ડો. બાબા સાહેબ આંબેડકરે સંવિધાનની રચના કરી તેને 2010માં 60 વર્ષ પૂરાં થયાં હતાં. એ વખતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ સુરેન્દ્રનગરમાં સંવિધાન ગૌરવયાત્રા કાઢી હતી. સંવિધાનને હાથી પર અંબાડીમાં બિરાજમાન કરીને આ યાત્રા શહેરમાં ફરી હતી. એ પ્રસંગના બરાબર 15 વર્ષ પછી સાણંદ અને આસપાસના ગામોમાં સંવિધાનને હાથી પર બિરાજમાન કરીને ભવ્ય ‘સંવિધાન શોભાયાત્રા’ નીકળવાની છે. આ ‘ભીમોત્સવ’ કાર્યક્રમમાં સાણંદ તાલુકાના 68 ગામના હજારો લોકો જોડાવાના છે. 14 એપ્રિલથી સવારથી બપોર સુધી આ યાત્રા નીકળશે, બપોરે ભોજન સમારોહ યોજાશે અને રાત્રે ભીમ ગરબા થશે. આ કાર્યક્રમમાં ડો. બાબા સાહેબ આંબેડકરના પૌત્ર ભીમરાવ યશવંત આંબેડકર પણ ઉપસ્થિત રહેવાના છે. સાણંદમાં ‘ભીમોત્સવ’ને લઈને માહોલ કેવો છે? તૈયારીઓ કેવી છે? કેટલા લોકો તૈયારીમાં લાગી પડ્યા છે? આખા દિવસના કાર્યક્રમો શું રહેશે? એ તમામ વિગતો જાણવા ભાસ્કરની ટીમ સાણંદ પહોંચી. આજના ગ્રાઉન્ડ રિપોર્ટમાં એ જાણીશું કે સાણંદમાં ભીમોત્સવનો માહોલ કેવો છે અને શું શું તૈયારીઓ થઈ રહી છે? હોર્ડિંગ, બેનર, ટીશર્ટ, ટોપી… સાણંદમાં ભીમોત્સવનો અનેરો ઉત્સાહ
ભારતના પ્રથમ કાયદામંત્રી, વિશ્વ વિભૂતિ, ભારતીય બંધારણના ઘડવૈયા ડૉ.બાબાસાહેબ આંબેડકરજીની જન્મ જયંતી નિમિત્તે સાણંદમાં સવારે 8 વાગ્યે “ભીમોત્સવ” ઉજવણી શરુ થશે. ડો. બાબા સાહેબની જયંતીને લઈને સાણંદના લોકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. અહીં તમામ મુખ્ય બિલ્ડીંગ પર ‘જય ભીમ’ના ઝંડા લગાવવામાં આવ્યા છે. સાથે મોટા પોસ્ટર અને બેનરો પણ ઠેર ઠેર રસ્તે જોવા મળે છે. રસ્તા પર આવતા જતા બાબા સાહેબના ફોટાવાળી ટી-શર્ટ અને ટોપીનું વિતરણ થઈ રહ્યું છે. ડૉ.બાબા સાહેબ આંબેડકરજીની જન્મ જયંતીને લઈને લોકોમાં એવો ઉત્સાહ છે કે તમામ લોકો માત્ર 14 એપ્રિલની જ વાતો કરતા જોવા મળે છે. 14 એપ્રિલે ડૉ.બાબાસાહેબની જન્મ જયંતી પર સાણંદ તાલુકમાં “ભીમોત્સવ” ની ઐતિહાસિક ઉજવણી થવા જઈ રહી છે. જેમાં હજારો લોકો જોડાવવાના છે. લાઈવ ડીજે અને હાથીની અંબાડી પર સંવિધાન યાત્રા, રાત્રે કેક કટિંગ
“ભીમોત્સવ” ની ઉજવણીમાં હાથીની અંબાડી પર ડો.બાબાસાહેબ રચિત સંવિધાનની શોભાયાત્રા કાઢવામાં આવશે અને લાઈવ ડીજે સાથે મહારેલીનું આયોજન કરાયું છે. આ સિવાય બપોરે ભોજન અને રાત્રે મુક્તિધામ સામે જાદવ ફાર્મ ખાતે 2 લાખ વાર જગ્યામાં ભવ્ય ભીમ ગરબાનું ભવ્ય આયોજન કરાયું છે. સમગ્ર કાર્યક્રમની તૈયારી અને તેની રૂપરેખા જાણવા માટે માટે ભાસ્કરે આયોજક અને અહીંના સ્થાનિક રહેવાસી નિકુંજ વાણીયા સાથે વાતચીત કરી હતી. તેમણે જણાવ્યું કે, સાણંદના અલગ અલગ ગામોમાંથી 140 જેટલા સ્વંય સેવકો અને સાણંદ સિટીમાંથી 100 જેટલા સ્વયંસેવકો છેલ્લા 1 મહિનાથી પોતાનો કામ ધંધો છોડીને તૈયારીમાં લાગેલા છે. જેમનો ઉદ્દેશ ડો.