ઊંઝા શહેરમાં ભારતરત્ન ડૉ. બાબાસાહેબ આંબેડકરની 134મી જન્મજયંતિની ઉજવણીની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. આવતીકાલે 14 એપ્રિલ 2025ના રોજ ભવ્ય શોભાયાત્રા અને પુષ્પાંજલિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. આ પ્રસંગે આજે ભારતીય જનતા પાર્ટીના ઊંઝા શહેર અને તાલુકાના હોદ્દેદારોએ હાઈવે સ્થિત એપીએમસી સર્કલ પાસે આવેલી ડૉ. આંબેડકરની પ્રતિમાની સાફસફાઈ કરી હતી. ભારતના બંધારણના ઘડવૈયા એવા ડૉ. આંબેડકરની પ્રતિમાની સફાઈમાં શહેર ભાજપ પ્રમુખ સંજયભાઈ રાવળ સહિત અનેક હોદ્દેદારો જોડાયા હતા. જન્મજયંતિની ઉજવણી દરમિયાન શહેરમાં વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમો થકી ડૉ. આંબેડકરના જીવન અને કાર્યોને યાદ કરવામાં આવશે.