back to top
Homeગુજરાતનર્મદા પરિક્રમામાં નબળી વ્યવસ્થાથી ભક્તો હેરાન-પરેશાન:પરિક્રમાના 17મા દિવસે પાણી-ભોજન ખૂટ્યું, બોટમાં અવ્યવસ્થા;...

નર્મદા પરિક્રમામાં નબળી વ્યવસ્થાથી ભક્તો હેરાન-પરેશાન:પરિક્રમાના 17મા દિવસે પાણી-ભોજન ખૂટ્યું, બોટમાં અવ્યવસ્થા; શ્રદ્ધાળુએ કહ્યું- બીજીવાર નહીં આવું

નર્મદા ઉત્તરવાહિની પરિક્રમામાં ભક્તોની સંખ્યા વધતા વ્યવસ્થા ખોરવાઈ ગઈ છે. શનિ-રવિવારે ચાર લાખથી વધુ શ્રદ્ધાળુ ઉમટી પડ્યા હતા. પરંતુ, તંત્રની નબળી વ્યવસ્થાને કારણે અનેક મુશ્કેલીઓ સર્જાઈ છે. ભંડારામાં પાણી-ભોજન ખૂટી પડ્યું છે. રીંગણ ઘાટથી કીડીમકોડી ઘાટ પર બોટચાલકો વધુ પૈસાની લાલચમાં નિયમોનું ઉલ્લંઘન કરી રહ્યા છે. સ્થાનિક લોકો એક વ્યક્તિને મોટરસાયકલ પર પરિક્રમા સ્થળે મૂકવા માટે 200 રૂપિયા વસૂલી રહ્યા છે. ત્યારે આ પરિસ્થિતિથી કંટાળેલા શ્રદ્ધાળુઓએ કહ્યું કે, “પગે લાગું, બીજી વાર પરિક્રમા કરવા નહીં આવું.” ઉલ્લેખનીય છે કે, તંત્રની નિષ્ક્રિયતા અને અવ્યવસ્થાના કારણે ભક્તોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. આ પરિક્રમા 28 માર્ચથી શરૂ થઈ છે અને 27 એપ્રિલે પૂર્ણ થશે. જેનો આજે 17મો દિવસ છે. નર્મદા પરિક્રમામાં વ્યવસ્થાનો અભાવ
નર્મદા ઉત્તરવાહિની પરિક્રમા ગુજરાત પુરતી સિમિત ન રહેતા અન્ય રાજ્યના લોકો નર્મદા પરિક્રમા કરવા રામપુરા ખાતે મોટી સંખ્યામાં ઉમટી રહ્યા છે. એક મહિનો ચાલનારી આ પરિક્રમામાં લાખોની સંખ્યામાં ભાવિકભક્તો ઉમટી પડ્યા છે. મહારાષ્ટ્ર, રાજસ્થાન, તમિલનાડુ, પંજાબ અને મધ્યપ્રદેશ સહિતના રાજ્યોમાંથી મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ આવ્યા છે. તંત્ર દ્વારા કરાયેલી સગવડોનો ફિયાસ્કો
શનિ-રવિની ભીડના કારણે કલાકો સુધી લોકો અટવાયા હતા. તંત્ર દ્વારા કરાયેલી સગવડોનો ફિયાસ્કો જોવા મળ્યો હતો. કલાકો સુધી નાવડીમાં બેસવા માટે ઊભા રહેવું, ટ્રાફિકજામ, ખાવાપીવાની વસ્તુ નહીં, બેસવા માટે જગ્યા નહીં. જેવી ઘણી તકલીફો પરિક્રમાવાસીને પડી હતી. બોટમાં ઓવરલોડ પેસેન્જર બેસાડી નદી પાર કરાવી
રીંગણ ઘાટથી કીડીમકોડી ઘાટ સુધી બોટની વ્યવસ્થા કરવામાં આવી છે. નિયમ મુજબ એક બોટમાં 20થી વધુ મુસાફર ન બેસાડી શકાય સાથે જ લાઇફ જેકેટ ફરજિયાત છે, પરંતુ બોટચાલકો વધુ પૈસાની લાલચમાં નિયમોનું ઉલ્લંઘન કરી લોકોના જીવ જોખમ મુકતાં જોવા મળ્યા હતા. સ્થાનિક લોકોએ પરિસ્થિતિનો લાભ ઉઠાવ્યો છે. તેઓ એક વ્યક્તિને મોટરસાયકલ પર પરિક્રમા સ્થળે મૂકવા માટે 200 રૂપિયા વસૂલી રહ્યા છે. જો આવામાં કોઈ બનાવ બને તો જવાબદાર કોણ? તંત્ર 24 કલાક ખડે પગે છે તો શું આ દેખાતું નહીં હોય? જેવા સવાલો પરિક્રમાવાસીઓ પૂછી રહ્યા છે. પરિક્રમાવાસીઓએ પોતાનું પોતાનું દુઃખ ઠાલવ્યું