બાબાસાહેબની વિચારધારા લોકોમાં લાવવાનો છે. 14 એપ્રિલે રાતના 12 વાગ્યે 15 થી 17 કિલોની કેક કાપવામાં આવશે. સાડા છ કિલોમીટર લાંબી રેલી, બે બગીમાં સજાવટ; લાઈવ સ્ટ્રીમિંગ
સમગ્ર કાર્યક્રમને તબક્કા વાર જાણીએ તો, ડો.બાબાસાહેબની જયંતી પર સવારે 8 વાગ્યાથી દરેક સમાજના અગ્રણીઓ આંબેડકર ચોક ખાતે બાબા સાહેબની પ્રતીમાને ફૂલહાર કરાશે. સવારે 9 વાગ્યાથી આંબેડકર ચોકથી ભવ્ય રેલી શરૂ થશે. જે સાડા છ કિલોમીટર લાંબી રેલી હશે. આ લાઈવ ડીજે સાથેની મહારેલી આંબેડકર ચોક (ST બસ સ્ટેન્ડ) થી શરુ થશે. ત્યાંથી એકલિંગજી રોડ ખાતે મહારાણા પ્રતાપની પ્રતીમા પાસે પહોંચશે. જ્યાં 10 મિનિટનો વિરામ આપવામાં આવશે. અહીં મહારેલીનું મહારાણા પ્રતાપસિંહ કમિટી સ્વાગત કરાશે અને ભીમોત્સવના આયોજકો મહારાણા પ્રતાપસિંહજીની પ્રતીમાને ફૂલહાર કરાશે. ત્યારબાદ રેલી આગળ વધશે જે ઋષી કોલોની, નળ સરોવર ત્રણ રસ્તા પરથી સોસાયટી વિસ્તાર થઈ હાઉસીંગ મેદાનમાં પહોચશે, ત્યારબાદ યશ પ્રકાશ સોસાયટી, હરિઓમ સોસાયટી, રશ્મિ આંગન, મંગલ મૂર્તિ સોસાયટી, ધનલક્ષ્મી સોસાયટી, કિલ્લોલ સોસાયટી થઈને અંતમાં આંબેડકર ચોક ખાતે ડો.બાબાસાહેબની પ્રતિમાએ રેલીની પુર્ણાહૂતિ થશે. બપોરે 12 વાગ્યે ડો. બાબા સાહેબના પૌત્ર ભીમરાવ યશવંતરાવ આંબેડકર મહારેલીમાં જોડાશે. મહારેલી અંદાજે 2 વાગ્યે પૂર્ણ થઈ શકે છે. મહારેલીમાં તમામ સમાજના લોકો જોડાશે. મહારેલીમાં 2 બગી હશે જેમાં પહેલી બગીમાં બાબા સાહેબનું સ્ટેચ્યુ અને ભગવાન બુદ્ધનું સ્ટેચ્યુ હશે જ્યારે બીજી બગીમાં ડો.બાબાસાહેબના પૌત્ર ભીમરાવ યશવંતરાવ આંબેડકર બેસશે. રેલી પૂર્ણ થયા બાદ શેઠ સી.કે.હાઈસ્કૂલમાં ભોજનની વ્યવસ્થા કરવામાં આવી છે. મહારેલીને લઈને રેલીના રૂટ પર મોટી સંખ્યામાં પોલીસ બંદોબસ્ત ગોઠવાયો છે. કાર્યક્રમ અને દિવસના અંતે રાત્રે 8 વાગ્યે જાદવ ફાર્મમાં ભવ્ય ભીમ ગરબાનું આયોજન કરાયું છે જે મોડી રાત સુધી ચાલશે. જેને લઈને તમામ તૈયારીઓ પૂર્ણ કરી દેવાઈ છે. સમગ્ર કાર્યક્રમમાં અંદાજે 20 થી 25 હજાર લોકોનો આવવાનો અંદાજ છે. મહારેલીનું લાઇવ પ્રસારણ યુ ટ્યુબ ચેનલ @BHIMUTSAVSANAND પર થશે. સંવિધાન યાત્રામાં બાબા સાહેબના પૌત્ર પણ જોડાશે આ સમગ્ર ઉજવણી સ્થાનિક લોકોના સાથ સહકારથી કરવામાં આવી રહી છે. સાણંદમાં રહેતા સ્થાનિક રહેવાસી ડો. જી.કે.ચૌહાણ સાથે વાતચીત કરતાં તેમણે જણાવ્યું કે, ડો.