બેંગલુરુમાં છોકરીઓની છેડતી કરવાના આરોપીની કેરળથી ધરપકડ કરવામાં આવી છે. આ માટે પોલીસે ત્રણ રાજ્યોમાં લગભગ 700 સીસીટીવી કેમેરાના ફૂટેજની તપાસ કરી હતી. પછી કેરળના એક છોવાડાના ગામમાંથી આરોપી પકડાયો હતો. શહેરના BTM લેઆઉટ વિસ્તારમાં 3 એપ્રિલના રોજ છોકરીઓ સાથે છેડતી કરવામાં આવી હતી. તેનો સીસીટીવી વીડિયો પણ સામે આવ્યા હતા. વીડિયોમાં એક માણસ છોકરીઓનો પીછો કરતો દેખાય છે. જ્યારે છોકરીઓ તેનાથી બચવાનો પ્રયાસ કરે છે, ત્યારે તે અચાનક તેમાંથી એક છોકરીને ખોટી રીતે અડપલા કરીને હેરાન કરે છે. આ પછી, તે સ્થળ પરથી ભાગી જાય છે. જોકે, તે સમયે પણ છોકરીઓની ઓળખ થઈ શકી ન હતી. પોલીસે જણાવ્યું કે જ્યારે આરોપીની શોધખોળ શરૂ કરવામાં આવી, ત્યારે તે બેંગલુરુથી તમિલનાડુના હોસુર ભાગી ગયો. ત્યારબાદ તે સેલમ અને પછી કેરળના કોઝીકોડ ભાગી ગયો. ત્રણેય રાજ્યોમાં એક અઠવાડિયા સુધી શોધખોળ કર્યા પછી, તેને કોઝિકોડના નરવન્નુરથી ધરપકડ કરવામાં આવી. આરોપીની ઓળખ સંતોષ (26 વર્ષ) તરીકે થઈ છે. તે બેંગલુરુમાં જગુઆર શોરૂમમાં ડ્રાઇવર તરીકે કામ કરે છે. આ 4 તસવીરો પરથી સમજો, શું થયું હતું… છોકરીઓને બદનામી થવાનો ડર હતો, FIR નોંધાવી નહોતી આ ઉપરાંત પોલીસે બંને છોકરીઓની ઓળખ પણ કરી લીધી છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, તેમણે બદનામીના ડરથી તપાસનો ભાગ બનવાનો ઇનકાર કર્યો છે. જોકે, પોલીસે આરોપી વિરુદ્ધ હુમલો, જાતીય સતામણી અને પીછો કરવાનો કેસ નોંધ્યો છે. રાજ્યના ગૃહમંત્રીએ કહ્યું હતું- આવું થતું રહે છે ૭ એપ્રિલે જ્યારે કર્ણાટકના ગૃહમંત્રી જી પરમેશ્વરને મીડિયા દ્વારા આ ઘટના અંગે પ્રશ્ન કરવામાં આવ્યો ત્યારે તેમણે કહ્યું કે બેંગલુરુ જેવા મોટા શહેરમાં આવી ઘટનાઓ બનતી રહે છે. આ ટિપ્પણી પર ઘણો વિવાદ થયો હતો. જો કે, તેમણે કાર્યવાહી કરવા અને પોલીસ પેટ્રોલિંગ વધારવાનો પણ નિર્દેશ આપ્યો હતો. વિવાદ વધ્યો ત્યારે તેમણે માફી પણ માંગી. તેમણે કહ્યું હતું કે, ‘હું એક એવો વ્યક્તિ છું જે હંમેશા મહિલાઓની સુરક્ષા વિશે ચિંતિત રહું છું.’ જો મારા શબ્દોથી કોઈને દુઃખ થયું હોય, તો હું દિલગીર છું અને માફી માંગુ છું.