‘હું ભીક્ષાના બહાને ગામડે ગામડે ફરું છું. જ્યાં આપણા ભાઈ-બહેનોની વેદનાઓ સાંભળીને એમ થાય કે આપણે ક્યાંક મોડા ન પડીએ. પરિસ્થિતિ વિષમ છે. આપણે બધા લાપરવાહ ન બનીએ. તેના ઊંડાણમાં ઉતરીએ. આજે જ એક ભાઈએ મને ચિઠ્ઠીમાં લખ્યું છે કે હું અહીંનો જ એક ગામિત ભાઈ છું. અહીં વટાળ પ્રવૃત્તિમાં મન-ધનથી વ્યસ્ત ધર્મગુરુઓ અમને સેલવાસ અને દમણ મફતમાં ભણાવવા લઈ જાય છે અને દરમિયાન અમને ખિસ્ત્રી બનાવી નાખે છે.’ ‘સરકારી શાળાઓમાં ભગવદ્ ગીતા વહેંચી પાઠ કરાવે છે. પણ તકલીફ એ છે કે અહીંના 75% શિક્ષકો ઈસાઈ છે. એટલે આ કંઈ થવા દેતા નથી. પગાર સરકારનો ખાય છે ને ધર્માંતરણ કરાવે છે. આ એક સમસ્યા છે, સંકટ છે.’ મોરારિબાપુએ હાલમાં તાપીના સોનગઢ ખાતે રામકથા દરમિયાન ભારે હૈયે આ વ્યથા વ્યક્ત કરી હતી. મોરારિબાપુના નિવેદન બાદ ફરી એકવાર ધર્મપરિવર્તન પર યુદ્ધ છેડાયું છે. દરમિયાન બે દિવસ પહેલાં દક્ષિણ ગુજરાતમાં જ RSSના વડા મોહન ભાગવતે પણ ધર્માંતરણ અંગે ચિંતા વ્યક્ત કરી હતી. વલસાડ જિલ્લાના ભાવ ભાવેશ્વર મહાદેવ મંદિરના રજત જયંતી સમારોહમાં મોહન ભાગવતે કહ્યું, ડર-લાલચના પ્રભાવમાં આવીને પોતાનો ધર્મ ન બદલો. આજે પણ એવી તાકતો છે જે ઈચ્છે છે કે આપણે બદલાઈ જઈએ (ધર્મ પરિવર્તન કરીએ લઈએ). તમને જાણીને આંચકો લાગશે પણ ધર્માંતરણના કારણે ગુજરાતના એક આખા જિલ્લાની ડેમોગ્રાફી બદલાઈ ગઈ છે. એક દાવા પ્રમાણે તાપી જિલ્લાના ગામોમાં ખિસ્ત્રી ધર્મ પાળનારા લોકોની સંખ્યા 70%થી પણ વધી ગઈ છે. દિવ્ય ભાસ્કરની ટીમે સતત 5 દિવસ સુધી તાપી જિલ્લાના અનેક ગામડાઓમાં ફરીને વટાળ પ્રવૃતિની હકીકત જાણી હતી. સ્થાનિક લોકો, ધર્મગુરુઓ, નિષ્ણાતો તેમજ રાજકીય અને સામાજિક આગેવાનોને મળીને આખા ઈશ્યૂના પાયામાં ઊતર્યા હતા. જેના પરથી અમે આ ખાસ સિરીઝ ‘ધર્મ પરિવર્તન’ તૈયાર કરી છે. જેના પહેલાં એપિસોડ ‘માસૂમોનું બ્રેઇનવોશ?’માં વાંચો કેવી રીતે અને ક્યાંથી શરૂ થાય છે ધર્મ પરિવર્તનનો ખેલ… મોરારિબાપુએ પોતાની કથા દરમિયાન સરકારી શાળામાં 75% શિક્ષકો ઇસાઇ હોવાથી કંઇ થવા નથી દેતા તેવું કહ્યું હતું. એટલે અમે તાપી જિલ્લાની સરકારી શાળાઓની સ્થિતિનો તાગ મેળવવાનું નક્કી કર્યું. વ્યારા અને ઉચ્છલ તાલુકાની શાળામાં તપાસ
