4 એપ્રિલના રોજ બોલિવૂડના દિગ્ગજ એક્ટર-ડિરેક્ટર અને પ્રોડ્યુસર મનોજ કુમારે દુનિયાને અલવિદા કહ્યું. 87 વર્ષની વયે તેમણે મુંબઈની કોકિલાબેન ધીરુભાઈ અંબાણી હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા હતા. તેમના કઝીન ભાઈ મનીષ ગોસ્વામીએ તાજેતરમાં એક ઇન્ટરવ્યૂ દરમિયાન ફિલ્મ ‘ક્રાંતિ’ સાથે જોડાયેલી એક વાત શેર કરી હતી. તેમણે જણાવ્યું કે- પરવીન બાબીએ ફિલ્મના એક શોટ માટે 66 રીટેક આપ્યા હતા. ફિલ્મનું શૂટિંગ રાત્રે 2 વાગ્યા સુધી ચાલ્યું, છતાં મનોજ કુમાર ગુસ્સે થયા નહીં અને શૂટિંગ ચાલુ રાખ્યું. મનીષ ગોસ્વામીએ વિક્કી લાલવાણીને આપેલા ઇન્ટરવ્યૂમાં મનોજ કુમારના પરફેક્શનિસ્ટ હોવા વિશે વાત કરી હતી. મનીષ ગોસ્વામીએ કહ્યું- મનોજ કુમારે ક્યારેય કોઈ પણ બાબતમાં સમાધાન કર્યું નથી. જો કોઈ સીન માટે 30-40 કે 50 રીટેકની જરૂર પડે તો પણ તે તેના માટે તૈયાર રહેતા. મનીષ ગોસ્વામીએ ફિલ્મ ‘ક્રાંતિ’ સાથે જોડાયેલી એક ઘટના શેર કરી અને કહ્યું કે- પરવીન બાબીએ ફિલ્મના એક શોટ માટે 66 રીટેક આપ્યા હતા. મનીષે કહ્યું- અમે રાજસ્થાનના જોધપુરના એક મહેલમાં શૂટિંગ કરી રહ્યા હતા. ફિલ્મમાં એક શોટ હતો જેમાં પરવીન બાબીએ દિવાલ પર હાથ ઉંચો કરીને ‘ક્રાંતિ ઝિંદાબાદ’ કહેવાનું હતું, પરંતુ મનોજ કુમારને જે રીતનો શોટ જોઈતો હતો કોઈ કારણોસર તે કરી શકતી નહોતી. તેણે 66 રીટેક લીધા અને અંતિમ શોટ મોડી રાતે 2 વાગ્યે લેવામાં આવ્યો. આટલા બધા રીટેક થયા છતાં, ફિલ્મમાં ક્યારેય એવી કોઈ ક્ષણ નહોતા આવી જ્યારે મનોજ કુમાર ગુસ્સે થયા હોય. તે હંમેશા શાંત રહેતા હતા. મનોજ કુમારની ફિલ્મના સેટ પરના વાતાવરણની ચર્ચા કરતી વખતે મનીષ ગોસ્વામીએ કહ્યું – જો મનોજ કુમારે કપાળ પર રૂમાલ બાંધ્યો હોય, તો તેનો અર્થ એ થતો કે તેઓ પ્રેશરમાં છે. જ્યારે આવી સ્થિતી સર્જાય ત્યારે તેનો અર્થ એ હતો કે યુનિટમાંથી કોઈ વ્યક્તિ પેકએપ વિશે પૂછશે નહીં. અલબત્ત, મોટાભાગનું શૂટિંગ ટાઈમટેબલ મુજબ થતું હતું. મનીષ ગોસ્વામીએ એમ પણ કહ્યું કે મનોજ કુમાર ખૂબ જ સમયના પાબંદ હતા. તેમણે કહ્યું- મનોજ કુમાર સમયની બાબતમાં ખૂબ જ કડક હતા, પરંતુ તેઓ આ બાબતોને કેવી રીતે હેન્ડલ કરવી તે પણ જાણતા હતા. તેઓ સવારે 9 વાગ્યાની શિફ્ટમાં જે સમયસર આવતા તેમને સમયસર પાછા છોડી દેવામાં આવતા, પણ જો કોઈ સવારે 9 વાગ્યાની શિફ્ટ માટે બપોરે 12 વાગ્યે આવે, તો તેને તેવા સમયે જ જવાનું કહેવામાં આવતું.