બાબાસાહેબની જન્મ જયંતી પર દર વર્ષે સાણંદમાં રેલી યોજાય છે, પરંતુ આ વખતે પહેલી વાર આવી ભવ્ય મહારેલીનું આયોજન કરાયું છે. આ વખતની રેલી એટલા માટે ખાસ છે કે આજની મહારેલીમાં હજારો લોકો જોડાવવાના છે. સાણંદના તમામ 68 ગામો પણ આ રેલીમાં જોડાશે. આ સિવાય હાથીની અંબાડી પર ડો.બાબા સાહેબ અને સંવિધાન બિરાજમાન કરાશે. ડો.બાબા સાહેબના પૌત્ર ભીમરાવ યશવંતરાવ આંબેડકર પણ આ મહારેલીમાં જોડાશે. જેઓ બપોરે બધાની સાથે ભોજન કરીને છુટા પડશે. સાથે રાત્રે ભવ્ય ગરબાનું પણ આયોજન કરાયું છે. ડો.બાબા સાહેબને લઈને સાણંદના લોકોમાં આગવી વિચારધારા છે. સાણંદમાં રહેતા લોકો ડો.બાબા સાહેબને પોતાના કૌટુંબિક માને છે. કાર્યક્રમનો હેતુ લોકોમાં સમરસતા જળવાઈ રહે, લોકોમાં જાગૃતતા આવે, લોકો બંધારણનું મૂલ્ય સમજે પોતાના અધિકારો સમજે તેના માટે છે. ડો.બાબાસાહેબની 134મી જન્મ જયંતી પર મહારેલીમાં હજારો લોકો જોડાવવાના છે. મહારેલીનું દરેક જગ્યાએ દરેક સમાજના લોકો ફૂલથી, નાસ્તા અને ઠંડા પીણા દ્વારા સ્વાગત કરવાના છે. 15 વર્ષ પહેલાં મોદીએ સુરેન્દ્રનગરમાં સંવિધાન ગૌરવ યાત્રા કાઢી હતી
ડો. બાબા સાહેબ આંબેડકરે સંવિધાનની રચના કરી તેને 2010માં 60 વર્ષ પૂરાં થયાં હતા. આ પ્રસંગે એ વખતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ સુરેન્દ્રનગરમાં હાથી પર અંબાડીમાં સંવિધાનને બિરાજમાન કરીને સંવિધાન ગૌરવ યાત્રા કાઢી હતી. એ સમયે તેમની સાથે નીતિન પટેલ, અશોક ભટ્ટ, જયનારાયણ વ્યાસ, પરસોત્તમ રૂપાલા, રમણ વોરા, આનંદીબેન પટેલ, ભાનુબેન બાબરિયા સહિતના નેતાઓ જોડાયા હતા. 2020માં નરેન્દ્ર મોદીએ એ યાત્રા વિશે ટ્વિટ પણ કર્યું હતું.
હું સ્વતંત્રતાથી બોલી શકું છું, એ જ બાબા સાહેબની દેન છે
ડો. બાબા સાહેબની વિચારધારા સાથે જોડાયેલા એડવોકેટ સંજય વાઘેલા ડો.બાબાસાહેબ વિશે વાત કરતાં જણાવે છે કે, ડો.બાબા સાહેબ ભીમરાવ આંબેડકરનું નામ સાંભળતા જ યુવાનોમાં એક અલગ જ જોશ આવી જાય છે. ડો.બાબા સાહેબની 134મી જન્મ જયંતી પર સાણંદમાં જે મહારેલીનો કાર્યક્રમ થઈ રહ્યો છે તે એક પ્રકારે રાજ્યકક્ષાનો કાર્યક્રમ છે. કારણ કે ડો. બાબાસાહેબની જયંતી પર આટલો વિશાળ કાર્યક્રમ રાજ્યમાં કોઈ જગ્યાએ નથી થઈ રહ્યો. જ્યારથી આ કાર્યક્રમ જાહેર કરાયો છે ત્યારથી યુવાનોમાં એક અલગ જ જોશ જોવા મળી રહ્યો છે. લોકો પોતાનો કામધંધો છોડીને આ વિશાળ મહારેલીને સફળ બનાવવામાં લાગેલા છે. ડો.બાબા સાહેબની જન્મ જયંતી પર દર વર્ષે સાણંદમાં રેલી યોજાય છે પરંતુ તે એક સિમિત રુટ સુધીની રેલી હોય છે. આ વખતે અહીંના યુવાનોની એવી માંગ હતી કે સમગ્ર તાલુકામાં આપણે મહારેલી કાઢીએ અને ડો.