રાજકોટ મહાનગરપાલિકા દ્વારા ‘ફાયર સર્વિસ ડે’ની ઉજવણી કરવામાં આવી હતી. જે અંતર્ગત આજરોજ કાલાવડ રોડ ફાયર સ્ટેશન ખાતે ફાયર સ્ટાફે બે મિનિટનું મૌન પાળી શહીદોને શ્રદ્ધાંજલી આપી હતી. ઉપરાંત રક્તદાન કેમ્પ યોજાયો હતો. 14મી એપ્રિલ 1944 ના રોજ ઇંગ્લેન્ડથી આવેલા અને મુંબઇના વિકટૉરીયા ડોકયાર્ડમાં લંગારેલા “એસ.એસ.ફોર્ટ સ્ટાઇકીન” નામના સ્ટીમરમા ભયંકર ધડાકા સાથે આગ લાગી હતી. આગ બુઝાવવાની કામગીરી દરમિયાન મુંબઇ ફાયર સર્વિસના 66 જવાનોએ લોક સલામતી કાજે પોતાના જાનની પરવાહ કર્યા વગર દેશની માલ મિલકતનું રક્ષણ કરવા પોતાની જાતનું બલિદાન આપ્યુ હતું, જેને ધ્યાનમાં રાખી ફાયર ડેની ઉજવણી કરવામાં આવે છે. બે મિનિટ મૌન પાળી શહિદ ફાયરકર્મીને શ્રદ્ધાંજલિ
પ્રાપ્ત વિગત મુજબ, 1944માં મુંબઈમાં શહિદ થયેલા ફાયર જવાનોની યાદમાં ભારત સરકારના ગૃહ મંત્રાલય તથા ફાયર એડવાઇઝરી કમિટી દ્વારા ભારતભરમાં આ દિવસને “ફાયર સર્વિસ ડે” તરીકે ઉજવણી કરવામાં આવે છે. જેમાં મુંબઇ ડોકયાર્ડની આગમાં વિસ્ફોટની વિનાશક ઘટનામા શહિદ થયેલ જવાનો ઉપરાંત દેશની તમામ ફાયર સર્વિસમા વર્ષ દરમિયાન પોતાની જાનની પરવાહ કર્યા વગર અન્યની જાન બચાવતા દેશના ફાયર જવાનોને પણ આ વિશે બે મિનિટ મૌન પાળી શ્રદ્ધાંજલિ આપવામાં આવે છે. ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસીઝ શાખા દ્વારા રકતદાન કેમ્પ
આ ઉપરાંત ફાયર સર્વિસ ડે નિમિતે લોકોને પણ આગ અકસ્માત વિશે વિશેષ જાણકારી આપવામાં આવે છે. તેમજ લોકો પણ સાવચેતી માટે પુરતા પ્રયત્ન કરે તે માટે કાર્યક્રમો તમામ ફાયર સર્વિસીઝ દ્વારા “લોક જાગૃતિ અને લોક શિક્ષણ”ના કાર્યક્રમો કરવામા આવે છે. જેના ભાગરૂપે આજે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા “ફાયર સર્વિસ ડે” નિમીત્તે ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસીઝ દ્વારા શહિદ દિનની ઉજવણી કાલાવડ રોડ ફાયર સ્ટેશન ખાતે કરવામાં આવી હતી. જેમાં ફાયર સ્ટાફ દ્વારા બે મિનિટનું મૌન પાળી શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી. ફિલ્ડ માર્શલ બ્લડ બેંકના સહયોગથી રાજકોટ ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસીઝ શાખા દ્વારા રકતદાન કેમ્પ યોજવામાં આવ્યો હતો. મનપાનાં અધિકારીઓ-પદાધિકારીઓ હાજર રહ્યાઃ તુષાર સુમેરા
આ તકે મનપા કમિશનર તુષાર સુમેરાએ જણાવ્યું હતું કે, ફાયરના જવાનો લોકો જ્યારે જીવન મરણ વચ્ચે હોય ત્યારે દેવદૂત બનીને લોકોનો જીવ બચાવવા માટે તેનો જીવ જોખમમાં મુકતા હોય છે. મુંબઈમાં બનેલી ઘટના બાદ કેન્દ્ર સરકારનાં આદેશથી આજના દિવસની ખાસ ઉજવણી કરવામાં આવે છે. જેમાં શહીદોને શ્રદ્ધાંજલિ આપવાની સાથે બ્લડ ડોનેશન કેમ્પ પણ કાલાવડ રોડ ફાયર સ્ટેશન ખાતે યોજાયો છે. આ તકે શહેરીજનોને ફાયર અને ઇમરજન્સી વિભાગની સારામાં સારી સુવિધા મળે તેવી ખાતરી હું આપું છું. આ કાર્યક્રમમાં મનપાનાં તમામ અધિકારીઓ અને પદાધિકારીઓ હાજર રહ્યા હતા.