પશ્ચિમ બંગાળના મુર્શિદાબાદમાં વક્ફ કાયદાના વિરોધમાં હિંસા થઈ રહી છે. હિંસામાં અત્યાર સુધીમાં 3 લોકોના મોત થયા છે, જ્યારે 15 પોલીસકર્મી ઘાયલ થયા છે. વિવેક અગ્નિહોત્રી છેલ્લા કેટલાક દિવસોથી મુર્શિદાબાદમાં તેમની આગામી ફિલ્મ ધ દિલ્હી ફાઇલ્સનું શૂટિંગ કરી રહ્યા હતા. જોકે, તેના કહેવા પ્રમાણે ત્યાં પરિસ્થિતિ એટલી બગડી ગઈ છે કે ફિલ્મનું શૂટિંગ કરવું અશક્ય છે. ઉપરાંત, ડિરેક્ટરે કહ્યું છે કે- તેને શૂટિંગ માટે સરકાર અને પોલીસ તરફથી કોઈ મદદ મળી રહી નથી. એક પોસ્ટમાં તેણે પશ્ચિમ બંગાળની તુલના કાશ્મીર સાથે પણ કરી છે. ડિરેક્ટર વિવેક અગ્નિહોત્રીએ તાજેતરમાં તેના ઑફિશિયલ X પ્લેટફોર્મ પર લખ્યું હતું કે, અમારી નવી ફિલ્મ ‘ધ દિલ્હી ફાઇલ્સ’નું શૂટિંગ મુર્શિદાબાદમાં થઈ રહ્યું છે. અને હવે અહીં શૂટિંગ કરવું અશક્ય છે. સરકાર કે પોલીસ અમને મદદ કરી રહી નથી, જાણે આ કોઈ બીજો દેશ હોય. અમારે ફિલ્મનું શૂટિંગ મુંબઈમાં કરવું પડશે અને ત્યાં જ તેનો સેટ ઉભો કરવો પડશે. વસ્તી વિષયક અસંતુલન એ વાસ્તવિક ખતરો છે. આગળની પોસ્ટમાં તેણે લખ્યું છે કે- શું બંગાળ નવું કાશ્મીર છે? જ્યારે અમે મુર્શિદાબાદમાં ‘ધ દિલ્હી ફાઇલ્સ’ની સ્ટોરી સેટ કરી હતી, ત્યારે મને લાગતું હતું કે વસ્તી વિષયક પરિવર્તન એક યા બીજા દિવસે હિંસા તરફ દોરી જશે, પરંતુ મને ખબર નહોતી કે તે આટલું જલ્દી થશે. ડિરેક્ટર વિવેક અગ્નિહોત્રીએ હિંસાનો એક વીડિયો શેર પણ કર્યો. રમખાણોના આ વીડિયો સાથે તેમણે લખ્યું છે કે, ‘ધ દિલ્હી ફાઇલ્સ: બંગાળ ચેપ્ટર’ ટૂંક સમયમાં આવી રહ્યું છે. ના, આ કોઈ ફિલ્મનો સીન નથી પણ રિયલ સીન છે. વક્ફ એક્ટ અમલમાં આવ્યા બાદ 10 એપ્રિલથી પશ્ચિમ બંગાળમાં હિંસા ચાલી રહી છે. શનિવારે પશ્ચિમ બંગાળના મુર્શિદાબાદ, ઉત્તર 24 પરગણા, હુગલી અને માલદા જિલ્લામાં વક્ફ કાયદા વિરુદ્ધ હિંસક વિરોધ પ્રદર્શનો થયા હતા. વાહનોને આગ ચાંપી દેવામાં આવી અને દુકાનો અને ઘરોમાં તોડફોડ અને લૂંટ ચલાવવામાં આવી હતી. અત્યાર સુધીમાં 3 લોકોના મોત થયા છે. 15 પોલીસકર્મીઓ ઘાયલ થયા છે. 150 લોકોની ધરપકડ કરવામાં આવી છે. કેન્દ્ર સરકારે પશ્ચિમ બંગાળના હિંસાગ્રસ્ત વિસ્તારોમાં 1600 સૈનિકો તૈનાત કર્યા છે. લગભગ 300 BSF સૈનિકો છે. કુલ 21 કંપનીઓ તૈનાત કરવામાં આવી છે. હિંસાગ્રસ્ત વિસ્તારોમાં ઇન્ટરનેટ પર પ્રતિબંધ છે. કલમ 144 પણ અમલમાં છે. વક્ફ કાયદાના વિરોધમાં રાજ્યમાં 10 એપ્રિલથી હિંસા ચાલી રહી છે. વિવેક અગ્નિહોત્રી વિશે વાત કરીએ તો, ‘ધ કાશ્મીર ફાઇલ્સ’ની સફળતા પછી, તે ‘ધ દિલ્હી ફાઇલ્સ’ લઈને આવી રહ્યા છે. આ ફિલ્મમાં અનુપમ ખેર, મિથુન ચક્રવર્તી, પલ્લવી જોષી, પુનીત ઈસાર સહિતના કલાકારો છે. આ ફિલ્મ 15 ઓગસ્ટ 2025ના રોજ રિલીઝ થવાની છે, જોકે જો શૂટિંગમાં વિક્ષેપ આવવાના કારણે તારીખમાં બદલાવ પણ થઈ શકે છે.