સ્વચ્છતા ઝુંબેશ અંતર્ગત શહેરમાં સોસાયટી, બંગલો, પોળો સહિતના રહેઠાણ વિસ્તારો માટે ‘ગ્રીન સ્વચ્છ સોસાયટી લીગ’નું આયોજન કરાયું હતું. જેમાં 6100થી વધારે સોસાયટીઓ સ્પર્ધામાં જોડાઇ હતી. ભાસ્કર દ્વારા વિજેતા સોસાયટીઓની મુલાકાત લઇને તેઓએ ગ્રીન સોસાયટી માટે શું કામગીરી કરી, સોસાયટીના સભ્યોને કેવી રીતે જાગૃત કર્યા, કચરાને કેવી રીતે અલગ કર્યો આ ઉપરાંત પણ ઘણા પગલાં લઇને પોતાની સોસાયટી, બંગલો, પોળને સફાઇમાં નંબર બનાવવામાં આવી તેની માહિતી એકઠી કરી. સૂકો કચરો ડક્ટથી નીચે આવે છે જ્યારે ભીનો કચરો મશીનમાં ક્રશ થઈ આવે છે સાયન્સ સિટી વિસ્તારમાં આવેલા વેસ્ટ અર્બના ફ્લેટને 100થી ઓછા ફ્લેટની કેટેગેરીમાં પ્રથમ ક્રમ મળ્યો હતો. સોસાયટીના સભ્ય પ્રતિક વોરાએ કહ્યું કે, છેલ્લા બે વર્ષથી અમે સ્વચ્છતામાં પહેલો ક્રમ મેળવીએ છીએ. શરૂઆતમાં અમે તમામ સભ્યોને સમજાવીને સૂકો-ભીનો કચરો અલગ કરવા જણાવ્યું. સૂકો કચરો દરેક રહેવાસી ડક્ટની મારફત નીચે પહોંચાડે છે. જ્યારે ભીનો કચરો લોકો પોતાના ઘરમાં રહેલા ક્રશ મશીનમાં ક્રશ કરીને જ આપે છે. ભીનો કચરો ઘરે-ઘરે જઇને ઉઘરાવાય છે. દરેક ફ્લોર પર નાના છોડના કુંડા મુકાયા છે. જેની દેખરેખ આસપાસના ફ્લેટના લોકો કરે છે. કોઇપણ સભ્ય જાહેરમાં થૂંકતો નથી જેથી સ્વચ્છતા રહે છે. દર અઠવાડિયે એક દિવસ તમામ વાહનો હટાવી પોળ ધોવામાં આવે છે ખાડિયામાં આવેલી લક્ષ્મી નારાયણની પોળમાં સ્વચ્છતા જળવાય તે માટે દુકાનદારો અને તમામ રહીશો વચ્ચે ચર્ચા થઈ હતી. પોળના દરેક સભ્યોને કહેવાયું હતું કે, દરેક વ્યક્તિ જો પોતાનું આંગણુ સ્વચ્છ રાખશે તો પણ પોળમાં સ્વચ્છતા રાખી શકાશે. દર અઠવાડિયામાં એક દિવસે પોળના તમામ ખૂણામાંથી વાહનો હટાવી પોળને નિયમિત ધોવામાં આવે છે. મિટિંગ બાદ ભીના-સૂકા કચરા માટે અલગ-અલગ ડબ્બો રખાશે. પોળમાં જાહેરમાં કોઈ કચરો નાખે તો મહિલા, વડીલ, બાળકો તરત જે તે વ્યક્તિને ટકોર કરી કચરો નાખતા અટકાવે છે. 10 સભ્યોની ટીમ સ્વચ્છતાનું ધ્યાન રાખે છે, થૂંકવા બદલ દંડ કરાય છે ઈન્ડિયા કોલોની વોર્ડમાં આવેલી શક્તિધારા સોસાયટીમાં 8 વર્ષથી સ્વચ્છતા પ્રત્યે વધુ ધ્યાન અપાય છે. કમિટીના સભ્ય ભરતભાઈએ જણાવ્યું કે, સોસાયટીના 160 મકાનોના માલિકોએ ભેગા થઇ સ્વચ્છતા અંગે શું કરવું તેની જાણકારી અપાઈ હતી. 10 લોકોની ટીમ સફાઈને લઈને ચોક્કસ દેખરેખ રખાય છે. 3 વર્ષથી સૂકો-ભીનો કચરો પણ અલગ અલગ કરીને નાખી રહ્યા છે. સોસાયટીના રસ્તાઓ પર પાન મસાલા ખાઈને થુંકવા પર દંડ પણ વસૂલવામાં આવે છે. સૂકો-ભીનો કચરો કેવી રીતે અલગ પાડવો તેની તાલીમ અપાઈ હતી હાઇરાઇઝ બિલ્ડિંગની 100થી વધુ ઘરવાળા ફ્લેટની કેટેગરીમાં સરખેજની રોયલ ઓર્કિડ સોસાયટીને ઇનામ મળ્યું હતું. રોયલ ઓર્કિડના સેક્રેટરી ચૈતન્ય જોષીએ જણાવ્યું કે, અમે લોકો છેલ્લા એક વર્ષથી કોમ્પિટિશનની તૈયારી કરી રહ્યા હતા. સોસાયટીમાં કુલ 5 બ્લોક છે અને તેમાં 178 ફ્લેટ છે. સ્પર્ધા પહેલા મીટિંગ કરીને તમામ લોકોને સૌથી પહેલા સૂકા અને ભીના કચરો કેવી રીતે અલગ કરવા તે અંગેની તાલીમ અપાઈ હતી. વરસાદી પાણી જમા ન થાય તે માટે અમે ખાસ વ્યવસ્થા કરી હતી, જેથી મચ્છરજન્ય કોઇ રોગચાળો ન ફેલાય. સોસાયટીના દરેક બ્લોકમાં બે વખત ઝાડુ અને પોતુ મરાતું હતું. માત્ર સ્પર્ધા માટે નહીં પરંતુ હવે રોજ પ્રેક્ટિસ શરૂ કરી દીધી છે.