ગીર સોમનાથ જિલ્લાના સુત્રાપાડા તાલુકાના મોરાસા ગામમાં એક દર્દનાક ઘટના સામે આવી છે. એક માનવભક્ષી દીપડાએ ત્રણ વર્ષની બાળકીને શિકાર બનાવી છે. ત્રણ વર્ષની બાળકી ઘરની બહાર હાથ ધોઇ રહી હતી ત્યારે માનવભક્ષી દીપડો તેને બોચીમાંથી ઝાલી ઉઠાવી ગયો હતો. જે બાદ આજે સવારે બાળકીનાં લોહીના ધબ્બાવાળાં કપડાં અને મૃતદેહના અવશેષો મળી આવ્યાં હતાં. આ ઘટનાને પગલે સમગ્ર પંથકમાં ભયનો માહોલ છે. ત્રણ વર્ષની કુંદના ઘરની બહાર હાથ ધોવા ગઈ હતી
મળતી માહિતી મુજબ, ઘટના ગઈકાલે રાત્રે સાડા નવ વાગ્યા આસપાસની છે. રમેશભાઈ પાલાભાઈ ચાવડાની ત્રણ વર્ષની દીકરી કુંદના ઘરની બહાર ફળિયામાં હાથ ધોવા ગઈ હતી. તે સમયે પરિવારના સભ્યો ઘરમાં જમી રહ્યા હતા. અચાનક જ દીપડો આવ્યો અને બાળકીને ઉઠાવીને લઈ ગયો. અચાનક દીપડો આવ્યો ને તેને બોચીમાંથી પકડી લઇ ગયો : પિતા
બાળકીના પિતા રમેશભાઈ ચાવડાએ જણાવ્યું હતું કે, હું કંપનીમાંથી રાત્રે 8:00 વાગે ઘરે આવ્યો. અમે જમવા બેઠા હતા અને લગભગ 8:30થી 9:00 વાગ્યાની આસપાસ આ બનાવ બન્યો. અમે ત્રણ જણા જમવા બેઠા હતા અને છોકરી બહાર હાથ ધોવા ગઇ હતી. ત્યાં તો અચાનક દીપડો આવ્યો અને તેને બોચીમાંથી પકડી લઇ ગયો. અમે તેને બચાવવા માટે દીપડા પાછળ દોડ્યા પણ હાથમાં કાંઈ આવ્યું નહીં. ‘આખી રાત શોધખોળ કર્યા બાદ સવારે તેની ડેડબોડી મળી’
પછી દૂર ગયા તો ત્યાં મારી છોકરીની ચોરણી મળી આવી, પછી થોડાક આગળ જઇને જોયું તો તેના લોહીનાં ટીંપાં મળ્યાં. જે બાદ અમે રાત્રે સાડા અગિયાર વાગ્યે વન વિભાગને જાણ કરી હતી. અમે આખી રાત શોધખોળ કર્યા બાદ આજે સવારે સાત વાગ્યે અમને તેની ડેડબોડી મળી હતી. વન વિભાગે દીપડાને પકડવા કાર્યવાહી શરૂ કરી
ખેતમજૂરી કરતા રમેશભાઈને બે દીકરી હતી, જેમાંથી એક દીકરીને દીપડાએ શિકાર બનાવી હતી. આજે વહેલી સવારે મોરાસા ગામના વોકળામાંથી બાળકીના અવશેષો મળી આવ્યા છે. વન વિભાગે માનવભક્ષી દીપડાને પકડવા માટે કાર્યવાહી શરૂ કરી છે. વિસ્તારમાં પાંચ પાંજરાં ગોઠવવામાં આવ્યાં છે. વન વિભાગ દ્વારા બાળકીના મૃતદેહના અવશેષોને પી.એમ અર્થે ખસેડી કાર્યવાહી હાથ ધરી છે.