પ્રખ્યાત હોલિવૂડ સિંગર કેટી પેરી આજે સાંજે 7 વાગ્યે બ્લૂ ઓરિજિન રોકેટથી સ્પેસમાં જશે. આ મિશનમાં માત્ર મહિલાઓ જ હશે. આ મિશન બ્લૂ ઓરિજિનના ન્યૂ શેપર્ડ પ્રોગ્રામનો ભાગ છે, જેને NS-31 નામ આપવામાં આવ્યું છે. કેટી પેરી સાથે બ્લૂ ઓરિજિનના માલિક જેફ બેઝોસની ફિયાન્સી લોરેન સાંચેજ, પત્રકાર ગેઇલ કિંગ, નાસાના ભૂતપૂર્વ રોકેટ વૈજ્ઞાનિક આયેશા બોવે, બાયોએસ્ટ્રોનોમી સંશોધન વૈજ્ઞાનિક અને નાગરિક અધિકાર કાર્યકર્તા અમાન્ડા ન્ગ્યુએન, ફિલ્મ નિર્માતા કરીન ફ્લાયનનો સમાવેશ થાય છે. ભારતીય સમય પ્રમાણે આજે સાંજે 7 વાગ્યે સ્પેસક્રાફ્ટ ઉડાન ભરશે
બ્લૂ ઓરિજિનનું રોકેટ અમેરિકાના સ્થાનિક સમય પ્રમાણે સવારે 8.30(ભારતીય સમય પ્રમાણે સાંજના 7.00 વાગ્યે) વાગ્યે ટેક્સાસથી લોન્ચ થશે. છેલ્લાં 60 વર્ષમાં આવું પહેલીવાર બન્યું છે જ્યારે કોઈ પુરૂષ વિના સ્પેસ મિશન ઉડાન ભરશે. આ પહેલાં 1963માં રશિયન એન્જીનિયર વેલેન્ટિના તેરેશ્કોવાએ એકલાં જ અંતરિક્ષની યાત્રા કરી હતી. પેરી અને અન્યને લઈને ઉડાન ભરનારું બ્લૂ ઓરિજિનનું ન્યૂ શેપર્ડ રોકેટ પૃથ્વીથી 100કિમી (62 માઈલ)ની ઊંચાઈ સુધી પહોંચશે. તે અવકાશની કર્મન રેખાને પાર કરશે, જેને આંતરરાષ્ટ્રીય સ્તરે અંતરિક્ષની સીમા તરીકે માન્યતા પ્રાપ્ત થઈ છે. સ્પેસમાં આ મહિલાઓ લગભગ 4 મિનિટ સુધી ઝીરો ગ્રેવિટીમાં રહેશે. તે પછી કેપ્સ્યુલ ત્રણ પેરાશૂટની મદદથી પાછું ધરતી પર ઉતરશે. બેઝોસની ફિયાન્સી અને લેખિકા સાંચેજ આ મિશનને લીડ કરી રહી છે. કેટી પેરીએ વીડિયો શેર કર્યો કેટી પેરીએ ઇન્સ્ટાગ્રામ પર એક વીડિયો શેર કરીને દર્શકોને બ્લુ ઓરિજિનના ન્યૂ શેપર્ડ રોકેટનો વ્યૂ બતાવ્યો છે. તેણે કહ્યું કે હું તમને તે કેપ્સ્યુલ બતાવી રહી છું જેમાં અમને છેલ્લા કેટલાક દિવસોથી ટ્રેનિંગ લઈ રહ્યા છીએ. આ કેપ્સ્યુલ આજે તેની યાત્રા પર નીકળશે. આ દરમિયાન પેરીએ વાદળી સ્પેસ સૂટ પહેર્યો છે. આ દરમિયાન કેટી પેરીએ એક સીટ તરફ ઈશારો કરીને કહ્યું કે આ મારી સીટ છે. સીટ નંબર બે. હું આ સીટ પર બેસીને અવકાશમાં મુસાફરી કરીશ. કેપ્સ્યુલમાં તેની સીટ પર તેનું નામ, કેટી પેરી લખેલું છે. તે કહે છે