પરિક્રમાવાસી પારુલબેને જણાવ્યું હતું કે, સરકારે બીજું કાંઇ નહીં ખાલી બોટ વધારે મુકી હોત તો પણ સારું હતું કારણ કે, કેટલાય લોકો દૂર-દૂરથી આવીને અડધેથી પાછા ગયા. વાવડી ગામના સ્થાનિક પ્રવિણભાઇએ જણાવ્યું હતું કે, કાલ રાતથી વાવડીમાં ભક્તોની ભીડ જામી હતી. તેઓ ભુખ્યા-તરસ્યા હેરાન થઇ રહ્યા હતા. પણ, તંત્રએ આ બાબતે કંઇ ધ્યાન આપ્યું નથી. અમારા ગામના સ્થાનિક લોકો દ્વારા યાત્રિકોને નાસ્તો અને પાણીની વ્યવસ્થા કરી આપવામાં આવી હતી. પીવાનું પાણી, ખાવાનો સામાન, ભંડારામાં ભોજન ખૂટ્યા
ચાર લાખથી વધુ ભક્તો ઉમટી પડતા ભંડારામાં ખાવાનું ખૂટ્યું હતું. એટલું જ નહિ સ્થાનિક દુકાનોમાં પાણીની બોટલ અને ખાવાની વસ્તુઓ પણ ખલાસ થઈ ગઈ છે. તંત્ર દ્વારા મૂકવામાં આવેલા પાણીના જગ ખાલી જોવા મળ્યા છે. પરિક્રમાવાસી પ્રભાબેને જણાવ્યું હતું કે, તંત્રને કાંઇ દેખાતું જ નથી, દેખાતું હોત તો પબ્લીક હેરાન ન થાત.’ ‘રૂ.200 આપો તો પરિક્રમા સ્થળ પર મૂકી જઈએ’
પરિક્રમાવાસી અટવાયા હતા ત્યારે, સ્થાનિક લોકોએ આ પરિસ્થિતિનો લાભ ઉઠાવ્યો છે. તેઓએ જાણે પૈસા કમાવવાનો નવો જુગાડ શોધી લીધો હતો. પરિક્રવાસીની તકલીફનો ફાયદો ઉડાવતાં કેટલાક લોકો એક વ્યક્તિ મોટરસાયકલ પર પરિક્રમા સ્થળે મૂકવા માટે 200 રૂપિયા વસૂલી રહ્યા છે. પગે લાગીને કહ્યું કે, હવે અહીંયા ક્યારેય ન આવું
વડોદરાથી પરિક્રમા કરવા આવેલા શશી રાવતે જણાવ્યું હતું કે, અહીંયા કોઈ જ સગવડ નથી, પીવાનું પાણી પણ નથી, જગ બધા ખાલી છે. સાફ સફાઈ પણ નથી, બાથરૂમ પણ બહુ ગંદા છે. અમેઅહીં આવવા માટે મોટરસાઇકલવાળાને કહ્યું તો તેણે 200 રૂપિયા માંગ્યા. અમે પૈસા આપીને અહીંયા આવ્યા છીએ. તંત્ર દ્વારા કોઈ સગવડ નથી. અમે પ્રયાગરાજમાં મહાકુંભ ગયા હતા. ત્યાં લાખોની સંખ્યામાં લોકો આવે છે. પણ, તોય અમને ત્યાં આટલી તકલીફ પડી ન હતી. આ પરિક્રમા કરવામાં તો મને મારી નાની યાદ આવી ગઈ. આ માત્ર પૈસા ખાવા માટેનો મીની કુંભ છે. આ તો એવું થઈ ગયું “ધોબી કા કુત્તા ના ઘર કા, ના ઘાટ કા”. શશી રાવતે પગે લાગીને કહ્યું કે, હવે અહીંયા ક્યારેય ન આવું. તંત્ર દ્વારા લોકોને ગેરમાર્ગે દોરવામાં આવ્યા
અમદાવાદના પરિક્રમાવાસી મીનાબેન પટેલ જણાવ્યું હતું કે, કેટલાય લોકો અહીંયા આવ્યા છે, કેટલું ચાલ્યા ને અડધેથી પાછા ગયા. દૂર-દૂરથી આવ્યા, અડધું અંતર કપ્યું ને હવે તંત્ર કહે છે કે, આગળ નથી જવાનું, નાવડી નથી. હજારોની સંખ્યામાં લોકો પાછા ફર્યા છે. જે બ્રિજ બનાવ્યો છે ત્યાંથી પણ પાછા મોકલી રહ્યા છે. નંદી ઘાટ પર કોઈ જશો નહીં ત્યાં પાંચ કલાક વેટિંગ છે તેવું કહેવામાં આવ્યું છે. તંત્ર દ્વારા લોકોને ગેરમાર્ગે દોરવામાં આવ્યા છે. અહીંયા કોઈજ વ્યવસ્થા નથી. તંત્ર ખાલી બેનરો લગાવી પ્રસિદ્ધિ મેળવવા માંગે
