બોટાદ જિલ્લા ભાજપમાં વિવાદનો મામલો સામે આવ્યો છે. ગઢડા તાલુકા ભાજપ-પ્રમુખ પ્રકાશ સાકળિયાએ RSSના નેતા સંજય જોષીને જન્મદિવસની શુભેચ્છા પાઠવતાં વિવાદ સર્જાયો હતો. એ બાદ તેમને જિલ્લા ભાજપ-પ્રમુખ દ્વારા રાજીનામું આપવાની સૂચના અપાઇ હતી, જોકે તેમણે રાજીનામું ન આપતાં પાર્ટીએ આજે નવા તાલુકા પ્રમુખ તરીકે દિલીપ ડાભીની નિમણૂક કરી છે. શું છે વિવાદ?
પ્રકાશભાઈએ 6 એપ્રિલના રોજ RSSના નેતા સંજય જોષીને જન્મદિવસની શુભેચ્છા પાઠવી હતી. એ બાદ જિલ્લા ભાજપ પ્રમુખ મયૂર પટેલે પ્રકાશભાઈને ટેલિફોનિક રીતે રાજીનામું આપવાની સૂચના આપી હતી, જોકે તેમણે રાજીનામું આપવાનો ઇનકાર કર્યો હતો. તેમનું કહેવું છે કે તેમણે કશુ ખોટું કાર્ય કર્યું નથી. તેમના વર્ષોથી સંજય જોષી સાથે સંબંધો છે. સંજય જોષીને જન્મદિવસની શુભેચ્છા પાઠવતાં હકાલપટ્ટી
જિલ્લા ભાજપ-પ્રમુખ મયૂર પટેલે આ અંગે જણાવ્યું હતું કે પ્રદેશ ભાજપની સૂચના અનુસાર તેમણે રાજીનામાની માગણી કરી હતી. આ મામલે બંને પક્ષ પોતાનાં વલણ પર અડગ રહ્યા હતા. આ વિવાદને કારણે બોટાદ જિલ્લા ભાજપમાં રાજકીય માહોલ ગરમાયો હતો. જોકે આજે નવા પ્રમુખની નિમણૂક બાદ આ વિવાદનો હાલપૂરતો અંત આવ્યો હોય એવું લાગી રહ્યું છે. આ નિમણૂક અગાઉના પ્રમુખ પ્રકાશ સાકળિયા દ્વારા ઊભી થયેલી વિવાદાસ્પદ સ્થિતિ બાદ કરવામાં આવી છે. કોણ છે નવનિયુક્ત પ્રમુખ દિલીપ ડાભી?
પાર્ટીએ કાપરડી ગામના દિલીપભાઈ ડુંગર ડાભીની તાલુકા પ્રમુખ તરીકે નિમણૂક કરી છે. દિલીપભાઈ વિદ્યાર્થી કાળથી જ ભાજપના સક્રિય કાર્યકર રહ્યા છે. તેમનાં પત્ની હાલમાં કાપરડી ગામના સરપંચ તરીકે સેવા આપી રહ્યાં છે. નવનિયુક્ત પ્રમુખ દિલીપભાઈ ડાભીએ પક્ષના મોવડીમંડળનો આભાર વ્યક્ત કર્યો છે. તેમણે જણાવ્યું હતું કે પક્ષે સોંપેલી જવાબદારી તેઓ નિષ્ઠાપૂર્વક નિભાવશે.