બાબા સાહેબના વિચારો સમગ્ર સાણંદ તાલુકાના લોકોમાં ફેલાય તેવી ભાવના સાથે આ વર્ષે મહારેલીનું આયોજન કરાયું છે. જેમાં રેલીના સમગ્ર રુટને ઝંડા, બેનરો અને રોશનીથી શણગાર કરાયો છે. ડો.બાબા સાહેબની જયંતીની ઉજવણી બધે થઈ રહી છે. સાણંદમાં આટલો મોટો રાજ્યકક્ષા જેવો કાર્યક્રમ કરવાનું કેમ નક્કી કર્યું? જવાબમાં સંજય વાઘેલાએ જણાવ્યું કે, હું તમારી સામે સ્વતંત્રતાથી બોલી શકું છું, વાતચીત કરી શકું છું તે જ ડો.બાબાસાહેબનું મહત્વ છે. નહીંતર એક સમય એવો હતો કે અમારા સમાજના કોઈપણ વ્યક્તિને બોલવાનો પણ અધિકાર નહોતો. તમે અમારો ઈન્ટરવ્યૂ લઈ રહ્યા છો, મારા ભાઈઓ મારી સાથે સારા કપડાં પહેરીને ઊભા છે. અમે થોડા ઘણા સમૃદ્ધ છીએ તે ફક્તને ફક્ત ડો.બાબસાહેબ આંબેડકરની દેન છે. જેને જીવનમાં ક્યારેય ભુલાય નહીં. 14 એપ્રિલ તો જન્મ જયંતી હોવાના કારણે તેમને યાદ કરવાનો એક ઔપચારિકતાનો દિવસ છે. બાકી, સવારે ઉઠીએ ત્યારથી અમારા પર તેમનું એહસાન ચાલુ થઈ જાય છે. ડો. બાબાસાહેબનો જન્મ થયો ત્યારથી તેમણે સંઘર્ષ કર્યો છે. તેમનું જીવન વાંચીને તેમનામાંથી પ્રેરણા લેવી જેવી છે. ડ્રોન સર્વેલન્સથી નજર, 1200 જવાનો અલગ અલગ રેલીમાં તહેનાત
સાણંદ તાલુકમાં “ભીમોત્સવ” ની ઐતિહાસિક ઉજવણીને લઈને પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવાયો છે. ભાસ્કરે અમદાવાદ ગ્રામ્યના SP ઓમ પ્રકાશ જાટ સાથે વાત કરી હતી. તેમણે જણાવ્યું કે, અમારી હદના 10 પોલીસ સ્ટેશનમાં 11 જેટલી નાની-મોટી રેલી નીકળવાની છે. જેના માટે અમે 500 જેટલા પોલીસકર્મી અને 700 જેટલા હોમગાર્ડ અને GRDના જવાન બંદોબસ્તમાં રહેશે. છેલ્લા 2-3 દિવસથી અમારું ફુટ પેટ્રોલિંગ ચાલું છે આ સિવાય અમે ડ્રોન કેમેરાથી પણ સતત સર્વેલન્સ કરી રહ્યા છીએ અને જરુર પડતાં અલગ અલગ વિસ્તારમાં ડ્રાઈવ પણ યોજી રહ્યા છીએ. “ભીમોત્સવ” કાર્યક્રમની વાત કરીએ તો સૌથી મોટી રેલી છે જેમા હજારો લોકોના આવવાની શક્યતા છે. આ કાર્યક્રમના આયોજકો સાથે અમારી મિટિંગ પણ થઈ છે. આ વખતની રેલી થોડી અલગ છે જેને સામાજિક સમરસતાનું પ્રતીક કહેવામાં આવશે. જેમાં તમામ જ્ઞાતિ-સમાજના લોકો ભાગ લેવાના છે. આ મહારેલીમાં અન્ય લોકોને ટ્રાફીકની કોઈ સમસ્યા ન થાય તેના માટે પણ બંદોબસ્ત કરવામાં આવ્યો છે. કોઈ સંજોગોમાં અનિચ્છનીય બનાવ બને અને તાત્કાલિક પોલીસ પહોંચી શકે તે માટે પોલીસ હેડ કર્વાટરમાં રિઝર્વ ફોર્સ સ્ટેન્ડ બાય રહેશે. તમામ SDPO ફોર્સ સાથે સ્ટ્રાઈકીંગ ફોર્સ હશે અને તમામ પોલીસ સ્ટેશન પર તમામ પોલીસના વાહનો હશે જેથી કોઈ બનાવ બને તો પોલીસ તાત્કાલિક પહોંચી શકે તે રીતે સમગ્ર પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.