અમારી ટીમે તાપીના વ્યારા અને ઉચ્છલ તાલુકાની શાળામાં તપાસ કરી. જેમાં અમારી સમક્ષ કેટલીક ચોંકાવનારી બાબતો સામે આવી. ગામઃ માંડળ
તાલુકોઃ વ્યારા
સ્થળઃ સરકારી સ્કૂલ સૌથી પહેલાં દિવ્ય ભાસ્કરની ટીમ વ્યારા તાલુકાના માંડળ ગામે આવેલી સરકારી ગ્રાન્ટેડ સ્કૂલમાં પહોંચી હતી. શાળામાં ઇસુ ખ્રિસ્તની તસવીર
સવારનો સમય હતો. શાળામાં વિદ્યાર્થીઓ આવી ચૂક્યા હતા. એક તરફ ક્લાસ રૂમમાં અભ્યાસ ચાલતો હતો. બીજી તરફ શાળામાં સફાઇ ચાલતી હતી. અમારી ટીમ જેવી શાળાના પ્રાંગણમાં દાખલ થઇ કે પગથિયાંની બાજુના પીલર પર જ ઇસુ ખ્રિસ્તની તસવીર જોવા મળી. અહીં ઇસુ સિવાય અન્ય કોઇ હિન્દુ દેવી દેવતાની તસવીરો નહોતી. ટ્રસ્ટી વાત કરવા તૈયાર નહોતા
આ તસવીરો જોયા બાદ અમે ત્યાંનું મેનેજમેન્ટ સંભાળતા ટ્રસ્ટી અને મુંબઇના ધર્મગુરૂને મળ્યા. તેમણે પોતાનું નામ ન આપ્યું અને કેમેરા સામે વાત કરવાની પણ ના પાડી દીધી. થોડીવાર સુધીની સમજાવટ બાદ આખરે તેઓ ઓફ કેમેરા વાત કરવા તૈયાર થયા. અંતે ટ્રસ્ટીએ ભૂલ સ્વીકારી
અમે તેમને મોરારિબાપુના નિવેદન અંગે પૂછ્યું તો તેમણે કહ્યું કે ધર્મ અને શિક્ષણને કોઈ લેવા દેવા નથી. અમે કહ્યું કે જો ધર્મ અને શિક્ષણને કોઇ લેવા દેવા નથી તો શાળામાં કેમ ઈસુના ફોટા રાખેલા છે? બીજા દેવી દેવતાઓના ફોટા નથી? માત્ર કોઈ એક ધર્મનો શાળામાં પ્રચાર કરવો કેટલો યોગ્ય છે? આ પ્રશ્ન પૂછતાં જ તેઓ હેબતાઇ ગયા અને કોઇ યોગ્ય જવાબ ન આપી શક્યા. અંતે તેમણે પોતાની ભૂલ સ્વીકારી હતી. આ દરમિયાન એક શિક્ષક સાથે પણ અમારી વાત થઈ. તેઓ થોડા ગભરાયેલા હતા પરંતુ તેમણે પોતાનું નામ ન આપવાની શરતે સોનગઢ પાસેની પરચુલી પ્રાથમિક શાળામાં ખ્રિસ્તી ધર્મની પ્રાર્થના કરાવાતી હોવાની માહિતી આપી. આ માહિતી મળતા હવે અમારે પરચુલી ગામે જઇને પ્રાથમિક શાળામાં શું ચાલે છે તે તપાસવાનું હતું. ગામઃ પરચુલી
તાલુકોઃ ઉચ્છલ
સ્થળઃ પ્રાથમિક શાળા શાળામાં પ્રાર્થના મોડિફાઇ કરાઇ
