ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની ધોરણ 10 અને 12ની પરીક્ષા આ વર્ષે વહેલી પૂર્ણ થઈ છે. પરીક્ષા વહેલી પૂર્ણ થવાથી પરિણામ પણ વહેલાં આવવાની શક્યતા છે. શિક્ષણમંત્રી પ્રફુલ પાનસેરિયાએ જણાવ્યું હતું કે ગત વર્ષે પરિણામ વહેલાં જાહેર થયાં હતાં, આ વર્ષે પણ બોર્ડનો સ્ટાફ મહેનત કરી રહ્યો છે, તેથી પરિણામ વહેલાં જાહેર થઈ શકે છે. મેં મહિનાના પ્રથમ અઠવાડિયામાં ગુજરાત બોર્ડની ધોરણ 10 અને 12ની પરીક્ષાનાં પરિણામો જાહેર થાય એવી શક્યતા છે. આ ઉપરાંત બોર્ડનાં પરિણામ પર ટિપ્પણી કરનાર કેજરીવાલ. અને અખિલેશ યાદવ પર નિશાન સાધતાં કહ્યું હતું કે ભગવાન બન્નેને સદબુદ્ધિ આપે, બંને ગુજરાતને બદનામ કરવાનો પ્રયાસ કરી રહ્યા છે. વહેલી પરીક્ષા લેવાઈ હોઈ, પરિણામ પણ વહેલાં આવવાની શક્યતા
સામાન્ય રીતે બોર્ડની પરીક્ષા માર્ચ મહિનાના છેલ્લા અઠવાડિયા સુધી ચાલતી હોય છે, પરંતુ આ વર્ષે માર્ચના બીજા અઠવાડિયામાં બોર્ડની પરીક્ષા પૂર્ણ થઈ ગઈ હતી. પરીક્ષા વહેલી પૂર્ણ થવાથી પરિણામ પણ વહેલાં જાહેર થવાની શક્યતા છે. પરિણામ વહેલા જાહેર થાય તો ઉચ્ચ અભ્યાસમાં વિદ્યાર્થીઓએ જલદી પ્રવેશ મેળવી શકે. બોર્ડ દ્વારા આયોજનપૂર્વક જ પરીક્ષા વહેલી લેવામાં આવી હતી. બોર્ડનો સ્ટાફ મહેનત કરી રહ્યો છે, પરિણામ વહેલાં આવશેઃ પ્રફુલ પાનસેરિયા
શિક્ષણમંત્રી પ્રફુલ પાનસેરિયાએ જણાવ્યું હતું કે ગત વર્ષે બોર્ડના સ્ટાફ દ્વારા મહેનત કરીને ધાર્યા કરતાં વહેલાં પરિણામ આપવામાં આવ્યાં હતાં. આ વર્ષે પણ બોર્ડનો સ્ટાફ મહેનત કરી રહ્યો છે, જેથી વહેલાં પરિણામ આવશે. કેજરીવાલ-અખિલેશને ભગવાન સદબુદ્ધિ આપે- પાનસેરિયા
અરવિંદ કેજરીવાલ અને અખિલેશ યાદવ X પર ગુજરાતના બોર્ડનાં પરિણામને લઈને જે ટિપ્પણી કરી હતી એ મામલે પ્રફુલ પાનસેરિયાએ જણાવ્યું હતું કે ગુજરાતના હજારો શિક્ષકો દિવસ-રાત મહેનત કરે છે, જેના કારણે ગુજરાતનું પરિણામ સારું આવી રહ્યું છે. અખિલેશ યાદવ અને કેજરીવાલ ખોટું બોલીને પરિણામ અંગે વાહિયાત વાતો કરે છે. વિદ્યાર્થીઓનું માનસિક બળ તોડવાનું કામ કરવામાં આવી રહ્યું છે. ખોટી વાતોથી ગુજરાતની રાજકીય બદનામી કરવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે. આ ટિપ્પણીથી જ્ઞાન, ગુરુ અને વિદ્યાનું અપમાન થયું છે. ભગવાન બંનેને સદબુદ્ધિ આપે.