વડોદરા મહાનગરપાલિકાના ફાયર વિભાગ દ્વારા પ્રદર્શન મેદાન ખાતે અગ્નિશમન સેવા દિનની ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે માર્ચ પાસ્ટ યોજી શહીદોને શ્રદ્ધાંજલિ પાઠવવામાં આવી હતી. સાથે અત્યાધુનિક ફાયરના વાહનોનું ડેમોસ્ટ્રેશન નિહાળવા નગરજનો ઉમટી પડ્યા હતા. આ કાર્યક્રમમાં સૌથી ઊંચી ઇમારત પર પહોંચી વળવા માટે 81 મીટરની ઐરાવત વાહને પણ ભાગ લીધો હતો. વડોદરા ફાયર એન્ડ ઇમરજન્સી વિભાગ દ્વારા અહીંયા ડેમોસ્ટ્રેશન કરવામાં આવ્યા હતા, જેમાં એમોનિયા લીકેજ અને ટેન્ક ફાયરમાં આગ લગતા તેને કઈ રીતે કાબુમાં લેવી તેનું પ્રદર્શન કરવામાં આવ્યું હતું. આ પ્રદર્શનમાં પાણી સાથે ફોર્મનો મારો ચલાવી તેલના કૂવામાં લાગેલી આગને કઈ રીતે કાબુમાં મેળવી શકાય તેનું જીવંત ડેમોસ્ટ્રેશન યોજવામાં આવ્યું હતું. આ સાથે વડોદરા ફાયર એન્ડ ઇમરજન્સી સેવામાં વપરાતા સાધનોની પ્રદેશની યોજાઈ હતી. જેમાં વડોદરામાં 27 માળ સુધી આગ બુઝાવી શકાય એવા “ઐરાવત”નો વડોદરા ફાયર બ્રિગેડમાં સમાવેશ કરાયો છે. ત્યારે આજે આ વાહન પણ આ પ્રદર્શનમાં જોડાયું હતું. આ સાધન ગત વર્ષે 24 કરોડની કિંમતના ઐરાવતને ફિનલેન્ડથી ખરીદવા આવ્યું છે અને ઓપરેટિંગ કરવા માટે ફિનલેન્ડની ટીમ વડોદરામાં અધિકારીઓ અને લાશ્કરોને તાલીમ આપવા માટે આવી હતી. માર્ચ 2024માં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા વડોદરા કોર્પોરેશનને રૂપિયા 24 કરોડના ખર્ચે ફિનલેન્ડની કંપનીએ તૈયાર કરેલ 81 મીટરનું ફાયર ફાઈટરનું વાહન એનાયત કરવામાં આવ્યું હતું. અત્યંત મોંઘુ આ ફાયર ફાઈટરનું વાહન 81 મીટરની ઊંચાઈ સુધી આગ બુઝાવવાનું કામ કરી શકવા સક્ષમ છે. વડોદરા કોર્પોરેશને તેની લંબાઈને ધ્યાનમાં રાખીને આ વાહનનું નામ ઐરાવત રાખ્યું છે. આજે તેનું આ અત્યાધુનિક વાહન પ્રદર્શનમાં જોવા મળ્યું હતું.