ગાંધીનગરમાં સત્યાગ્રહ છાવણી ખાતે વ્યાયામ શિક્ષકોનું આંદોલન 29મા દિવસે પણ ચાલુ છે. આજે ડૉ. બાબાસાહેબ આંબેડકરની જયંતિ નિમિત્તે આંદોલનકારીઓએ વિધાનસભા સામેની આંબેડકરની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી હતી. રાજ્યની પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શાળાઓમાં વ્યાયામ શિક્ષકોની કાયમી ભરતીની માગ મુખ્ય છે. સરકારની 11 માસના કરાર આધારિત ખેલ સહાયક યોજના સામે વિરોધ છે. આંદોલનકારીઓના જણાવ્યા મુજબ છેલ્લા દોઢ દાયકાથી વ્યાયામ શિક્ષકોની કાયમી ભરતી થઈ નથી. ખેલ સહાયકોને વર્ષમાં માત્ર 8 મહિના જ કામ મળે છે. બાકીના 4 મહિના માટે તેમને ઘરે બેસવું પડે છે. આનાથી તેમના પરિવારનું ગુજરાન ચલાવવામાં મુશ્કેલી પડે છે. સરકાર તરફથી કોઈ પ્રતિસાદ ન મળતાં આંદોલનકારીઓએ અહિંસક લડત શરૂ કરી છે. પોલીસ દરરોજ સત્યાગ્રહ છાવણી પર પહોંચીને વિરોધ પ્રદર્શન કરતા ઉમેદવારોની અટકાયત કરે છે. આજે પણ આ સિલસિલો યથાવત રહ્યો હતો. આજે આંબેડકર જયંતિ નિમિત્તે વ્યાયામ વીરોએ બંધારણના ઘડવૈયા ડૉ. આંબેડકરને પત્ર લખીને પોતાની માંગણીઓની રજૂઆત કરી હતી. આંદોલનકારીઓએ જ્યાં સુધી માંગણીઓ નહીં સંતોષાય ત્યાં સુધી આંદોલન ચાલુ રાખવાની જાહેરાત કરી છે.