અમરેલી જિલ્લાના સાવરકુંડલા તાલુકાના વિજપડી ગામમાં એક વિચિત્ર અકસ્માત સર્જાયો છે. સતાધારથી મહુવા તરફ જતી અલ્ટિકા કારના ચાલકે સ્ટીયરિંગ પરનો કાબू ગુમાવતા આ અકસ્માત થયો હતો. પુલના ડિવાઈડર પર લગાવેલી લોખંડની જૂની મહાકાય ઈંગલ કારમાં આગળથી પાછળ સુધી આરપાર નીકળી ગઈ હતી. જોકે, સદનસીબે કારમાં સવાર પાંચેય લોકોનો આબાદ બચાવ થયો હતો. આ ઘટનાની જાણ થતાં આસપાસના લોકો અને વાહન ચાલકો ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. સ્થાનિક લોકોએ કારમાં ફસાયેલા તમામ મુસાફરોને સુરક્ષિત રીતે બહાર કાઢ્યા હતા. કોઈને પણ નાની-મોટી ઈજા થઈ ન હતી. જોકે, કારને ભારે નુકસાન થયું છે. આગળથી પાછળ સુધી લોખંડનો પોલ આરપાર નીકળી જવાથી કાર બંને બાજુથી ક્ષતિગ્રસ્ત થઈ ગઈ છે. આ અકસ્માતમાં કોઈ જાનહાનિ ન થતાં સ્થાનિકોએ રાહતનો શ્વાસ લીધો છે. અમરેલી જિલ્લામાં અવારનવાર નાના-મોટા અકસ્માતની ઘટનાઓ બનતી રહે છે, પરંતુ આ પ્રકારનો વિચિત્ર અકસ્માત પ્રથમ વખત જોવા મળ્યો છે.