જીતેન્દ્ર સાધુ
રાજ્યનું એકમાત્ર એવું હારીજનું ગોવના ગામ છેે જ્યાં 20 વર્ષ પૂર્વે વડીલોએ સદંતર ઠંડા પીણા ઉપર પ્રતિબંધ મુકતા સમસ્ત ગામે સ્વીકારી નિયમનું પાલન કરતા ઠંડા પીણા જ વેચાતા નથી.1500 ની વસ્તી છતાં નાના બાળકથી લઈને વ્યોવૃદ્ધ ઠંડા પીણા પીતું નથી.ગામ ઠંડા પીણા મુક્ત બનતા બીમારીનું પણ પ્રમાણ ઘડ્યું છે. આ ઉપરાંત બહારના ફેરિયા પર પણ પ્રતિબંધ છે.
હારીજ તાલુકાના ગોવના ગામે વર્ષ 2004માં ગામના અગ્રણીઓની બેઠકમાં આ નિર્ણય લેવાયો હતો. ઠંડા પીણાંમાં સેકરીન અને કેમિકલ કલર જેવા તત્વો આરોગ્ય માટે હાનિકારક હોવાને કારણે ગામના તમામ દુકાનદારો અને ગ્રામજનોની સર્વસંમતિથી આ પ્રતિબંધ લાદવામાં આવ્યો હતો.છેલ્લા 20 વર્ષથી ઠંડા પીણાં, આઈસ્ક્રીમ, બરફગોળા, પેપ્સી, ગુલ્ફી જેવી વસ્તુઓના વેચાણ પર પ્રતિબંધ યથાવત છે. રહેગામના વડીલ અમરતભાઈ દેસાઈ અને બબાજી લક્ષમણજી જાડેજાએ જણાવ્યું હતું કે ઠંડા પીણા બાળકો માટે ખૂબ જ ઘાતક હોય બીમારી લાવે છે. તેમજ ગ્રામજનો પણ સ્વસ્થ રહે માટે અમે આ નિર્ણય કર્યો હતો.આ પ્રતિબંધના કારણે બાળકોમાં બીમારી ઓછી જોવા મળે છે. ઉનાળામાં ઠંડા પીણાંના ખર્ચામાં રૂપિયાનો ઘણો બચાવ થયો છે ગામના દુકાનદાર રમેશભાઈ ઠક્કરે જણાવ્યું કે ગામનાં સ્વાસ્થ્યના હિતમાં લીધેલા નિર્ણયને દુકાનદારો શિરોમાન્ય ગણીને પાલન કરીએ છીએ. બે પૈસા ઓછા કમાયીએ પરંતુ ગામના બાળકો અને ગ્રામજનો સ્વસ્થ રહે એ અમારા માટે વધુ કીમતી છે.