વડોદરાના માંજલપુર સ્પંદન સર્કલ પાસે પાણીની ટેન્કર ધોબીની લારીમાં ઘૂસી ગઈ હતી અને પાછળથી ST બસ ઘૂસી ગઈ હતી. પાણીના ટેન્કરના ચાલકે કાબૂ ગુમાવતા નજીકમાં આવેલી ધોબીની લારીમાં ટેન્કર ઘૂસી ગયું હતું, જેમાં દંપતિનો આબાદ બચાવ થયો હતો. જોકે, પતિ ઇજાગ્રસ્ત થયા હતા, જેથી તેઓને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. અકસ્માતની આ ઘટના CCTVમાં કેદ થઈ ગઈ હતી. આ ઘટનાની જાણ થતાં પોલીસ પણ ઘટના સ્થળે દોડી ગઈ હતી અને આ મામલે વધુ તપાસ શરૂ કરી છે. ટેન્કરના ચાલકે સ્ટીયરીંગ પર કાબૂ ગુમાવતા અકસ્માત સર્જાયો
શહેરમાં છેલ્લા ઘણા સમયથી અકસ્માતોના બનાવવામાં નોંધપાત્ર વધારો જોવા મળી રહ્યો છે. દરરોજ જુદા-જુદા વિસ્તારોમાં અકસ્માતની ઘટના સામે આવી રહી છે, તેવામાં આજે બપોરે વધુ એક અકસ્માતની ઘટના માંજલપુર વિસ્તારમાં બની હતી. વડોદરા શહેરના માંજલપુર સ્પંદન સર્કલ પાસે રાજપીપળાથી કીર્તિ સ્તંભ તરફ જતી બસ અને ખાનગી પાણીના ટેન્કર વચ્ચે અકસ્માત સર્જાયો હતો. આ દરમિયાન પાણીના ટેન્કરના ચાલકે સ્ટેરીંગ પરનો કાબુ ગુમાવતા નજીકમાં આવેલી એક ધોબીની લારીમાં પાણીનું ટેન્કર ઘૂસી ગયું હતું આકસ્માતમાં ધોબીને ઈજા પહોંચી હતી અને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યારે મહિલાનો બચાવ થયો હતો. બસમાં બેઠેલા મુસાફરોનો પણ બચાવ થયો હતો. આ મામલે પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી છે. અકસ્માત બાદ ટેન્કર ચાલક ફરાર થઈ ગયો
સ્થાનિક વિનોદ શાહે જણાવ્યું હતું કે, વડોદરા શહેરમાં છેલ્લા કેટલાક દિવસોથી વિવિધ વિસ્તારોમાં અકસ્માતો થઈ રહ્યા છે. જેમાં અનેક લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે. આ પ્રકારના અકસ્માતો અટકાવવા માટે સરકારે કડક પગલાં લેવા જોઈએ. કાર સહિતના મોટા વાહન ચાલકો બેફામ વાહનો ચલાવતા હોય છે, જેને કારણે અકસ્માત થતા હોય છે. આજે અહીં સ્પંદન સર્કલ પાસે અકસ્માત થયો છે, જેમાં ટેન્કર ચાલક ભાગી ગયો છે. અહીં ઝડપથી બમ્પ મૂકીને લોકોના જીવ બચાવવા
તેઓએ વધુમાં જણાવ્યું હતું કે, સ્પંદન સર્કલ પાસે બમ્પ મૂકવાની મેં અનેક વખત રજૂઆતો કરી છે પરંતુ બમ્પ મૂકવામાં આવ્યો નથી, જેના કારણે અહીં અવારનવાર અકસ્માત થાય છે અને લોકો પોતાના જીવ ગુમાવે છે. જેથી અહીં ઝડપથી બમ્પ મૂકીને લોકોના જીવ બચાવવા જોઈએ. સ્પીડ બ્રેકર ન બનતા અકસ્માતો થાય છે
સ્થાનિક સંભાજીભાઈએ જણાવ્યું હતું કે, હવે સ્પીડ બ્રેકર માટે અનેક વખત રજૂઆતો કરી છે પરંતુ, સ્પીડ બ્રેકર ન બનતા અકસ્માતો થાય છે. આઈ સ્પીડ બ્રેકર બનાવવામાં આવે તો અકસ્માતોને અટકાવી શકાય છે.