ગીર પંથકની વિશ્વવિખ્યાત કેસર કેરીની સીઝન શરૂ થઈ ગઈ છે. જૂનાગઢ માર્કેટિંગ યાર્ડમાં કેરીની રેકોર્ડ બ્રેક આવક નોંધાઈ છે. આજે એક દિવસમાં 4000 બોક્સ કેરીની આવક થઈ છે. જોકે, ગીર પંથકના મુખ્ય વિસ્તારો તાલાળા, સાસણ, મેંદરડા અને વંથલીમાં માત્ર 25 ટકા આવરણ જોવા મળ્યું છે. ગત વર્ષની સરખામણીએ પાકમાં નોંધપાત્ર ઘટાડો થયો છે. આ માટે ગ્લોબલ વોર્મિંગને જવાબદાર ગણવામાં આવી રહ્યું છે. ઈજારેદારોની સ્થિતિ વધુ કપરી બની છે. તેઓ પ્રતિ એકર કે પ્રતિ ઝાડના હિસાબે લાખો રૂપિયાનું ભાડું ચૂકવે છે. તાલાળાના ઈજારેદાર રમેશભાઈના જણાવ્યા મુજબ, બગીચાના ભાડાના અડધા પણ પૈસા આવકમાંથી વસૂલ થતા નથી. હાલ માર્કેટમાં 10 કિલોના કેરીના બોક્સનો ભાવ 800થી 1200 રૂપિયા સુધી છે. સીઝનની શરૂઆતમાં ભાવ 1500 રૂપિયા સુધી પહોંચ્યો હતો. આવક વધતાં ભાવમાં ઘટાડો નોંધાયો છે. જૂનાગઢ ફ્રુટ એન્ડ શાકભાજી માર્કેટ યાર્ડના પ્રમુખ અદ્રેમાનભાઈ પંજાના મતે, આવક વધી હોવા છતાં ભાવમાં કોઈ મોટો ઉછાળો નથી. ઓછા પાકની અસર લાંબા ગાળે આખા ઉદ્યોગ પર પડશે. ખેડૂતો અને ઈજારેદારોએ સરકાર સામે માંગ કરી છે કે મગફળી, ઘઉં કે રાયડાની જેમ કેસર કેરીના પાક માટે પણ સહાય આપવામાં આવે. ખાસ કરીને બગીચા ઈજારે લેનારા માટે અલગ પેકેજની માંગ કરવામાં આવી છે. જૂનાગઢ ફ્રુટ એન્ડ શાકભાજી માર્કેટ યાર્ડના પ્રમુખ અદ્રેમાનભાઈ પંજાએ જણાવ્યું હતું કે, આવક ભલે વધી હોય, પણ ભાવમાં કોઈ મોટો ઉછાળો નથી. સિઝનની વચ્ચે આવક વધી છે, પણ જો પાક ઓછો રહેશે તો લાંબા ગાળે તેની અસર આખા ઉદ્યોગ પર પડશે. ખેડૂતો અને ઇજારેદારો સરકાર પાસે સહાયની માંગ ઉઠાવી રહ્યા છે કે આ બગાડ સામે સરકાર નીતિ બનાવે. જે રીતે મગફળી, ઘઉં કે રાયડામાં નુકશાન થાય ત્યારે સહાય મળે છે, એ જ રીતે કેસર કેરીના પાક માટે પણ સહાય અપાઈ જોઈએ. ખાસ કરીને બગીચા ઇજારેથી લેતાં લોકો માટે અલગ પેકેજ તૈયાર કરવું જોઈએ.