4 એપ્રિલના રોજ બોલિવૂડના દિગ્ગજ એક્ટર-ડિરેક્ટર અને પ્રોડ્યુસર મનોજ કુમારનું અવસાન થયુ હતુ. આજે હરિયાણાના કુરુક્ષેત્રમાં, સ્વર્ગસ્થ એક્ટરની આત્માની શાંતિ માટે તેમનો પરિવાર સરસ્વતી તીર્થ પર પિંડદાન કરવા માટે આવ્યો હતો. પરિવારે પૂજારી પાસેથી તેમની વંશાવળી પણ જાણી હતી. બપોરે લગભગ 12:30 વાગ્યે, મનોજ કુમારના દીકરાઓ કુણાલ અને વિશાલ સરસ્વતી તીર્થ પહોંચ્યા હતા. અહીં તેમણે પિતાનું પિંડદાન કર્યું અને આત્માની શાંતિ માટે પૂજા કરી. આ પછી તે ભગવાન કાર્તિકેયના મંદિરે પહોંચ્યા, જ્યાં તેમણે ભક્તિભાવથી કાર્તિકેય ભગવાનને તેલ ચઢાવ્યું. તેમણે પૃથ્વેશ્વર મહાદેવ મંદિરની પણ મુલાકાત લીધી. હરિદ્વારમાં અસ્થિ-વિસર્જન કર્યુ
મનોજ કુમારના પુત્ર કુણાલે જણાવ્યું કે- પ્રાચીન સમયથી પેહોવા આવવાની પરંપરા છે. તેમણે હરિદ્વારમાં તેમના પિતા મનોજ કુમારની અસ્થિઓનું વિસર્જન કર્યું. આજે તેઓ પોતાની આધ્યાત્મિક શાંતિ માટે પેહોવામાં સરસ્વતી તીર્થ આવ્યા હતા. અહીં તેમણે પૂજા કરી પછી તેમના માટે તર્પણ કર્યું. દીકરાઓમાં જોવા મળી સંસ્કારની ઝલક
લોકો કહેતા હતા કે મનોજ કુમાર માત્ર એક્ટિંગમાં જ નહીં, પરંતુ ભારતીય સંસ્કૃતિ અને દેશભક્તિ પ્રત્યે પણ ગાઢ રીતે જોડાયેલા હતા. તેમના પુત્રો કુણાલ અને વિશાલમાં પણ આ જ સંસ્કારની ઝલક જોવા મળી. તેમણે પૂર્ણ ભક્તિ અને પરંપરા સાથે પૂજા કરી. સરસ્વતી તીર્થના મંદિરોની પણ મુલાકાત લીધી.