કે મિશન દરમિયાન તેનું નામ ફેધર છે. સ્પેસમાં જઈને કેટી પેરી ગીત ગાશે વીડિયોમાં કેટી પેરી એક ગીત ગાય છે. અને કહે છે કે- હું અવકાશમાં ગીત ગાઈશ. આ પછી તે તેની સાથે અવકાશમાં જતી અન્ય મહિલાઓની સીટ પણ બતાવે છે અને કહે છે કે આ મારી અવકાશયાત્રી ગર્લફ્રેન્ડની સીટ છે. કેટી પેરીએ આગળ કહ્યું કે અમે પહેલીવાર અવકાશમાં જઈ રહ્યા છીએ. આ પહેલી વાર બની રહ્યું છે કે ફક્ત મહિલાઓનો ક્રૂ અવકાશમાં જઈ રહી છે. આ મારું સ્વપ્ન રહ્યું છે. મારું માનવું છે કે સપના જોવા અને તેમાં વિશ્વાસ કરવો એ સપનાને સાકાર કરવા જેવું છે. સ્પેસમાં સ્ટાઈલ લઈને જઈશું મિશન પહેલાં કેટી પેરીએ મજાકમાં કહ્યું, “જો હું મારા ગ્લેમરને અવકાશમાં લઈ જઈ શકું, તો હું લઈ જઈશ!” આ મિશનમાં ગ્લેમર સાથે સાથે એક મોટો ઉદેશ્ય પણ છે, યુવાનોને બતાવવાનો કે અવકાશ ફક્ત વૈજ્ઞાનિકો માટે નથી, પરંતુ દરેક સ્વપ્ન જોનાર માટે છે. મહિલાઓની આ ટીમને એકઠી કરવામાં સાંચેઝની મહત્ત્વપૂર્ણ ભૂમિકા આ મિશનની સૌથી ખાસ વાત એ હશે કે મિશન માટે જઈ રહેલા ન્યૂ શેપર્ડ અવકાશયાનમાં ફક્ત મહિલાઓ જ હશે. કેટી પેરીએ આ મિશન વિશે કહ્યું, ‘મને આશા છે કે મારી યાત્રા મારી પુત્રી અને અન્ય લોકોને તારાઓ સુધી પહોંચવા માટે પ્રેરણા આપશે.’ આ મિશનનું નેતૃત્વ જેફ બેઝોસની મંગેતર અને ભૂતપૂર્વ ન્યૂઝ રિપોર્ટર લોરેન સાંચેઝ કરશે. આ પ્રતિષ્ઠિત ટીમને એકત્ર કરવામાં સાંચેઝની મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે. આ મિશન કેમ ખાસ છે?
આ મિશનમાં ફક્ત એક જ નહીં પરંતુ ઘણી વિશેષતાઓ છે. આ ફક્ત મહિલાઓ માટેનું અવકાશ પ્રવાસન મિશન છે. અવકાશમાં ગ્લેમર અને વિજ્ઞાનનો સંગમ જોવા મળશે, જેમાં પોપ સ્ટાર કેટી પેરીથી લઈને નાસાના વૈજ્ઞાનિકો સુધીના બધા એક જ કેપ્સ્યુલમાં જોવા મળશે. આ મહિલાઓ પોતપોતાના ક્ષેત્રોના પ્રતિનિધિ તરીકે ગઈ છે. એક વર્ષ પહેલાં બેઝોસે 90 વર્ષની વૃદ્ધાને સ્પેસમાં મોકલ્યા હતા અમેરિકન કંપની બ્લુ ઓરિજિને ગયા વર્ષે અવકાશ યાત્રા માટે 6 લોકોને પસંદ કર્યા હતા, જેમાં 90 વર્ષની એક મહિલાનો પણ સમાવેશ થયો હતો. આ સમાચાર વધુ વાંચવા માટે અહીં ક્લિક કરો….