શનિવારનો દિવસ હતો. અમારી ટીમ સવારે 7:30 વાગ્યે પરચુલીની પ્રાથમિક શાળામાં પહોંચી ગઇ હતી. 8:30 વાગ્યા સુધી શાળામાં કોઈ શિક્ષક હાજર નહોતા. આ દરમિયાન અમે શાળામાં ભણવા આવતા બાળકો સાથે વાતચીત કરી. તેમણે ઈંગ્લિશ પ્રાર્થના કરાવાતી હોવાનું કહ્યું. બાળકો સાથેની વાતચીતમાં અમને બીજી ગુજરાતી પ્રાર્થના પણ મોડિફાઈ કરેલી હોવાનું જાણવા મળ્યું હતું. આ 2 શાળાની મુલાકાત બાદ અમે વ્યારાના હરિપુરા ગામે પહોંચ્યા. આ હરિપુરા ગામ એટલે ભાજપના ધારાસભ્ય મોહન કોંકણીનું વતન. શાળાના પરિસરમાં જ ચર્ચ ઊભું કરી દેવાયું
અમારી ટીમ જ્યારે હરિપુરાની પ્રાથમિક શાળામાં પહોંચી તો અમારી આંખો ચાર થઈ ગઈ કારણ કે આ શાળાના પરિસરમાં જ ચર્ચ ઊભું કરી દેવાયું હતું. પરિસરમાં એકતરફ શાળા હતી તો તેની સામેની બાજુમાં જ ચર્ચ હતું. આ 3 શાળાની મુલાકાત દરમિયાન ક્યાંક ઇસુ ખ્રિસ્તની તસવીર, ક્યાંક ખ્રિસ્તી પ્રાર્થના તો ક્યાંક શાળાના પરિસરમાં જ ચર્ચ જોવા મળ્યું. આ તો ફક્ત 3 શાળાની વાત હતી પરંતુ અન્ય શાળાઓમાં પણ ઇસુની તસવીરો અને ખ્રિસ્તી પ્રાર્થના થાય છે. આના પછી અમે ખ્રિસ્તી સમાજ અને આદિવાસી સમાજના આગેવાનો, RSSના કાર્યકર, ધારાસભ્ય ચૈતર વસાવા અને સાંસદ મનસુખ વસાવાનો સંપર્ક કર્યો અને મોરારિબાપુના નિવેદન અંગે તેમનો મત જાણ્યો હતો. સમસ્ત ખ્રિસ્તી સમાજના પ્રમુખ હરીશ ગામિતે મોરારિબાપુના નિવેદન પર સવાલો ઉઠાવ્યા. ‘મોરારિબાપુએ ચીઠ્ઠીનો અભ્ચાસ કરવાની જરૂર હતી’
હરીશ ગામિતે દિવ્ય ભાસ્કરને કહ્યું કે, કોઈએ આપેલી ચિઠ્ઠી વાંચતા પહેલાં મોરારિબાપુએ તેનો અભ્યાસ કરવાની જરૂર હતી. તેમણે ચિઠ્ઠીનો અભ્યાસ કરીને તેને સરકાર સમક્ષ મુકવાની હતી. મોરારિબાપુએ ચિઠ્ઠી વાંચીને કહ્યું કે અહીં ખોટી રીતે ધર્માંતરણ થાય છે. આવું જ કંઈક હર્ષ સંઘવી પણ બોલી ગયા. સમસ્ત ખ્રિસ્તી સમાજના સંગઠન મંત્રી દીપકભાઇ મોરારિબાપુને ચિઠ્ઠી આપનારી વ્યક્તિનું નામ જાહેર કરવાની માંગ કરે છે. ‘મોરારિબાપુ તારીખ અને સંખ્યા જાહેર કરે’
દીપકભાઇએ દિવ્ય ભાસ્કરને જણાવ્યું કે, મોરારિબાપુએ કોઈ અનામી ચિઠ્ઠી વાંચી લીધી. પહેલાં તો આ ચિઠ્ઠી કોણે આપી તેનું નામ જાહેર કરવું જોઈએ. આ ઉપરાંત તેમની તમામ વાત તથ્યવિહિન છે. જેને અમે વખોડી કાઢીએ છીએ. ગીધમાળ વિસ્તારમાં રહેતા આદિવાસી આગેવાન બાલુભાઇ ગામિતે આટલા વર્ષો દરમિયાન હિન્દુઓએ કરેલી ભૂલો પણ ગણાવી. ‘અહીંનો આદિવાસી બધે જાય છે’
બાલુભાઇએ દિવ્ય ભાસ્કરને કહ્યું કે, મોરારિબાપુએ ધર્મને આગળ કર્યો છે. અહીંનો આદિવાસી પ્રકૃતિ પૂજક છે. તે મંદિર, મસ્જિદ અને ચર્ચમાં બધે જાય છે. મોરારિબાપુએ આટલા વર્ષ પછી નિવેદન કર્યું અત્યારસુધી તે ક્યાં હતા? બાલુભાઇ વધુમાં કહે છે કે, તમને નહીં ખબર હોય આ વિસ્તારની આસપાસના 50 કિલોમીટરમાં એક પણ મંદિર નથી? જો કોઈને મંદિરે દર્શન પણ કરવા હોય તો કેવી રીતે કરે? તમે મંદિર બનાવવાનું કામ કેમ ન કર્યું? બીજીતરફ મિશનરી સંસ્થાઓએ આ કામ 70 વર્ષ પહેલાં કર્યું છે. મોરારિબાપુએ આ બધી બાબતોનો સર્વે કરવો જોઈતો હતો. વસંત ગામિત વ્યારાની કોલેજમાં પ્રોફેસર હોવા ઉપરાંત સામાજિક અગ્રણી અને RSSના કાર્યકર પણ છે. તેઓ અહીંના શિક્ષકો પર સવાલ ઉઠાવે છે. સરકાર ધારે તો ઘણું બહાર આવે તેમ છે: સંઘ કાર્યકર
વસંત ગામિતે દિવ્ય ભાસ્કરને કહ્યું કે, ગમે તેટલા સારા અભ્યાસક્રમ આવે પરંતુ શિક્ષક આવા હશે તો કંઈ નહી થાય. હવે ગુણોત્સવ નજીક છે. જો સરકાર ધારે તો આ મુદ્દે ઘણું બધું બહાર આવી શકે તેમ છે. ભરૂચના સાંસદ મનસુખ વસાવા મોરારિબાપુની વાતને સાચી ગણાવે છે. વિદ્યાર્થીઓ અને વાલીઓ પ્રભાવમાં આવી જાય છેઃ મનસુખ વસાવા
મનસુખ વસાવાએ દિવ્ય ભાસ્કરને કહ્યું કે, મિશનરીમાં ભણતા બાળકોની શાળામાં આ પ્રકારનું દબાણ કરાતું હોય છે. માતા-પિતા અને વિદ્યાર્થીઓ શાળાના કલ્ચર, પ્રાર્થનાને જોઈને તેમના પ્રભાવમાં આવતા હોય છે. આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવા મોરારિબાપુના નિવેદનને હિન્દુ અને ખ્રિસ્તી સમાજ વચ્ચે તણાવ ઊભું કરનારું ગણાવે છે. મોરારિબાપુએ પુરાવા આપવા જોઇએઃ ચૈતર વસાવા
ચૈતર વસાવાએ દિવ્ય ભાસ્કરે જણાવ્યું કે, શિક્ષકો દ્વારા ધર્માંતરણ કરાવવામાં આવે છે તેવી બાબત ક્યારેય અમારા ધ્યાને આવી નથી. મારા મતે મોરારિબાપુએ આવું નિવેદન ન આપવું જોઈએ. દિવ્ય ભાસ્કરની આ ખાસ ‘ધર્મ પરિવર્તન’ સિરીઝના આવતીકાલના બીજા એપિસોડમાં વાંચો કેવી રીતે ગામે ગામે બની ગયા ચર્ચ? ખ્રિસ્તી કાર્યક્રમમાં કઈ શોકિંગ વસ્તુ જોવા મળી? સાથે ખ્રિસ્તીમાંથી ફરીથી હિન્દુ ધર્મમાં પરત ફરનારા લોકોએ શું કર્યા આંખ ખોલી દેતા ખુલાસા…