ગુજરાતના દરિયામાંથી અવારનવાર નશીલા પદાર્થ ઝડપાતા હોય છે. અરબી સમુદ્ર માર્ગે નશીલા પદાર્થનો કાળો કારોબાર કરનારા સુરક્ષા એજન્સીના સકંજામાં આવી જાય છે. વધુ એક વખત ડ્રગ્સનો જથ્થો ઝડપી લેવામાં ભારતીય કોસ્ટ ગાર્ડ (ICG) અને ગુજરાત એન્ટી ટેરરિસ્ટ સ્ક્વોડ(ATS)ને સફળતા મળી છે. પોરબંદરથી 190 કિલોમીટર દૂર દરિયામાં આ ઓપરેશન હાથ ધરાયું હતું. આ કાર્યવાહીમાં રૂ.1800 કરોડનો 300 કિલોગ્રામ નશીલો પદાર્થ જપ્ત કરાયો છે. કોસ્ટ ગાર્ડની શિપને જોઈને પાકિસ્તાની બોટના ચાલકો ડ્રગ્સને દરિયાના પાણીમાં ફેંકીને ભાગી ગયા હતા. એ બાદ કોસ્ટ ગાડે પાણીમાંથી ડ્રગ્સનો જથ્થો બહાર કાઢ્યો. આ ઓપરેશન 12-13 એપ્રિલે હાથ ધરાયું હતું. ડ્રગ્સ મોકલનારનું નામ અગાઉ પણ ATSની તપાસમાં ખૂલ્યું હોવાનું જાણવા મળ્યું છે. ડ્રગ્સ ગુજરાતથી તામિલનાડુ જવાની બાતમી મળી હતી
આ અંગે માહિતી આપતાં ગુજરાત ATSના DIG સુનીલ જોશીએ જણાવ્યું હતું કે ગુજરાત ATSને એક ખાનગી બાતમીદારથી માહિતી મળી હતી કે પાકિસ્તાનનો ફીદા નામનો ડ્રગમાફિયા 400 કિલો જેટલો ગેરકાયદે માદક પદાર્થ પાકિસ્તાની ફિશિંગ બોટમાં ભરી 12 એપ્રિલે સાંજે 8 વાગ્યાથી 13 એપ્રિલના સવારે 4 વાગ્યા દરમિયાન પોરબંદરના IMBL (International Maritime Boundary Line) નજીક ગુજરાતના દરિયાકાંઠે લાવવાનો છે, જ્યાંથી ચેનલ નંબર 48 પર પોતાની કોલ સાઇન ‘રમિઝ’ના નામથી તામિલનાડુની કોઈ બોટને ‘સાદિક’ના નામે બોલાવી તમામ ડ્રગ્સને તામિલનાડુ મોકલવાનો છે. પાકિસ્તાની બોટ IMBL ઓળંગી નાસી ગઈ
બાતમીના આધારે ATS અને ભારતીય કોસ્ટગાર્ડના ઉચ્ચ અધિકારીઓએ તરત જ ગંભીરતા લઈ ઓપરેશનની તૈયારી કરી ભારતની જળ સીમામાં બાતમીવાળી જગ્યાએ પહોંચી વોચમાં પહોંચી ગયા હતા. એ દરમિયાન IMBL (International Maritime Boundary Line) નજીક આ બાતમીવાળી બોટ દેખાતાં તેને કોસ્ટગાર્ડની શિપ દ્વારા પકડવા જતા હતા. ત્યારે બોટ પર રહેલા ઇસમોએ બ્લૂ રંગના ડ્રમ્સ દરિયામાં ફેંકી દીધા તથા ઝડપથી IMBL (International Maritime Boundary Line) તરફ આગળ વધવા લાગ્યા હતા. કોસ્ટગાર્ડે આ પાકિસ્તાની બોટનો પીછો કર્યો, પરંતુ આ પાકિસ્તાની બોટ IMBL ઓળંગી નાસી ગઇ હતી. જ્યારે દરિયામાં નાખેલાં તમામ ડ્રમ્સ રિક્વર કરવામાં આવ્યાં હતાં. 311 પેકેટમાં આશરે 311 કિલો માદક પદાર્થ મળ્યો
ATS અને કોસ્ટ ગાર્ડ દ્વારા રિકવર કરેલાં ડ્રમ્સની તપાસ કરતાં એમાં કુલ 311 પેકેટમાં આશરે 311 કિલો માદક પદાર્થ મળ્યો હતો, જેની અંદાજિત આંતરરાષ્ટ્રીય બજાર કિં.રૂ. 1800 કરોડ થાય છે, જે બાબતે ગુજરાત એ.ટી.એસ. ખાતે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ડ્રગ્સ મોકલનારનું નામ આગાઉ પણ ATSની તપાસમાં ખૂલ્યું હોવાનું જાણવા મળ્યું છે. 2018થી અત્યારસુધીમાં 5400 કિલો ડ્રગ્સ ઝડપાયું
ગુજરાત ATS દ્વારા વર્ષ 2018થી આજદિન સુધી દરિયાઇ માર્ગે ફિશિંગ બોટ મારફત ઘૂસણખોરી કરવામાં આવતાં માદક પદાર્થો બાબતે અલગ અલગ રેડ દરમિયાન દરિયાઇ માર્ગમાંથી 77 પાકિસ્તાની, 34 ઈરાન, 2 નાઈજીરિયન સહિત 5400 કિલો ડ્રગ્સ ઝડપાયું છે, જેની કિંમત 10 હજાર કરોડ જેટલી થાય છે. ગુજરાત ડ્રગ્સ દાણચોરીનું પ્રવેશદ્વાર બની ગયું છે
ગુજરાત અને મહારાષ્ટ્રના દરિયાઈ વિસ્તારો ડ્રગ્સની દાણચોરી માટેનો મુખ્ય માર્ગ બની ગયા છે. તાજેતરનાં વર્ષોમાં ICG અને ATSએ અનેક સંયુક્ત કામગીરીમાં મોટી માત્રામાં માદક દ્રવ્યો જપ્ત કર્યાં છે. ગયા વર્ષે એપ્રિલ 2024માં ICGએ પોરબંદર કિનારા નજીક એક પાકિસ્તાની બોટમાંથી 86 કિલો ડ્રગ્સ (600 કરોડ રૂપિયાની કિંમત) જપ્ત કર્યું હતું અને 14 પાકિસ્તાની ક્રૂ સભ્યની ધરપકડ કરી હતી. ફેબ્રુઆરી 2024માં ભારતીય નૌકાદળ અને NCBએ પોરબંદર નજીક 3300 કિલો ડ્રગ્સ (3089 કિલો હશીશ, 158 કિલો મેથામ્ફેટામાઇન અને 25 કિલો મોર્ફિન) જપ્ત કર્યું. તેમની કિંમત 1300થી 2000 કરોડ રૂપિયા હતી.