મહેસાણા શહેરના કસ્બા વિસ્તારમાં આવેલા રોહિત નગર ખાતે આજે સવારે ગેસ લીકેજને કારણે આગ લાગવાની ઘટના બની હતી. સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાની થઈ નથી. રોહિત નગર પોલીસ લાઈન પાસે રહેતા ગિરીશભાઈ પરમારના ઘરે સવારે 7 વાગ્યાના સુમારે આ ઘટના બની હતી. તેમના પત્ની હંસાબેન પાણી ગરમ કરવા માટે ઊઠ્યા હતા. તે સમયે ગેસ લીકેજ થતાં આગ લાગી હતી. ગિરીશભાઈએ જણાવ્યા મુજબ, ઘટના સમયે પરિવારના ચાર સભ્યો ઘરમાં સૂતા હતા. આગ લાગતાં જ તમામ સભ્યો જાગી ગયા હતા. પરિવારે તાત્કાલિક ગેસ સિલિન્ડર આડો કરી તેના પર ભીના કપડાં અને ગોદડાં નાખ્યા હતા. ઘરની પાછળની બારી ખુલ્લી હોવાથી ગેસ બહાર નીકળી ગયો હતો. આગ કાબૂમાં ન આવતા મહેસાણા મહાનગરપાલિકાના ફાયર વિભાગને જાણ કરવામાં આવી હતી. ફાયર બ્રિગેડની ટીમ તરત જ ઘટનાસ્થળે પહોંચી હતી. ફાયર ટીમે સિલિન્ડરને ઘરની બહાર કાઢી આગ પર કાબૂ મેળવ્યો હતો.