ્ણવજીને રજૂઆત કરાશે. છઠપૂજામાં પણ સામેલ થઇશું અને વિજયમાં પણ જોડાશું. ‘હવે બિહારમાં 200+ લાવવાની છે’
સી.આર. પાટીલએ કોંગ્રેસ અને અન્ય પક્ષોને સીધી ચેલેન્જ આપતાં જણાવ્યું કે, ગુજરાતમાં ભાજપે છપ્પર ફાડી 156 સીટો જીતી, તે જ રીતે હવે બિહારમાં પણ 200થી વધુ સીટો જીતવાનું લક્ષ્ય છે. આ સાથે તેમણે વધુમાં જણાવ્યું કે, આ વખતે ભૂલ ન થવી જોઈએ. જેમ ગુજરાતમાં અમે સારાં પરિણામો માટે મહેનત કરી, એ જ રીતે બિહારમાં પણ આ વખતની ચૂંટણીમાં BJPનું શ્રેષ્ઠ પ્રદર્શન થશે. ‘બિહારનું વિકાસ મોડલ હવે ગુજરાત બનશે’
પાટીલએ આગળ જણાવ્યું, બિહારમાં વિકાસની જરૂરિયાત છે. ગુજરાત એ વિકસિત મોડલ છે. હવે બિહારમાં આ મોડલને અમલમાં લાવવાનો સમય આવી ગયો છે. તેમણે બિહારમાં હાલમાં સર્જાતા પ્રકલ્પો અને તેમાં થતી પ્રગતિ પર ભાર મૂકતા કહ્યું, બિહારમાં સરકારના મજબૂત હાથ અને નવી દિશાને લાવવાની જરૂર છે અને આપણે એ જ માટે લડીશું. ‘જાતિવાદને છોડો, વિકાસ તરફ આગળ વધો’
પાટીલએ બિહારમાં જૂના રાજકીય અભિગમની નિંદા કરતા જણાવ્યું કે, હવે સમય આવી ગયો છે કે બિહારમાંથી જાતિવાદ અને વર્ગવિવાદ દૂર કરીને માત્ર વિકાસના મંચ પર જોડાવું પડશે. તમે ત્યાં રહીને જે કોઈ રીતે વિકસિત થયેલા ગુજરાત મોડલને જોઈ શકો છો. હવે બિહારમાં પણ એ જ પ્રકારનો વિકાસ લાવવો જોઈએ. ‘પાણી, જમીન, મહેનત અને મન: બિહારના વિકાસ માટે આ છે મુખ્ય તત્ત્વો’
પાટીલએ બિહારમાં કુદરતી સંસાધનોનો યોગ્ય ઉપયોગ કરવાની વાત કરતા કહ્યું કે, બિહારમાં જમીન સારી છે, પાણી ઉપલબ્ધ છે અને ત્યાં લોકો પાસે મહેનત કરવાની તાકાત છે. આ બધું મળીને બિહારમાં વિકસિત દેશ અને રાજ્ય બનવાનું છે. ‘ડબલ એન્જિન સરકારથી બિહારનો વિકાસ થયો’
સી.આર. પાટીલએ પીએમ મોદીના નેતૃત્વ પર જોર આપતાં જણાવ્યું કે, બિહારમાં આ સમયના વિકાસમાં વિલંબ થયો છે, પણ હવે પીએમ મોદી અને અમિત શાહના નેતૃત્વમાં બિહારમાં ડબલ એન્જિન સરકાર દ્વારા ઊંચું વિકસિત પરિપ્રેક્ષ્ય લાવવું છે. પાટીલે ગુજરાતમાં વસતા બિહારવાસીઓને કહ્યું કે, તમારા પર વધુ જવાબદારી આવી છે. હવે તમારે ત્યાં જવાનું છે, બિહારમાં પોતાની જાતને એક વિકસિત શહેર તરીકે મેળવાવવાનો હક છે.