ચાણસ્મા તાલુકાના કારોડા ગામ નજીક ટ્રેલર અને બાઈક વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. આ અકસ્માતમાં બાઈક પર સવાર દંપતીનું ઘટના સ્થળે જ મોત નિપજ્યું છે. જ્યારે તેમની દીકરીનો ચમત્કારિક બચાવ થયો છે, પણ ગંભીરરીતે ઈજા પહોંચી છે. જેથી તેને હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવી છે.
બહુચરાજીથી પરત ફરતા પરિવારને અકસ્માત નડ્યો
પાટણમાં આવેલા ચાચરીયા મોટા મહોલ્લાની સામે રહેતા અને જ્વેલર્સની દુકાનમાં નોકરી કરતા અર્જુન મહેન્દ્રભાઈ મોદી તથા તેમની પત્ની ચંદનબેન મોદી અને માસુમ દોઢ વર્ષથી પુત્રી દેવાસી આજે રજા હોવાથી વહેલી સવારે બાઈક પર બહુચરાજી ખાતે દર્શનાર્થે ગયા હતા. જે બાદ બપોરે પરત પાટણ જઇ રહ્યા હતા, તે દરમિયાન ચાણસ્માના કારોડા ગામ નજીક સામેથી આવતા ટ્રેલર ચાલકે અગમ્ય કારણોસર કાબુ ગુમાવી દેતાં બાઈક સાથે ટક્કર થઈ હતી. આ અકસ્માતમાં ગંભીરઈજા પહોંચતા બાઈકમાં સવાર પતિ-પત્નીનું ઘટના સ્થળે જ મોત થયું છે. જ્યારે તેમની પુત્રીને ગંભીર ઈજા પહોંચી છે. જેથી તેને સારવાર માટે ખસેડાઇ હતી. ટ્રેલર બાળવની ઝાડીઓમાં ઘૂસી ગયું
આ અકસ્માતની ઘટનાની જાણ થતાં પોલીસ પણ દોડી આવી હતી. બીજી તરફ ટ્રેલર પણ બાળવની ઝાડીઓમાં ઘૂસી ગયું હતું. ટ્રેલરમાંથી ધુમાડાના ગોટા નિકળતા ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવી હતી. જેથી ફાયર વિભાગની ટીમે પાણીનો મારો ચલાવી સ્થિતિ કાબૂમાં લીધી હતી. જ્યારે અકસ્માત સર્જી ટ્રેલર ચાલક પોતાનું ટ્રેલર મુકી ફરાર થઈ ગયો હતો. પાટણમાં આવેલા ચાચરીયા ખાતે બન્નેની લાશને લાવવામાં આવી હતી. જ્યા બન્નેની અંતિમયાત્રા કાઢવામાં આવી હતી. પરિવારના બે સભ્યોનું મોત થતાં શોકનો માહોલ છવાયો હતો. પરિવારજનોએ હૈયાફાટ રૂદ્દન કર્યું હતું. અકસ્માતની જાણ થતાં મોટી સંખ્યામાં લોકો ઉમટ્યાં
અકસ્માતની જાણ થતાં જ પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઈ છે. આ ગમખ્વાર અકસ્માતની જાણ થતાં આસપાસના વિસ્તારમાંથી મોટી સંખ્યામાં લોકો ઘટના સ્થળે એકત્રિત થયા હતા. પોલીસે આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. માતા-પિતાના ઘડપણનો સહારો છીનવાયો
આ અકસ્માતમાં ભોગ બનેલા અર્જુનભાઈ જ્વેલર્સની દુકાન માં નોકરી કરતા હતા. તેમના માતા-પિતા હાલમાં વૃધ્ધાવસ્થામાં છે. પિતાને પેરાલીસીસની તકલીફ છે તો માતાને માનસિક બિમારી હોવાનું હાજર પરિવારજનોએ જણાવ્યું હતું. જેથી માતા-પિતાએ પણ વૃધ્ધાવસ્થામાં સેવા ચાકરી કરે તેવા પુત્ર અને પુત્રવધુને ગુમાવી દેતાં તેમના પર આભ ફાટ્યું છે.