રાજકોટનાં હાઈપ્રોફાઇલ એટલાન્ટિસ અગ્નિકાંડને એક મહિનો થવા છતાં જવાબદારો સામે કોઈ ફરિયાદ પણ નોંધવામાં આવી નથી. ગત તારીખ 14 માર્ચે એટલાન્ટિસ બિલ્ડિંગમાં આગ લાગી હતી. જેમાં ત્રણ નિર્દોષ લોકોએ જીવ ગુમાવ્યા હતા. આ ઘટનાને આજે 1 મહિનો પૂર્ણ થવા છતાં ફરિયાદ નહીં નોંધાઇ નથી. ત્યારે આજે સમગ્ર મામલે ACPએ જણાવ્યું કે, આવા આરોપોમાં કોઈ તથ્ય નથી અને FSL રિપોર્ટ આવ્યા બાદ આ અંગે ગુનો નોંધવામાં આવશે. આ તકે એટલાન્ટિસ એપાર્ટમેન્ટનાં બિલ્ડરનું નામ પણ પોલીસને યાદ નહીં હોવાનું સામે આવ્યું હતું. જેને લઈને પોલીસની કામગીરી સામે અનેક સવાલો ઉઠ્યા છે. ઉલ્લેખનીય છે કે, કોંગ્રેસ દ્વારા પોલીસ આ મામલે વગદાર બિલ્ડરોના ઘૂંટણિયે પડી ગઈ હોવાના આરોપ લગાવાઈ રહ્યા છે. બિલ્ડિંગમાં પ્રદેશ ભાજપના કોઈ નેતા ભાગીદાર હોવાનો આક્ષેપ પણ અગાઉ કોંગ્રેસ લગાવી ચૂક્યું છે. FSL રિપોર્ટ આવ્યા બાદ ગુનો નોંધશે- ACP બી.જે.ચૌધરી
એટલાન્ટિસ બિલ્ડિંગમાં આગ મામલે આજરોજ ACP બી.જે.ચૌધરીએ મીડિયા સમક્ષ ગોળગોળ જવાબો આપ્યા હતા અને જણાવ્યું હતું કે, FSLનો પૃથ્થકરણ રિપોર્ટ આવવાનો બાકી છે. બિલ્ડરે આ બિલ્ડીંગ ત્યાંના રહેવાસીઓને સોંપી દીધું હતું. સ્થાનિક રહેવાસીઓએ એસોસિએશન રજિસ્ટર કરાવેલું ન હોવાથી કોઈની જવાબદારી ફિક્સ થતી નથી. એસોસિએશનમાં માત્ર સંચાલન જ કરતા કોઈ ઠરાવ ઓન પેપર નથી. એટલું જ નહીં ફાયર સેફ્ટીના સાધનો ચાલુ હોવાનું અને દર વર્ષે ચેક કરવામાં આવતા હોવાનું પણ તેમણે જણાવ્યું હતું. જોકે RMCના ફાયર વિભાગે અગાઉ ફાયરનાં સાધનો બંધ હોવાનો રિપોર્ટ આપ્યો હતો. ત્યારે હાઇ પ્રોફાઈલ સોસાયટી હોવાને કારણે પોલીસની એક્શન લેવામાં ઢીલાશ હોવાનું જણાઇ રહ્યું છે. પોલીસને બિલ્ડરનું નામ પણ યાદ નથી
વધુમાં તેમણે જણાવ્યું હતું કે, બિલ્ડરો દ્વારા બિલ્ડીંગનો વહીવટ સ્થાનિકોને સોંપી દેવામાં આવ્યો છે. સ્થાનિકો દ્વારા કોઈ એસોસિએશન બનાવી હોદ્દેદારો નિમાયા નથી એટલું જ નહીં જે લોકો વહીવટ સંભાળતા હતા તેઓ પણ મૌખિક આગ્રહના કારણે કામ કરતા હતા. કોઈપણ હોદ્દેદાર હોવાના લેખિત પુરાવા નથી. ત્યારે આ બનાવમાં હજુ સુધી કોઈની જવાબદારી ફિક્સ થતી જ ન હોવાનું રટણ પોલીસે કર્યું હતું. આ તકે પત્રકારો દ્વારા બિલ્ડરનું નામ પૂછવામાં આવતા 1 મહિનો થવા છતાં પોલીસને બિલ્ડર કોણ તેનું નામ યાદ નહીં હોવાનું સામે આવ્યું હતું. જોકે એટલાન્ટિસ એપાર્ટમેન્ટનાં બિલ્ડર જીતુભાઈ બેલાણી હોવાનું અનેકવાર સામે આવી ચૂક્યું છે. આમ પોલીસનાં જવાબોથી આ મામલે પગલાં લેવામાં ઢીલી નીતિ અપનાવાઈ રહી હોવાનું સ્પષ્ટ જણાઈ રહ્યું છે. એટલાન્ટિસ એપાર્ટમેન્ટમાં આગ મામલે પોલીસની ઢીલાશ
ઉલ્લેખનીય છે કે, એટલાન્ટિસ અગ્નિકાંડને એક મહિનો પૂર્ણ થયો છે. આ બિલ્ડીંગમાં 14 માર્ચે લાગેલી આગમાં 3 નિર્દોષ વ્યક્તિએ જીવ ગુમાવ્યા હતા. જ્યાં સુધી આ મામલે પોલીસ ફરિયાદ ન નોંધાય ત્યાં સુધી પરિવારોને સરકારી વળતર પણ આપી શકાય તેમ નથી. આમ છતાં પોલીસ દ્વારા હજુ સુધી કોઈ સામે ગુનો દાખલ કરવામાં આવ્યો નથી. સામાન્ય રીતે FSL રિપોર્ટ દ્વારા આગનું કારણ જાણી શકાય છે. જે આવવાનો બાકી હોવાનું કહી પોલીસ ગુનો નોંધવાનું ટાળી રહી છે. ત્યારે આ ઘટનામાં જીવ ગુમાવનારા ત્રણેય નિર્દોષ લોકોના પરિવારને ક્યારે ન્યાય મળશે તે જોવું રહ્યું. પોલીસ ભાજપની મંજૂરી વગર કઈ કરતી નથી- કોંગ્રેસ નેતા વશરામ સાગઠીયા
એટલાન્ટિસ બિલ્ડિંગ અગ્નિકાંડનો મામલે કોંગ્રેસ નેતા વશરામ સાગઠીયાએ નિવેદન આપતા જણાવ્યું કે, પોલીસને ભાજપની મંજૂરી ન મળે ત્યાં સુધી કશું કરી શકતી નથી. ભાજપના નેતાની એટલાન્ટિસ બિલ્ડિંગમાં ઓફિસ પણ હતી. ત્રણ લોકોના મૃત્યુ થયા છતાં હજુ સુધી ફરિયાદ ન નોંધાય તે શરમજનક બાબત છે. પોલીસ કોઈ ખોટા માણસોને ફિટ ન કરી દે અને સાચા આરોપીઓ વિરુદ્ધ ફરિયાદ નોંધે તેવી રજૂઆત પોલીસ કમિશનરને કરવામાં આવી છે.