પરિક્રમા કરવા આવેલા લોકો સાથે વાત કરતાં એમણે એમનું પોતાનું દુઃખ ઠાલવ્યું હતું. તેઓ જણાવી રહ્યા છે કે, અહીંયા હજારોની સંખ્યામાં લોકો પાછા ફર્યા છે. તંત્ર ખાલી માત્ર ને માત્ર પોસ્ટર અને બેનરો લગાવી પ્રસિદ્ધિ મેળવવા માંગે છે. બાકી અહીંયા કોઈ જ જાતની વ્યવસ્થા નથી. ચાલવામાં પણ ઉબડખાબડ રસ્તો છે. આટલી સંખ્યામાં લોકો આવશે એમ જાણવા છતાં તંત્ર દ્વારા કોઈ સચોટ વ્યવસ્થા કરાઇ નથી. ‘બહુ ખાટાં અનુભવ થયા, આવું જ રહશે તો શ્રદ્ધાળુ ઓછા આવશે’
વડોદરાથી પરિક્રમા આવેલા ગોપાલસિંહ જણાવ્યું હતું કે, પબ્લિક બહુ જ છે. બોટની વ્યવસ્થા ન હોવાના કારણે અમે પાછા ફરીએ છીએ. પરિક્રમા થઈ નથી, અમે અધુરી યાત્રા કરીને પાછા આવ્યા છીએ. તંત્રનું તંત્ર જાણે પણ, અમે અહીં ફસ્ટટાઇમ આવ્યા હતા અને આ લાસ્ટટાઇમ બનીને રહી જશે,અમે હવે ફરી ક્યારેય નહીં આવીએ. બહુ ખાટાં અનુભવ થયા છે. જો આવું જ રહશે તો આવતા વર્ષોમાં પરિક્રમા કરવા શ્રદ્ધાળુ ઓછા થઈ જશે. તંત્ર ગાજ્યું ખરું પણ વરસ્યું નહીં
ગુજરાતના મુખ્યમંત્રી આવ્યા હતા ત્યારે, એમણે સારું લગાડવા તંત્ર દ્વારા ખૂબ સારી વ્યવસ્થા કરવામાં આવી છે તેવું બતાવ્યું હતું. પણ, આ ચાર લાખ પબ્લિક આવતાં જ તંત્રની પોલ ખુલી ગઈ છે. આ તો એક કહેવત છે ને કે, ગાજ્યું પણ વરસ્યું નહીં, એવું થયું. તંત્ર પણ ગાજ્યું ખરું પણ વરસ્યું નહીં. વડોદરાથી આવેલા દિલિપભાઇ કહ્યું હતું કે, આગળ જવાતું નથી. અહીંથી ચાલતા તો ત્યાં જઇ ન શકીએ. તો હવે અમે પરિક્રમા કર્યાં વિના જ અહીંથી પાછા જઇએ છીએ. નર્મદા જિલ્લા કલેક્ટની શ્રદ્ધાળુઓને અપીલ
નર્મદા જિલ્લા કલેક્ટર એસ.કે. મોદી દ્વારા શ્રદ્ધાળુઓને અપીલ કરવામાં આવી છે કે, શનિ-રવિ તેમજ જાહેર રજામાં લોકોનો ઘસારો જોવા મળે છે. તેના પગલે ભક્તો શ્રદ્ધાળુઓને જાહેર રજા કરતા ચાલુ દિવસોમાં પરિક્રમા કરવા આવવું. ચાલુ દિવસો દરમિયાન આવો તો આપની સેવા અને સુવિધા સારી રીતે થઇ શકે અને આપની પરિક્રમા સુખદ, શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થાય. વહીવટી તંત્ર આપની સુવિધા માટે સજ્જ છે. રાત્રિ સમયે કે વહેલી સવારે યાત્રા કરો તો ગરમી તડકાનો કોઈ પ્રશ્ન ઉપસ્થિત પણ નહીં થાય તેમણે જણાવ્યું કે, સાથ-સહકારથી શાંતિપૂર્ણ રીતે યાત્રા કરો તેવી સૌ પરિક્રમાવાસીને અનુરોધ છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments