તાજેતરમાં ગાંધીનગરમા આયોજિત ઓલ ઇન્ડિયા ફેડરેશન ઓફ મોટર વેહિકલ ડિપાર્ટમેન્ટ દ્વારા યોજાયેલ રોડ સેફ્ટી પ્રીમિયર ક્રિકેટ લીગ અને રોડ સેફટી એવોર્ડનું આયોજન કરવામાં આવેલ હતું. જેમાં સમગ્ર દેશમા રોડ સેફટીને લગતી ઉત્કૃષ્ટ કામગીરી કરનાર અધિકારીને રાષ્ટ્રીય કક્ષાનો રોડ સેફટી એવોર્ડ ગાંધીનગર ખાતે આપવામાં આવેલ હતો.આ એવોર્ડ રાજકોટ આરટીઓ કે.એમ.ખપેડને મળ્યો હતો. રામકૃષ્ણ આશ્રમમાં યુવા સંમેલન યોજાયું, 4 પુસ્તકોનું વિમોચન કરાયું
રાજકોટના શ્રીરામકૃષ્ણ આશ્રમ ખાતે રવિવારે યુવા સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું. સંમેલનનું ઉદ્ઘાટન સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિ પ્રો. (ડો.) ઉત્પલ જોષીના હસ્તે કરવામાં આવ્યું હતું. આ તકે સ્વામી નિખિલેશ્વરાનંદજીએ પોતાના સ્વાગત વક્તવ્યમાં જણાવ્યું કે, “દેશના સ્વાતંત્ર્ય સેનાનીઓના પ્રેરણા સ્ત્રોત સ્વામી વિવેકાનંદના પુસ્તકો જ હતા, આથી યુવાનો સ્વામીજીના પુસ્તકો વાંચે અને પોતાનું જીવન પરિપૂર્ણ બનાવે.” તેમણે સર્વાંગી વ્યક્તિત્વ વિકાસમાં આધ્યાત્મિકતાની આવશ્યકતા પર ભાર મૂક્યો હતો. પ્રો. ડો. ઉત્પલ જોષીએ યુવાનોને વ્યક્તિગત ચરિત્ર નિર્માણ દ્વારા જ રાષ્ટ્ર નિર્માણની સંકલ્પના સમજાવી તથા સખત પરિશ્રમ કરવા પર ભાર મૂક્યો હતો. પાણીની પાઈપલાઈનમાં ભંગાણ થતા વોર્ડ નંબર 3માં પાણી વિતરણ ખોરવાયું
રાજકોટની માધાપર ચોકડીથી રેલનગર તરફ જતા મોરબી રોડ ટચ રસ્તા પર આજે પાણીની મુખ્ય લાઇનના વાલ્વમાં એકાએક ભંગાણ સર્જાતા વોર્ડ નં.3ના પોપટ પરા, રેલનગર સહિતના વિસ્તારોમાં પાણી વિતરણ ખોરવાઇ ગયું હતું. આજે બપોર સુધી પાણી ન મળતા ભરતડકા અને ગરમીમાં બહેનો હેરાન થઇ ગયા હતા. આ બાદ 12 કલાકે માંડ પાણી મળતા રાહત થઇ હતી. પ્રાપ્ત વિગત મુજબ વોર્ડ નંબર 3માં માધાપર ચોકડીથી રેલનગર તરફ જવાના રસ્તે 500 mmની પાઇપલાઇનમાં કોઈ કારણોસર ભંગાણ સર્જાવાના કારણે અનેક વિસ્તારોમાં પાણી વિતરણ વ્યવસ્થા ખોરવાય હતી. 12 કલાક સુધી પાણી ના મળવાના કારણે ગૃહિણીઓમાં દેકારો બોલી ગયો હતો. જોકે તાત્કાલિક રીપેરીંગની કામગીરી કરવામાં આવી હતી. જેમાં ખાસ્સો સમય થતા રોજના સમય કરતાં કલાકો મોડું પાણી વિતરણ કરવામાં આવ્યું હતું. લાખાજીરાજ-ધર્મેન્દ્ર રોડ પર પાથરણાવાળાના ત્રાસથી વેપારીઓમાં ફરી રોષ
રાજકોટ શહેરના સૌથી જુના વેપારી વિસ્તાર, વર્ષોથી પાથરણા, દબાણ, આડેધડ પાર્કિંગનો ત્રાસ ભોગવતા હાર્દસમા લાખાજીરાજ રોડ, ધર્મેન્દ્ર રોડ પર છેલ્લા કેટલાક સમયથી પાથરણાવાળાનો ત્રાસ વધી રહ્યો છે. વેપારીઓ દ્વારા વારંવાર રજુઆત કરવા છતા કોઈ નિરાકરણ ન આવતા વેપારીઓ રોષે ભરાયા છે. અને આગામી સમયમાં વેપારીઓએ આંદોલનના માર્ગે જવા ચીમકી ઉચ્ચારી છે. વેપારીઓએ ચિમકી ઉચ્ચારી છે કે આગામી સમયમાં જો યોગ્ય નિરાકરણ નહીં આવે તો વેપારીઓ બંધનું એલાન કરશે. બેથી ત્રણ દિવસમાં તેઓ રાજકોટ મ્યુ. કમિશનરને મળી ફરી રજૂઆત કરશે. છતાં પણ કોઈ નિર્ણય નહીં આવે તો ઉગ્ર આંદોલનના માર્ગે જશે. રાજકોટના ગુણુભાઈ ડેલાવાળાને હાર્ટ એટેક આવતા હોસ્પિટલમાં દાખલ
રાજકોટમાં સરગમ ક્લબ થકી સેવાની સુવાસ ફેલાવતા ગુણુભાઈ ડેલાવાળાને હાર્ટ એટેક આવ્યાના સમાચાર સામે આવ્યા છે. હૃદયરોગનો હૂમલો આવતા તેમને શહેરની ખાનગી સિનર્જી હોસ્પિટલમાં દાખલ કરવામા આવેલા છે. સૂત્રોના જણાવ્યાં મુજબ, તેમને 3 નળી બ્લોક આવી છે. જોકે હાલ તેઓ ICU માં છે અને તેમની તબિયત સુધારા પર છે. હવે તેમને વધુ સારવાર માટે અમદાવાદ ખસેડવામાં આવે તેવું જાણવા મળી રહ્યું છે.